વલસાડ : કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી વાપી એસઓજી પોલીસે ઘોટવણ ગામના એક ઇસમ પાસેથી રૂ.500ના દરની 586 નંગ બનાવટી નોટ ઝડપી પાડી હતી. પ્રાથમિક તપાસમાં તેણે આ નોટ મહારાષ્ટ્રના ત્રંબક તાલુકા, નાશિક જિલ્લાના એક ઇસમ પાસેથી મેળવી હોવાનુ જણાવ્યું હતું.
- કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી વાપી એસઓજીએ એક ઇસમને ઝડપી પાડ્યો
- નાશિક જિલ્લાના ત્રંબક તાલુકાના ઇસમે કપરાડા પહોંચ્યા બાદ તે જેને કહે તેને નોટો આપવાનો હતો
એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કપરાડા ખાતે એક ઇસમ બાઈક ઉપર નકલી નોટનો જથ્થો લઈ આવવાનો છે. જેથી પોલીસે કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સુથારપાડા તરફથી નંબર વગરની બાઈક ઉપર આવી રહેલા ઇસમને પોલીસે અટકાવતા તેણે પોતાનું નામ કિશન કાળુ ચૌધરી (રહે.મૂળગામ ફળિયું, ઘોટવણ, તા.કપરાડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની થેલી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની રૂ.500ના દરની ચલણી નોટના 4 બંડલ મળી આવ્યા હતા. જેમાંથી કુલ 586 નંગ નોટ મળી આવી હતી. પોલીસે પકડાયેલા ઇસમ પાસેથી રૂ 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન, નંબર વગરની હોન્ડા સાઈન બાઈક પણ કબજે કરી હતી. ઘટનાના પગલે પોલીસે એફએસએલ અને કપરાડા બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતા તેમણે પણ આ નોટ નકલી હોવાનુ જણાવ્યું હતું.
એકની ધરપકડ, એક વોન્ટેડ
પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે આ નકલી નોટ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ત્રંબક તાલુકાના બાફનવિહિર ગામના માધવ રામદાસ બાભને પાસેથી મેળવી હોવાનુ જણાવ્યું હતું. આ નોટ કોને પહોંચાડવાનો હતો, તે અંગે જણાવ્યું કે કપરાડા બજારમાં પહોંચ્યા બાદ માધવને ફોન કરવાનો હતો અને તે જેને કહે તેને નોટો આપવાનો હતો તેમ જણાવ્યું હતું. આ ઘટના અગે સૈયદ બાબન વાઢું, એસઓજી વાપીએ પકડાયેલા ઇસમ કિશન કાળુ ચૌધરી વિરૂધ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે માધવ રામદાસ બાભને વોન્ટેડ જાહેર કર્યો હતો.
1 લાખ ઉપર રૂપિયા 20 હજાર કમિશન મળવાનુ હતુ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા ઇસમ કિશને જણાવ્યું કે મહારાષ્ટ્રના ઇસમ પાસેથી તેણે આ નકલી નોટો મેળવી હતી અને કપરાડા બજાર પહોંચી ફોન કર્યા બાદ પહોંચાડવાની હતી. જોકે તે અગાઉ જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પકડાયેલા કિશને જણાવ્યું કે તેને આ કામ માટે રૂ.1 લાખ ઉપર રૂ. 20 હજાર કમિશન પેટે મળવાના હતા.
પોલીસ મોબાઇલના આધારે નોટ ક્યાંથી આવી, કોણ નેટવર્કને ચલાવતું હતું તેની તપાસ કરશે
પોલીસ હવે આ ઘટનામાં પકડાયેલા ઇસમ અને તેની પાસેથી મળી આવેલા ફોનને આધારે નકલી નોટ ક્યાંથી આવતી હતી, કોણ આ સમગ્ર નેટવર્કને ચલાવતું હતું, અને પકડાયેલો ઇસમ કોને આ નકલી નોટનો જથ્થો આપવાનો હતો તેની વિસ્તૃત તપાસ કરી રહી છે.