સુરત: કોરોના કાળ દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી પડી છે. ખાસ કરીને દવાઓના ખર્ચાને લઈ સામાન્ય વર્ગ તેમજ ગરીબ લોકોની હાલત કફોડી બની હતી. જો કે હવે સુરત(Surat)વાસીઓ માટે શહેરમાં શરુ થયેલી આ અનોખી વ્યવસ્થા ઘણી મદદરૂપ થશે.
- અનોખી દવાબેંક: વધેલી દવા સંસ્થાને આપો, જરૂર છે તો નિ:શુલ્ક લઈ જાવ
- એક મહિનામાં આશરે 400થી વધુ લોકોએ દવાબેંક પાસેથી નિ:શુલ્ક દવા મેળવી
- ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ આ બેંકમાંથી વિનામૂલ્યે દવા મેળવી શકાશે
સુરતની ચંદ્ર-અશોક-સોમ કરુણા સંસ્થા(Chandra-Ashok-Som Karuna Sanstha) દ્વારા અનોખી દવાબેંક(Dava Bank) શરૂ કરાઈ છે, જેમાં તમારી પાસે વધેલી દવાઓ સંસ્થાને આપી પણ શકાય અને તેની પાસેથી જરૂરિયાતમંદો લોકો નિ:શુલ્ક(Free) લઇ પણ શકે. આ સંસ્થા દ્વારા શરૂ કરાયેલી અનોખી બેંકને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ મહિનામાં 400થી વધુ લોકોએ લાભ લીધો છે.
ખરીદી કર્યા વગર લોકોને નિ:શુલ્ક દવા અપાય
સોની ફળિયાના વેન્કટેશ એપાર્ટમેન્ટમાં ચંદ્ર-અશોક-સોમ કરુણા સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરાઈ છે. સંસ્થાના સેવક ધીરણેન્દ્ર સંઘવીએ જણાવ્યું હતું કે, માણસ કોઇ બીમારીમાં પડે છે, ત્યારે તબીબ દ્વારા અપાયેલી દવાઓમાંથી બે-ત્રણ ગોળીઓ લે છે. બાદમાં બાકીની દવાઓ વેસ્ટ પડી રહેતી હોય છે, તેમજ ઘણા એવા પરિવારો છે, જેને રેગ્યુલર દવાઓ લેવી પડતી હોય છે. જેનો ખર્ચ કાઢવો પણ ભારે પડે છે. જેથી અમારી સંસ્થા આ બંનેનું માધ્યમ બની એ માટે કરુણા દવાબેંકની શરૂઆત કરી છે. જેમાં ખરીદી કર્યા વગર લોકોને નિ:શુલ્ક દવા અપાય છે.
એક મહિનામાં 400થી વધુ લોકોએ લીધો લાભ
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ આ બેંકમાંથી સંપૂર્ણ મફત દવા આપવામાં આવે છે. જેમને પણ જરૂર હોય તેમણે પ્રિસ્ક્રિપ્શન સંસ્થાના વોટ્સએપ નં.93289 33303માં મોકલવાનું હોય છે. જેથી સંસ્થા પાસે જે બ્રાન્ડની સરખી દવા અથવા બીજી બ્રાન્ડની દવા જે ઉપલબ્ધ હશે તે જ દવા સંપૂર્ણ મફત આપવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં આશરે 400થી વધુ લોકોએ દવાબેંક પાસેથી નિ:શુલ્ક દવા મેળવી છે.