ત્રણ ચાર હજાર વર્ષ પહેલાંના ભરૂચની વાત આજની પ્રજા માટે કેવી રીતે કહેવી તે પ્રશ્ન વિકટ છે. આ તો સમુદ્રમંથન કરવા બરાબર છે પણ ભરૂચની વાત તો કરવી જ પડે. તે વગર ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ જ ના આવે. જેવી રીતે મુઘલ યુગમાં (1572-1700) સુરત આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પંકાયું તેવી રીતે છેક મૌર્ય યુગથી (ઇ.પૂ. 322 – ઇ. પૂ. 185) શરૂ કરીને ગુપ્ત યુગ (ઇ.સ. 320-470) અને મૈત્રક યુગ (ઇ.સ. 470-788) દરમિયાન 1000 વર્ષ સુધી ભરૂચ એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે ઝળકી ઊઠયું હતું. એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો પ્રવેશ માર્ગ હતું. પ્રાચીન સમયમાં ભરૂચ ભરૂકચ્છ અને ભૃગુકચ્છ તરીકે ઓળખાતું. ગ્રીક અને રોમન લોકો તેને ‘બારીગઝા’ તરીકે કહેતા. પ્રાચીન સંસ્કૃત અને ગ્રીક ભાષાઓમાં તેના મબલખ ઉલ્લેખો છે. ભરૂચ અને સુરત દક્ષિણ ગુજરાતનાં મહાન બંદરીય નગરો હતા. જો કે આજે તો તે સમયની ભાષાઓ ઉપરાંત સમગ્ર કલ્ચરલ માહોલ બદલાઇ ગયો છે. આવા સંજોગોમાં ભરૂચને સજીવન કેવી રીતે કરીશું?!
ભરૂચ બંદરીય નગરનું વર્ણન
નર્મદા નદીને કાંઠે આવેલા ભરૂચ શહેરનું વર્ણન બૌધ્ધ જાતક કથાઓ, વસુદેવ હીંડી, વિવિધ કલ્પતરૂ અને જૈન આગમ સાહિત્યમાંથી તેમજ મેગસ્થનીસ (ઇ.પૂ. 350- ઇ.પૂ. 290), કલોડીયલ ટોલેમી (ઇ.સ. 85-165), ગ્રીક અહેવાલ ‘પેરીપ્લ્સ ઓફ ધી ઇરેથીયન સી (ઇ.સ. પહેલી સદી), સ્ટ્રેબો (ઇ.સ. 64-24), ફાહીયાન (ઇ.સ. 337-422) અને હ્યુએન સાંગ (ઇ.સ. 602-664) જેવા વિદેશી મુસાફરોના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઓસનોગ્રાફરો તથા પુરાતત્ત્વવિદોએ પણ એમનો કસબ અજમાવીને પ્રાચીન ભરૂચ ઉપર પ્રકાશ નાંખ્યો છે. તેને આધારે ભરૂચનું વર્ણન અત્રે પ્રસ્તુત છે. અરબી સમુદ્રને અડીને આવેલું ભૃગુકચ્છ એક વિશાળ બંદરીય નગર હતું અને તે જળ અને સ્થળ એમ બન્ને માર્ગો દ્વારા ભારત તેમ જ હિંદી મહાસાગરના દેશો સાથે સંકળાયું હતું.
