ભરૂચ,અંકલેશ્વર: દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ(Bharuch) જિલ્લાને ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાન(air travel)ની સેવા મળી શકે છે. ઉડ્ડયનન મંત્રી પૂર્ણૅશ મોદી(Purnesh modi)એ મે મહિનામાં અંકલેશ્વર(Ankleshwar)માં એર સ્ટ્રીપ(Air strip)ના ભૂમિપૂજનની જાહેરાત કરી છે. જે ઉદ્યોગોને કાર્ગો(Cargo) સેવા પૂરી પાડવામાં કારગર નીવડી શકે છે.
- ૨૮ વર્ષથી ઉડાનની રાહ જોતી એરસ્ટ્રીપનું ઉડ્ડયન મંત્રી ખાતમુહૂર્ત કરશે
- કાર્ગો પરિવહન અને એર એબ્યુલન્સના લાભ માટે વિશેષ આયોજન
- પ્રોજેક્ટની જાહેરાત બાદ ૮૪ હેક્ટર જમીનની વર્ષ-૨૦૦૨માં એરસ્ટ્રીપ માટે ફાળવણી થઈ હતી
- અંકલેશ્વરમાં વર્ષ-૧૯૯૩થી અમરપુરા પાસે એરસ્ટ્રીપ ઊભી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી
- વિધાનસભા હિસાબ કમિટીએ ડિસેમ્બરમાં જ એરસ્ટ્રીપ સ્થળે લેન્ડિંગ કરી ૩૦ વર્ષથી યોજના કેમ ઘોંચમાં છે તેનો હિસાબ લીધો હતો
અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ-૨૦૦૨માં ૮૪ હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી. જ્યાં ડિસેમ્બર-૨૦૨૧માં ગાંધીનગરથી વિધાનસભા હિસાબ સમિતિ આવી પહોંચી હતી. સ્થળ પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. યોજના ત્રણ દાયકાથી વધુ સમય ગાળામાં કેમ ઘોંચમાં પડી એ અંગે માહિતી મેળવી ૧૫ દિવસમાં આ અંગે રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના અમરતપુરાથી માંડવા વચ્ચે હાઈવે ને અડીને આવેલી ૮૪ હેક્ટર જમીનમાં વર્ષ-૨૦૦૨માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.
મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિપૂજન કરાશે
જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યો જોડાયા હતા. સાથે સમિતિ સભ્યો ધારાસભ્ય જીતુ સુખડિયા, આત્મારામ પરમાર, અનીલ જોશીયારા, ભગા બારડ, વિવેક પટેલ, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમ્મર તેમજ સમિતિના સચિવ મેરામળ કંદરિયા, કલેક્ટર તુષાર સુમેરાએ અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટીની તેમજ જીઆઈડીસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની જાણકારી મેળવી હતી. હવે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી અંકલેશ્વર ખાતે આગામી મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિપૂજન કરનાર છે. ત્યારે ચૂંટણી વર્ષમાં આ માત્ર ખતમુહૂર્ત પૂરતું સીમિત ન રહી વહેલી તકે એરસ્ટ્રીપ કાર્યરત થઈ કાર્ગો સેવાનો લાભ જિલ્લાના ઉદ્યોગોને મળે તેમ તેઓ આશા રાખી રહ્યા છે.