વાપી : વાપી (Vapi) જીઆઈડીસી (GIDC) જે ટાઈપ રોડ પર વળાંક પાસે રવિવારે (Sunday) મોડીરાત્રે એક યુવાન પર લોખંડના સળિયા અને રોડ સાથે ધસી આવેલા ટોળાંએ હુમલો (Attack) કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વલસાડ સિવિલમાં (Valsad Civil) ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું હતુ. આ અંગે વાપી જીઆઈડીસી પોલીસે (Police) હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
- વાપીમાં મોડીરાત્રે યુવાનને લોખંડના સળિયા અને રોડ ફટકારી મોતને ઘાટ ઉતાર્યો
- હત્યારાઓએ યુવાન પર હુમલો કરી અન્યને વીડિયો કોલ કરી માહિતી આપી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના છીરી ખાતે શાંતિનગરમાં શંકર ભગવાનના મંદિરની પાછળ પોતાના મકાનમાં રહેતો શિવધન રામલોચન વનવાસીનો 27 વર્ષીય દીકરો દિલીપ રવિવારે રાત્રે બે વાગે વાપી જીઆઈડીસીના જે ટાઈપ રોડ પાસે વળાંકમાં પસાર થતો હતો. ત્યારે કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સૈયદ, બંટી રાજેશ હળપતિ, લક્કી ઉર્ફે શશીકાંત મિશ્રા, ગોલુ, કાદિર ઈકરાર મન્સૂરી અને એક અજાણ્યો ઈસમે ભેગા મળી અગાઉ કાવતરૂ રચી દિલીપ પર લોખંડના પાઈપ, રોડ અને સળિયા સાથે તૂટી પડ્યા હતા. દિલીપને હાથે-પગે ગંભીર ઈજા પહોંચાડી ઢીક્કામુક્કીનો માર મારી ઈજાગ્રસ્ત કરી દીધો હતો. દરમિયાન આ ટોળાંમાં સામેલ કલીમ ઉર્ફે હકલાએ કાદીર ઈકરારને વીડિયો કોલ કરી ‘તુમને જૈસા બોલા થા, વૈસા પીટ ડાલા હૈ’ કહી તમામ ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ ઈજાગ્રસ્ત દિલીપને તાત્કાલિક વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
તલાવચોરા અને નોગામા ગામે મારા -મારીના બે બનાવમાં પોલીસ ફરિયાદ
ઘેજ: ચીખલી તાલુકાના તલાવચોરા અને નોગામા ગામે મારા -મારીના બે અલગ અલગ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરાના પહાડ ફળિયામાં રહેતા ગીતાબેન છોટુભાઇ પટેલ તેમના પૌત્ર અને પૌત્રી સાથે રહે છે અને કબજા બાબતે કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે વલસાડ ડુંગરવાડી ખાતે રહેતા તેની દીકરી ઉર્વશી હિતેશ પટેલ અને હિતેશ હસમુખ પટેલ તલાવચોરા આવી ગીતાબેન સાથે તકરાર કરી વાણી વિલાસ કરી માર મારતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સમીરભાઇ કડીવાલાએ હાથ ધરી હતી. ઉપરોક્ત બનાવના ફરિયાદી ગીતાબેનની દીકરીના છૂટાછેડા બાદ બન્ને સંતાન તેમની સાથે રહેતા હતા અને તેમની દીકરીએ ડુંગરવાડી બીજા લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં ગીતાબેનની જમીન એક્ષપ્રેસ-વે માં સંપાદિત થતા વળતર પણ આપવાનું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં નોગામા નાયકી ફળિયામાં રહેતા ધર્મેશ સુમન પટેલએ રમેશ મગન પટેલની માતા લક્ષમીબેન સાથે ઝઘડો કરી ટેબલ મારતા ઇજાગ્રસ્ત થતા જે બનાવ અંગેની ફરિયાદ પુત્ર રમેશે કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.