ભરૂચ બંદરનો વેપાર તે સમયનાં બેબીલોનીયા, મેસોપોટેમીયા, હોર્મુઝ, બહેરીન, ઉર, લાગશ, કીશ, બંદર અબ્બાસ, મસ્કત, એડન, લોકોત્રા, મોચા અને એલેકઝાન્ડ્રિયા સાથે હતો અને નૈક્ષ્ત્ર્ય દિશામાં જાવા, સુમાત્રા, સુલવેસી, સુંદા, બાલી જેવા મસાલાના ટાપુઓ તેમજ છેક ચીન સાથે હતો. સીલ્ક રૂટ દ્વારા ભરૂચ ચીનથી શરૂ કરીને છેક એલેકઝાંડ્રિયા તથા રોમ સાથે સંકળાયેલું હતું. આ સીલ્કરૂટ ચીનના હન વંશ દરમિયાન (ઇ.પૂ. 306-ઇ.સ. 220) શરૂ થયો હતો અને તે સમયે હિંદમાં મૌર્ય અને ક્ષત્રિય સામ્રાજયો (ઇ.સ. 78 – 398) પ્રવર્તતા હતા. ભરૂચ બંદર આવા વિવિધ દેશવિદેશના પ્રદેશો સાથે વેપાર કરીને દેશને મબલખ વિદેશી હૂંડિયામણ રળી આપતું હતું. તે સમયના સંસ્કૃત શ્લોક મુજબ:
‘મરુકચ્છા પચાતાન્ વાણિજાનં ધનસિનમ્!
નાવાય વિપણતથાય તદા ચ મરુકચ્છ
વાણિજા નાવાય સુવણ્યાભૂમિ ગચ્છતિ !!’
(ભરૂચના વેપારીઓ વહાણ વાટે જાવા અને સુમાત્રા જેવી સુવર્ણભૂમિ તરફ જાય છે અને ધન રળે છે)
આજે પણ ગુજરાતી ભાષામાં કહેવતો છે: ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’. અને, ‘જે જાય જાવે તે ફરી ના આવે જો ફરી આવે તો પરિયા પરિયા ખાય એટલું ધન લાવે.’ ભરૂચ પ્રાચીન વિશ્વનું મહાન બંદરીય નગર હોવાથી અહીં આરબ, ઇરાની, તુર્ક, રોમન, ગ્રીક, આર્મેનિયન ઉપરાંત આપણા દેશના સેંકડો વેપારીઓ તથા કારીગરો વસતા હતા. ભરૂચના ઇન્ટરનેશનલ ટ્રેડને અનુરૂપ આ નગરમાં મોટું કસ્ટમ્સ હાઉસ હતું જેમાં કસ્ટમ્સ ઓફિસરો, મુનીમો, કારકૂનો, દલાલો, આંગડિયાઓ અને શરીફો પ્રવૃત્ત હતા. અહીંનાં બજારોમાં વેપારીઓ તંબુ બાંધીને દેશવિદેશનો અવનવો માલ વેચતા.
વિદેશથી જેવાં માલ ભરેલા વહાણો ભરૂચ આવે કે કસ્ટમ્સ હાઉસનો અધિકાર કાન ફૂટી જાય તેવા અવાજથી બ્યુગલ અને ઢોલ વગાડતો અને સ્થાનિક વેપારીઓને જાણ કરતો. ભરૂચનું કસ્ટમ્સ હાઉસ એક વિશાળ કોમ્પ્લેક્સ હતા. તેમાં અનેક ઓફિસો ઉપરાંત વખારો આવી હતી. તે સમયે કસ્ટમ્સ હાઉસ ‘વેલાકૂલ’ તરીકે ઓળખાતું હતું અને તેનો સર્વોચ્ચ અધિકારી ‘વેલાફૂલાધ્યક્ષ’ કહેવાતો. આજે આપણે અંગ્રેજી ભાષાથી ટેવાયેલા હોવાથી ‘નેવેલ કમાન્ડર’, ‘પાઇલટ’, ‘પોર્ટ કમિશનર’ અને ‘કસ્ટમ્સ હાઉસ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ પણ પ્રાચીન સમયમાં તેને માટે ‘નૌકાધ્યક્ષ’ ‘નાવીકાપતિ’, ‘મંડવિકા’, ‘શુકલાધ્યક્ષ’, ‘હિરણ્યસમુદ્રમીકા’ (રોકડ નાણાં ઉઘરાવતો અધિકારી) અને ‘આતિથ્યમ્‘ (વિદેશી વેપારીઓ સાથે વહેવાર કરતો અધિકારી) જેવા નામો પ્રચલિત હતા.
