National

દિલ્હી એરપોર્ટ પરથી 434 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ટ્રોલી બેગમાં આ રીતે છુપાવ્યું હતું

નવી દિલ્હી: દિલ્હી(Delhi) એરપોર્ટ(Airport) પરથી 434 કરોડનું ડ્રગ્સ(Drugs) ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. DRIએ એરપોર્ટના આયાતી કાર્ગો કન્સાઈનમેન્ટમાં 126 બેગમાંથી 62 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. જે કાર્ગોમાંથી ડ્રગ્સ પકડાયું હતું તે યુગાન્ડા મારફતે આવ્યું હતું.

પંજાબ અને હરિયાણામાંથી 7 કિલો ડ્રગ્સ ઝડપાયું
નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, ‘બ્લેક એન્ડ વ્હાઇટ’નામનાં કોડ સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત DRIએ 55 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ હેરોઈન આયાત કાર્ગો કન્સાઇનમેન્ટમાં ટ્રોલી બેગમાં સંતાડવામાં આવ્યું હતું. આ બાદ DRIએ પંજાબ અને હરિયાણામાં પણ ઓપરેશન અંતર્ગત કામગીરી હાથ ધરતા વધુ 7 કિલોનું ડ્રગ્સ અને ૫૦ લાખ રોકડ જપ્ત કરવામાં આવી હતી. આમ DRIએ કુલ 62 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત ૪૩૪ કરોડ હોવાનો અંદાજ છે.

ડ્રગ્સ લાવવા ખાસ તરકીબ
આ ડ્રગ્સ લાવવા માટે એવી તરકીબ અપનાવવામાં આવી હતી જેને જાણીને તમે પણ માથું ખંજવાળતા થઇ જશો. આ ડ્રગ્સની હેરાફેરી માટેની રચવામાં આવેલી મોડસ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ જે આયાતી કન્સાઇનમેન્ટમાંથી પકડાયું હતું તેમાં 330 ટ્રોલી બેગ હતી. જેમાંથી 126 ટ્રોલી બેગમાં ખુબ જ સફાઈથી ખાલી અને છીછરી મેટલ ટટ્યુબમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. જેને શોધવું ખુબ જ મુશ્કેલ છે.

એકની ધરપકડ, તપાસ શરુ
હાલમાં DRIએ આ વાંધાજનક માલ લાવનારની ધરપકડ કરી છે. તેમજ અન્ય શકમંદો ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ વર્ષ 2021માં ૩,૩૦૦ કિલોથી વધુ હેરોઇન કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ જાન્યુઆરી 2022થી અનેક વખત ડ્રગ્સ પકડાયું છે. નવી દિલ્હીના ઝર્ટ તુગલકબાદના કન્ટેનરમાંથી ૩૪ કિલોનું ડ્રગ્સ પકડાયું હતું. કંડલા બંદર પરના કન્ટેનરમાંથી 205 કિલોનું ડ્રગ્સ પકડ્યું હતું. પીપાવાવ બંદર પરથી 392 કિલો ડ્રગ સાથે યાર્ન ઝડપાયું હતું. આ ઉપરાંત છેલ્લા ૩ મહિનામાં અનેક કેસ પણ નોંધાયા છે, જેના કારણે હવાઈ મુસાફરો પાસેથી ૬૦ કિલોથી વધુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

Most Popular

To Top