Editorial

ડ્રોન્સ અને એર-ટેક્સીઓનું ચલણ વધવાની સાથે વિશ્વમાં ઉડ્ડયન ક્ષેત્રે એક નવો યુગ શરૂ થશે

ગત સદીની શરૂઆતમાં, ડીસેમ્બર ૧૯૦૩માં અમેરિકાના રાઇટ બંધુઓએ વિશ્વનું સૌપ્રથમ એન્જિન સંચાલિત વિમાન ઉડાડ્યું પછી વિશ્વમાં ધીમે ધીમે વિમાનોનો વિકાસ થયો અને હવાઇ મુસાફરીઓના યુગની શરૂઆત થઇ. આજે તો હવાઇ ઉડ્ડયન ખૂબ સામાન્ય બાબત બની ગઇ છે. દરરોજના હજારો વિમાનો આખી દુનિયામાં ઉડા ઉડ કરતા રહે છે અને લાખો મુસાફરો અને મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓની હેરફેર કરતા રહે છે. હવે કેટલાક સમયથી પાયલટ વગરના ઉડ્ડયન વાહનો, જે સામાન્ય રીતે ડ્રોન તરીકે ઓળખાય છે તેનું ચલણ પણ વધવા માંડ્યું છે. શરૂઆતમાં માત્ર જાસૂસી કે લશ્કરી હેતુઓસર વપરાતા ડ્રોન્સ હવે તો બીજા પણ અનેક કામો માટે ઉપયોગમાં લેવાવા માંડ્યા છે અને હવે મર્યાદિત પ્રમાણમાં માલસામાનની હેરફેર કરી શકે તેવા ડ્રોન શરૂ થયા છે. બીજી બાજુ, જમીન માર્ગો પર વધતા વાહન વ્યવહારને કારણે એર ટેક્સીઓનો ખયાલ પણ વિકસવા માંડ્યો છે અને મર્યાદિત પ્રમાણમાં મુસાફરોને ટૂંકા અંતર માટે હવાઇ માર્ગે હેરફેર કરાવી શકે તેવી એર ટેકસીઓ આગામી કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વિકાસ પામે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે ત્યારે આ એર ટેકસીઓ અને ડ્રોનના ઉતરાણ-ચડાણ માટેનું આગવું પોર્ટ સૌપ્રથમ બ્રિટનમાં શરૂ  થયું છે.

બ્રિટનના કોવેન્ટ્રીમાં વિશ્વનું સૌપ્રથમ વર્ટીપોર્ટ ખુલ્લું મૂકાયું છે. જે રીતે એરપોર્ટ પર વિમાનોનું ઉતરાણ અને ઉડાન થાય છે તે રીતે અહીંથી એર ટેક્સીઓ અને પાયલોટ વગરના કાર્ગો ડ્રોન જેવા હવાઇ વાહનો ચડ ઉતર કરી શકશે. નોંધપાત્ર બાબત એ છે કે ભવિષ્યના હવાઇ પરિવહન માટેનું ખૂબ મહત્વનું એવું આ મિનિ એરપોર્ટ અથવા વર્ટીપોર્ટ ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિક રિકી સંધુએ ખુલ્લુ મૂક્યું છે. એર-વન નામનું આ વર્ટીપોર્ટ એ કોવેન્ટ્રીમાં એટલા માટે બનાવવામાં આવ્યું છે કે અહીંથી યુકેના મોટા ભાગના વિસ્તારોમાં હવાઇ માર્ગે ચાર કલાકની અંદર પહોંચી શકાય છે. વર્ટી પોર્ટ પર વર્ટીકલ એટલે કે સીધી લીટીમાં લેન્ડીંગ કરતા અને ટેક-ઓફ કરતા એર ટેક્સી અને ડ્રોન જેવા હવાઇ વાહનો ઉતરાણ કરી શકશે અને ઉડાન ભરી શકશે.

હવે વિશ્વમાં જ્યારે ડ્રોન્સ ઘણા વધી ગયા છે અને ટૂંકી હવાઇ મુસાફરી માટે એર-ટેક્સીઓનું ચલણ પણ વધતું જવાની શકયતા છે ત્યારે તેમના માટે આવા પોર્ટ બનાવવા જરૂરી બની જશે. આગામી પાંચ વર્ષમાં વિશ્વભરમાં આવા ૨૦૦ વર્ટીપોર્ટ બનાવવાની આશા છે અને કોવેન્ટ્રી ખાતેનું આ વર્ટીપોર્ટ તે માટે એક બ્લુપ્રિન્ટ સમાન બની રહેવાની આશા છે. અર્બન-એર પોર્ટ નામની સંસ્થાના સ્થાપક અને એક્ઝિક્યુટીવ ચેરમેન રિકી સંધુએ આને પરિવહનમાં એક નવા યુગની શરૂઆત તરીકે ગણાવી હતી. આ પ્રોજેક્ટને યુકેની સરકારનો પણ નાણાકીય ટેકો છે. દુનિયાના અન્ય દેશોની સરકારો પણ પોતાને ત્યાં આવા નાના એરપોર્ટો કે વર્ટીપોર્ટ બનાવવા માટેના પ્રોજેક્ટોને નાણાકીય સહાય કરશે તેવી પુરી આશા છે.

આપણે અગાઉ જોયું તેમ મર્યાદિત પ્રમાણમાં માલ વહન માટે કે મર્યાદિત પ્રમાણમાં મુસાફરોના પરિવહન માટે અનુક્રમે ડ્રોન અને એર ટેક્સીઓ હવે વધુ પ્રમાણમાં પ્રચલિત બનવા તરફ છે. અમેરિકા જેવા દેશોમાં તો ડ્રોન વડે ચીજ  વસ્તુઓનો મર્યાદિત પુરવઠો પહોંચાડવાનું શરૂ પણ થઇ ગયું છે. એર ટેક્સીઓ હજી પ્રચલિત બની નથી પણ આગામી થોડા વર્ષોમાં તે પણ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત બનવાની શક્યતાઓ દેખાય છે. આ ડ્રોન્સ અને એર ટેક્સીઓની ઉડા ઉડ વધશે તો જમીન માર્ગો પર ટ્રાફીકનું ભારણ કદાચ થોડું ઓછું થશે પરંતુ હવાઇ ટ્રાફીકનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જશે અને તે માટે તેના યોગ્ય સંચાલનની વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે.

ડ્રોન અને એર ટેક્સીઓ પ્રમાણમાં નીચી ઉંચાઇએ ઉડશે એટલે મોટા વિમાનોને તો બહુ નડતરરૂપ નહીં થાય પરંતુ એક બીજા સાથે આ એર ટેક્સીઓ અને ડ્રોનના ભટકાઇ પડવાની ઘટનાઓ નહીં બને તેનું ધ્યાન રાખવું પડશે અને યોગ્ય વ્યવસ્થાઓ વિકસાવવી પડશે અને નિષ્ણાતો તે વિકસાવી જ નાખશે એવી પુરી આશા છે. ટૂંકમાં, ડ્રોન્સ અને એર ટેક્સીઓનું ચલણ વધવાની સાથે વિશ્વમાં હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે એક નવા યુગનો આરંભ થશે.

Most Popular

To Top