જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં ઈદની પૂર્વ સંધ્યાએ થયેલી હિંસાને લઈ હજુ પણ અશાંતિ જોવા મળી રહી છે. આ હિંસામાં પોલીસે 97 લોકોની ધરપકડ કરી છે. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ હિંસા રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.આ ઉપરાંત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે.
રાજસ્થાનના જોધપુરમાં ઈદના આગલા દિવસ બે સમુદાયો વચ્ચે થયેલી કોમી હિંસા બાદ હજુ પણ સ્થિતિ તંગ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 97 લોકોની ધરપકડ કરવામાં આવી છે.તેમજ આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. આ હિંસામાં ઘાયલ 4 પોલીસકર્મીઓ સહિત 16 લોકોની સારવાર ચાલી રહી છે. બંને સમુદાયના લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
આ કારણે થઇ હતી હિંસા
જોધપુરમાં આ હિંસા ઝંડા અને લાઉડસ્પીકર લગાવવાને લઈને થઈ હતી. જોધપુરના જલોરી ગેટ ચોક પર પરશુરામ જયંતિ નિમિત્તે સર્કલ પર ભગવા ઝંડો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. ઈદની પૂર્વ સંધ્યાએ ચોક્કસ સમુદાયના લોકોએ જૂના ઝંડા-બેનરો હટાવીને ત્યાં તેમના ઝંડા અને લાઉડસ્પીકર લગાવ્યા હતા. આ સાથે સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમાને બાંધીને મોટો ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજ હટાવવાનો વીડિયો વાયરલ થયા બાદ પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની હતી. બીજા દિવસે ઈદની નમાજ પછી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી અશોક ગેહલોતની શાંતિની અપીલ
હિંસા બાદ ચાલી રહેલા તણાવની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરુણ અપીલ કરી છે. તેમણે જોધપુરના લોકોને કહ્યું કે તેઓ કોઈપણ કિંમતે ઝઘડો ન કરે. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું, ‘જોધપુરમાં સર્જાયેli હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. રાજસ્થાન અને મારવાડની પરંપરા રહી છે કે અહીં દરેક સમાજના તમામ ધર્મના લોકો દરેક તહેવાર પર પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે. હું અપીલ કરવા માંગુ છું કે તમામ લોકોને શાંતિ જાળવવી જોઈએ અને તણાવ દૂર કરવો જોઈએ, કારણ કે આ તણાવ, હિંસાનું વાતાવરણ જોધપુરના લોકોના હિતમાં નથી.
તમામ લોકો ભાઈચારો જાળવી રાખે: સી.એમ ગહેલોત
મુખ્યમંત્રી ગેહલોતે વધુમાં કહ્યું કે, ‘હું સમજું છું કે સમય જતાં બધાએ સમજવું જોઈએ કે બધાએ સાથે મળીને ભાઈચારો જાળવી રાખવો જોઈએ. તે રાજકીય પક્ષનો નેતા હોય, કાર્યકર હોય, કે પછી જનપ્રતિનિધિ હોય. તેનો પહેલો ધર્મ પોતાના પક્ષના લોકોને અને જે લોકોને મળે છે તેને સંદેશો આપવાનો હોય છે કે કોઈપણ કિંમતે ઝઘડો ન થવો જોઈએ. આશા છે કે તમામ પક્ષોના લોકો આ પરંપરાને આગળ ધપાવવા માટે એકજૂટ રહેશે. અગાઉ, મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે DGP અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.