સુરત: આજે ગુરૂવારે તા. 12મી મે 2022ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 72.02 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી. સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ઢોલ નગરાના તાલે ગરબા રમીને ઉજવણી કરી હતી. આ વર્ષે સૌથી વધુ રાજકોટ જીલ્લાનું અને સૌથી ઓછું પરિણામ દાહોદનું રહ્યું છે. રાજકોટ જીલ્લાનું 85.78 % અને દાહોદનું પરિણામ 40.19 % આવ્યું છે. તમને જણાવી દઈએ ગયા વર્ષે 2021માં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 ટકા પરિણામ નોંધાયું હતું.
A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા
ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં કુલ 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 64 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 61 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું નોંધાયું છે. 196 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જેમાં સુરતના સૌથી વધુ 42 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે. 3303 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-2 ગ્રેડ છે. અંગ્રેજી માધ્યમની શાળાનું પરિણામ 72.57 ટકા છે. ગુજરાતી માધ્યમની શાળાનું પરિણામ 72.04 ટકા છે. A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.40 ટકા છે. B ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા છે. AB ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 78.38 ટકા છે.
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા છે.
A-1 ગ્રેડમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી
સુરતનાં વિદ્યાર્થીઓએ ફરી બાજી મારી છે. સુરતનું 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં સુરતનાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ સફળતા મળી છે. સુરતના 42 A1માં અને 636 સ્ટુડન્ટ્સે A2 ગ્રેડમાં સફળતા મેળવી છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. કોરોનાના બે વર્ષ બાદ પહેલીવાર વિદ્યાર્થીઓમાં રિઝલ્ટ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 77.53 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 636 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 1468 અને B2માં 1930 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે.
રાજ્યમાં 1,06, 347 પૈકી 68,681 વિદ્યાર્થી પાસ થયા
રાજ્યમાં 140 વિજ્ઞાનપ્રવાહના કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી, જેમાં 1,06,347 પૈકી નિયમિત 95,361 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. તે પૈકી 68,681 વિદ્યાર્થી પાસ થયા છે. બે વર્ષ બાદ બોર્ડના પરિણામનો ઉત્સાહ જોવા મળ્યો છે.
ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ રહ્યું
ગુજરાત બોર્ડનાં ધો.12 સાયન્સની પરીક્ષાના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ સારું રહ્યું છે. ગુજરાતી માધ્યમનું 72.04 ટકા અને અંગ્રેજી માધ્યમનું 72.57 ટકા પરિણામ જાહેર થયું છે.