મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કુલદીપ યાદવ અને મુસ્તફિઝુર રહેમાનની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સના બોલરોની અંકુશિત બોલીંગ છતાં નીતિશ રાણાની અર્ધસદી ઉપરાંત શ્રેયસ અય્યરની 42 તેમજ રિન્કુ સિંહની 23 રનની ઇનિંગની મદદથી કોલતાતા નાઇટ રાઇડર્સે મૂકેલા 147ના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે 19મી ઓવરમાં જ 6 વિકેટના ભોગે 150 રન બનાવીને મેચ 4 વિકેટે જીતી લીધી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી દિલ્હી કેપિટલ્સે ઇનિંગના પહેલા બોલે જ પૃથ્વી શોની વિકેટ પડી હતી, તે પછી મિચેલ માર્શ પણ આઉટ થયો હતો. ડેવિડ વોર્નર અને લલિત યાદવે 65 રનની ભાગીદારી કરીને સ્કોર 82 સુધી લાવ્યા ત્યારે વોર્નર 26 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો. તે પછી લલિત યાદવ અને ઋષભ પંતની વિકેટ બે બોલમાં પડતા દિલ્હીનો સ્કોર 5 વિકેટે 84 રન થયો હતો. અક્ષર પટેલ 15 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો તે પછી રોવમેન પોવેલ અને શાર્દુલ ઠાકુર ટીમને 19મી ઓવરમાં જ 4 વિકેટે જીત અપાવી હતી.
ટોસ જીતીને દિલ્હીએ ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પહેલા બેટીંગ કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત સારી રહી નહોતી અને તેમણે 35 રનના સ્કોર સુધીમાં ટોપ ઓર્ડરની 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી શ્રેયસ અને નીતિશ વચ્ચે 48 રનની ભાગીદારી થઇ હતી. શ્રેયસ 42 રન કરીને આઉટ થયો તે ઓવરમાં જ આન્દ્રે રસેલ પણ શૂન્ય રને આઉટ થતાં કેકેઆરે 83 રનમાં છ વિકેટ ગુમાવી હતી. નીતિશ અને રિન્કુ વચ્ચે તે પછી 62 રનની ભાગીદારી થતાં સ્કોર 145 સુધી પહોંચ્યો હતો. જો કે તે પછી કેકેઆરે 1 રનના ઉમેરામાં વધુ બે વિકેટ ગુમાવતા તેઓ 9 વિકેટે 146ના સ્કોર સુધી પહોંચ્યા હતા. મુસ્તફિઝુરે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ઉપાડી હતી. કુલદીપે 3 ઓવરમાં માત્ર 14 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી.