Columns

1991ના ‘પ્લેસિસ ઓફ વર્શિપ’ એક્ટનો વિવાદ

ભારતમાં મોગલ શાસન દરમિયાન વૈદિક અને જૈન ધર્મનાં આશરે 3,000 મંદિરો તોડીને તેને સ્થાને મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. તે પૈકી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના સ્થાન પર બાબરી મસ્જિદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના સ્થાન પર મસ્જિદ અને કાશીમાં શ્રી શંકર મહાદેવના જ્યોતિર્લિંગના સ્થાન પર જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુઓને સૌથી વધુ ખટકી રહી હતી. 1990ના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બીજી સંસ્થાઓ દ્વારા શ્રી રામ જન્મભૂમિની મુક્તિ માટે આંદોલન ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ તેમના એજન્ડામાં કાશી અને મથુરા પણ હતા.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિને મુક્ત કરાવવામાં સફળતા મળ્યા પછી હવે કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓના નિશાન પર કાશી અને મથુરા છે. આ બે સ્થાનોને મુક્ત કરાવવામાં 1991નો ‘’પ્લેસિસ ઓફ વર્શિપ’’ એક્ટ નડે છે. જેમાં અયોધ્યાને બાદ કરતાં દેશના તમામ ધર્મસ્થાનોનો 1947ની 15મી ઓગસ્ટનો દરજ્જો બદલી ન શકાય તેવું ઠરાવવામાં આવ્યું હતું. આ કાયદો મોજૂદ છે તો પણ વારાણસીની કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વે કરાવવાનો આદેશ આપીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે.

ઉત્તર પ્રદેશના ‘સુન્ની વક્ફ બોર્ડ’ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જે જમીન ઉપર જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે તેના મહેસૂલી દસ્તાવેજોમાં પણ માલિક તરીકે મુસ્લિમ પક્ષકારોનું નામ લખવામાં આવ્યું હતું. આ દલીલ ફગાવી દેતા વારાણસીની કોર્ટના વિદ્વાન જજે જણાવ્યું હતું કે મહેસૂલી રેકોર્ડમાં પણ ભૂલ હોઈ શકે છે, જેને સુધારી શકાય છે. આ ઘટના એટલી જૂની છે કે બેમાંથી કોઈ પક્ષ પાસે તેમના દાવાનું સમર્થન કરે તેવા પુરાવા નથી. જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ મંદિર તોડીને બનાવવામાં આવી છે તેવા દાવાનું મુસ્લિમ પક્ષકારો ખંડન કરે છે.

આ સંયોગોમાં કેસનો ફેંસલો કરવા માટે આ બાબતમાં સત્ય શું છે? તે શોધી કાઢવાની કોર્ટની ફરજ છે. ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહમદ ફારુકીના કહેવા મુજબ 1991ના ‘’પ્લેસિસ ઓફ વર્શિપ’’ એક્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 1947ની 15મી ઓગસ્ટે પૂજાસ્થળનો જે દરજ્જો હોય તે બદલી શકાય નહીં. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે પણ કાયમ રાખ્યો છે. વારાણસીની કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં ટકી શકે તેવો નથી તેમ કાયદાના નિષ્ણાતો કહે છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ કહે છે કે આ ચુકાદો 1991ના ‘’પ્લેસિસ ઓફ વર્શિપ’’ એક્ટની વિરુદ્ધમાં છે. હાઈકોર્ટ દ્વારા તેને રદ કરી નાખવામાં આવશે.

જો કે હિન્દુ પક્ષકારો દ્વારા પણ તેની તૈયારી કરીને વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. જો હાઈકોર્ટ વારાણસીની કોર્ટના ચુકાદાને સ્થગિત કરી દેશે તો હિન્દુ પક્ષકારો દ્વારા તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેટલીક સંસ્થાઓ દ્વારા 1991ના ‘’પ્લેસિસ ઓફ વર્શિપ’’ એક્ટને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી નીકળશે ત્યારે જ્ઞાનવાપીની પણ સુનાવણી કરવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટ 1991ના કાયદાને રદ કરે તો કાશીનો કેસ હિન્દુ પક્ષકારો જીતી જશે. દરમિયાન જો પુરાતત્ત્વ ખાતાનો અહેવાલ આવી જાય તો મંદિરનાં બાંધકામનો રસ્તો ખુલ્લો થઈ જશે.

અયોધ્યામાં જેમ રામ લલ્લા વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તેમ કાશીમાં પણ શંકર ભગવાન વતી વિજયશંકર રસ્તોગી અને બીજા ચાર લોકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ આજે જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે, ત્યાં 2050 વર્ષ પહેલાં વિક્રમાદિત્ય રાજાએ બંધાવેલું મંદિર હતું. ઇ.સ. 1669માં મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશથી તે મંદિરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી.

અરજદારના કહેવા મુજબ 1871માં ‘એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ’ દ્વારા પ્રસિદ્ધ થયેલા ‘મા-અસીર-ઇ-આલમ’ ગિરિના પુસ્તકમાં આ તમામ માહિતી આપવામાં આવી છે. અરજદારોના કહેવા મુજબ હિન્દુ મંદિર તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી હતી તો પણ તે જમીનની માલિકી હિન્દુઓના હાથમાં જ રહી હતી. ઇ.સ. 1809માં તે સ્થાને રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં હિન્દુઓએ મુસ્લિમોને તગેડી મૂક્યા હતા. રમખાણો પછી મસ્જિદના વહીવટદારો પાસે નુકસાન વસૂલ કરવામાં આવ્યું હતું. 1928માં આ જગ્યાની માલિકી પાછી હિન્દુઓને આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ જગ્યાએ અનેક કોમી રમખાણો થયા હતા.

બ્રિટિશ શાસન દરમિયાન મુસ્લિમોને આ જગ્યા પર માત્ર નમાઝ પઢવાની મંજૂરી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવી હતી. મુસ્લિમોને જે જગ્યા પર નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી તેના કરતાં વધુ જમીન પર તેમણે કબજો જમાવી દીધો હતો. તેમ છતાં આજે પણ જ્ઞાનવાપી મસ્જિદનો ગ્રાઉન્ડ ફ્લોરનો હિસ્સો હિન્દુઓના કબજામાં છે. 1991ની 13મી ઓક્ટોબરે કેટલાક હિન્દુઓ દ્વારા આ જગ્યાનો કબજો લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ મુસ્લિમોએ તેમને તેમ કરતા રોક્યા હતા. આ કારણે અરજદારોને વારાણસીની કોર્ટમાં કેસ કરવાની ફરજ પડી હતી.

મુસ્લિમોને ડર છે કે જે રીતે હિન્દુઓ દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે રીતે તેઓ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ પણ તોડી પાડવા માગે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદની આજુબાજુની જમીન ખાલી કરાવવામાં આવી હતી. જેને કારણે મસ્જિદ દૂરથી દેખાઈ આવતી હતી. ત્યાર બાદ તેને તોડી પાડવામાં આવી હતી. તેવી જ રીતે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા વારાણસીના ગંગા ઘાટથી કાશી વિશ્વેશ્વર મંદિર સુધી વિશાળ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોર તૈયાર કરવા માટે હવે મસ્જિદ પણ તોડી પાડવામાં આવશે એવો તેમને ડર છે.

Most Popular

To Top