શાંઘાઈ: ચીન(China)માં કોરોના(Corona)નું સંક્રમણ વધવાના કારણે છેલ્લા લાંબા સમયથી લોકો લોકડાઉન(Lock Down) હેઠળ છે. લોકડાઉનનાં પગલે ચીનમાં જનજીવનને ભારે અસર પહોંચી છે. લોકડાઉનનાં કારણે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. સ્થાનિક લોકોએ તોડફોડ કરવાનું શરૂ કર્યું છે. જો કે લોકો ઘરની બહાર ન આવે તે માટે ચીનનાં રસ્તાઓ પર રોબોટ ડોગ્સ(Robot Dogs) દોડી રહ્યા છે. જે લોકોને ઘરમાં કેદ રહેવાનું માઈકમાં જણાવી રહ્યા છે.
કોરોના વાયરસના કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. ચીનની સરકાર કોરોનાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ થઈ છે. શાંઘાઈમાં લોકડાઉન હજુ ચાલુ છે. શેરીઓમાં ફરતા મોટાભાગના લોકો સરકારી કર્મચારીઓ છે, જેઓ સફેદ PPE કિટ પહેરેલા જોવા મળશે. જો કે હવે ચીને નાગરિકો પર ક્રૂરતાની તમામ હદો પાર કરવાનું શરૂ કરી દીધું છે.
લોકોના ઘરની બહાર લોખંડની જાળીઓ લગાવાઈ
ચીન નાગરિકો સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરી રહ્યું છે. જે પ્રાણીઓને પાંજરામાં કેદ રાખવામાં આવે છે તમે ચીનમાં લોકોને ઘરમાં કેદ રાખવા માટે સરકારી અધિકારીઓ ઘરની બહાર લોખંડની જાળીઓ લગાવી રહ્યા છે. મોટી ઈમારતોમાં પોતાના ઘરની બહાર પાંજરા જેવો જાળ જોઈને નાગરિકો પણ ડરી ગયા છે. શાંઘાઈના પુડોંગ જિલ્લાને સૌથી વધુ જોખમી વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અહીં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાગરીકોએ આક્ષેપ કર્યો છે કે તેમની સાથે પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.
જમવાનું માંગવા પર મળે છે લાઠીઓ
રેસ્ટોરન્ટમાં લોકોને કેદ કરવામાં આવ્યા છે. જેથી લોકો બહાર ન આવી શકે. એક રેસ્ટોરન્ટમાં બે વૃદ્ધ કેદ હતા. તેમ રેસ્ટોરન્ટનાં કર્મચારીઓએ ખાવાનું માંગી રહેલા લોકો પર લાઠીઓ વરસાવી હતી. હવે આ પરિસ્થિતિમાં લોકોને ઘરમાં કેદ રાખવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં ડ્રોનનાં ઉપયોગ ઉપરાંત રોબોટ ડોગ્સ દ્વારા લોકોને તેમના ઘરમાં રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.
રસ્તાઓ પર રોબોટ ડોગ્સ દોડી રહ્યા છે
લોકોને ઘરમાં કેદ રાખવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રસ્તાઓ પર રોબોટ ડોગ્સ દોડાવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં જે લોકોમાં કોરોનાના લક્ષણો નથી તેમને પણ તેમના ઘરોમાં કેદ કરવામાં આવી રહ્યા છે. શાંઘાઈમાં અત્યાર સુધીમાં ચાર લાખ કેસ નોંધાયા છે અને 138 મૃત્યુ નોંધાયા છે.