આ તો છેક 3000 વર્ષ પહેલાંનાં ભરૂચની વાત છે જે તે સમયે ભરૂકચ્છ, ભૃગુકચ્છ અને બારીગઝા તરીકે વ્યાપારી વિશ્વમાં પ્રસિધ્ધ હતું. બધો વ્યવહાર સંસ્કૃત, ગ્રીક, રોમન અને અરબી ભાષાઓમાં થતો હતો. તે સમયે તો ગુજરાતી ભાષા જ કયાં હતી?! તેમ છતાં ભરૂચ પ્રાચીન ભારત વર્ષની અસ્મિતા (glory) સમાન બંદર હતું. આજે આપણને નવાઇ લાગે પણ ભરૂચ બંદરમાં વિદેશથી વિવિધ પ્રકારનાં દારૂ ઉપરાંત ગુલામો અને રોમન (યવન કન્યાઓ) યુવતીઓની આયાત થતી હતી! સાંસ્કૃતિક નાટકોમાં ‘યવન કન્યા’નાં ભરપટ્ટે વર્ણનો છે. ભરૂચ બંદરના વિકાસનું કારણ શું હતું? આ પણ એક પૂછવાલાયક મહત્ત્વનો પ્રશ્ન છે. ભરૂચ બંદરના વિકાસ માટે નીચેનાં કારણો જવાબદાર હતાં.
૧. ભરૂચ બંદરની ખીલવણીમાં મૌર્ય, શૂંગ, ક્ષત્રિય અને ગુપ્ત સામ્રાજયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આવાં કારણોસર તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ અને દક્ષિણ ભારત ઉપરાંત, બંગાળ, ઉજજૈન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, હેરાત, કંદહાર સાથે માર્ગવ્યવહાર દ્વારા જોડાયું હતું. ભારતના વિવિધ પ્રદેશોમાંથી અનાજકરિયાણું, રેશમી અને સુતરાઉ વસ્ત્રો, ગાલીચા, આયુર્વેદિક ઔષધિઓ, ઝવેરાત, અગરબત્તી, અત્તરો વગેરે ભરૂચમાં ગાડા મારફત ઠલવાતા અને ભરૂચથી તેની વિદેશોનાં બંદરોમાં નિકાસ થતી હતી. વિદેશથી ભરૂચમાં માલસામાન ઉપરાંત સોના અને રૂપાની પાટો આયાત થતી હતી. જો ભરૂચ વિશાળ ભારતીય સામ્રાજયોનો હિસ્સો ના હોત તો દૂર દૂરના દેશોમાંથી આટલી મોટી સંખ્યામાં માલની આયાત ના થઇ હોત.
૨. ભરૂચની જાહોજલાલી માટે વિવિધ સામ્રાજયોએ સ્થાપેલી રાજકીય સ્થિરતા અને સુદૃઢ વહીવટીતંત્ર જવાબદાર હતા. મૌર્ય શાસકો ઉપરાંત ક્ષત્રિય વંશના નહપાન (ઇ.પૂ. 58 – ઇ.પૂ. 12) અને રુદ્રદામન (ઇ.સ. 130-150) જેવા મહાન પશ્ચિમી ક્ષત્રિયોએ ભૃગુકચ્છની આણ પંજાબ, ઉજજૈન અને છેક અફઘાનિસ્તાન સુધી ફેલાવી હતી. ભરૂચમાંથી પ્રાપ્ત થયેલા વિવિધ દેશોના સિકકાઓ ઉપરાંત ‘પેરીપ્લસ’ જેવા ૧લી સદીનાં અહેવાલો ઉપરથી આ કથન સિધ્ધ થાય છે. પેરિપ્લસનો ગ્રીક લેખક કહે છે: ‘એપોલોડોટસ અને મિનેન્દ્રની મુદ્રાવાળા બેકિટ્રયાથી આવતા દ્રમનું ચલણ અહીં બારીગાઝામાં આજે (ઇ.સ. 60ની આસપાસ, આજથી લગભગ 2000 વર્ષ પહેલાં!) પ્રચલિત છે. 19 મા સૈકાના સુવિખ્યાત પુરાતત્ત્વવિદ અને સિકકાશાસ્ત્રી ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીએ દ્રમ ઉપરાંત અસંખ્ય તાંબાના સિકકા પ્રાપ્ત કર્યા હતા. તેમને મિનેન્દ્રના ચાંદીનાં ગોળ દ્રમ પ્રાપ્ત થયા હતા. સિકકાના અગ્રભાગમાં વચ્ચે રાજાનું દક્ષિણાભિમુખ કિરીટધારી ચિત્ર છે અને તેની આસપાસ Basileos Menandron’ એવું ગ્રીક લખાણ છે. આ સિકકાઓ પ્રાચીન ભરૂચની જાહોજલાલીનાં પ્રતીક છે.
(૩) ભરૂચ બંદરના વિકાસમાં આપણા દેશી વહાણવટાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અહીંનાં શીપ બીલ્ડર્સોએ વિવિધ બાંધણીનાં વહાણો બાંધ્યા હતા. જેમ કે ક્ષુદ્રા, પતલા, અભયા, દીર્ઘિકા, લોલા, પ્લાવીની, ચપળા વગેરે. કેબિન ધરાવતા ત્રણ પ્રકારના વહાણો હતા – સર્વ મંદિર, મધ્ય મંદિર અને અગ્ર મંદિર. ભરૂચ બંદરના વેપારીઓ અને વહાણવટીઓ જાણતા હતા કે દરિયો તોફાની અને ભમરીઓવાળો હતો અને અણિયાળી ભેખડોને કારણે લંગરો ઘણી વાર કપાઇ જતા. તેથી કોટિયા, બગલો, ગંજો, ચપળા અને દીર્ઘા જેવા નાનાં વહાણોનો ઉપયોગ કરતા હતા. ભોજ નારપતિમાં લખ્યું છે કે દરિયો ઓળંગનાર વહાણ લાંબું હોવું જોઇએ કે જે અગ્રભાગ અને છેડા વચ્ચે સમતુલા જાળવી શકે. વહાણો સપાટ તળિયાવાળાં હોવા જરૂરી છે. મધદરિયે તે હીલોળા ના લે તેને માટે કાળજી રાખવાની જરૂર છે. વહાણો માટે વલસાડી અને મલબારી સાગનો ઉપયોગ થતો. જુદા જુદા ભાગોને સાંધવા માટે લોખંડની ખીલીઓ તથા ચાપડા મારવામાં આવતા અને તેને માટે કુશળ ધાતુવિદ્યાવિદ્દો ઉપલબ્ધ હતા. ભોજ નારપતિએ તેના ગ્રંથ ‘મુકિત કલ્પતરૂ’ માં બતાવ્યું છે કે વિવિધ વહાણોને કયા રંગોથી શોભાયમાન કરવામાં આવતા હતા. ૪. ભરૂચ બંદરના વિકાસમાં ખાસ કરીને જૈન વેપારીઓએ પાયાની ભૂમિકા ભજવી હતી. તે સમયે ખોજા, વહોરા, મેમણ જેવા મુસ્લિમ વેપારીઓ તથા પારસી વેપારીઓ હતા જ નહીં. તેથી ભરૂચ બંદરના વેપારીઓ તરીકે માત્ર જૈન અને હિંદુ નામો જ પ્રાપ્ત થાય છે. આવતા લેખમાં તેની વાત કરીશું.
(ક્રમશ:)