સુરત : સુરત મનપા(SMC)ના ઉધના ઝોન(Udhna Zone)ના અધિકારીઓ કોર્પોરેટર(corporator)ની ભલામણોને ધ્યાને લેતા નથી તેવી ફરિયાદ સાથે મંગળવારે ઉધના ઝોનના નગરસેવકોએ મેયર(Mayor)ને રજૂઆત કરી હતી. ઉધના ઝોનના અમુક નગર સેવકોએ મેયરને મળીને એવી રજૂઆત કરી હતી કે, ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેરથી માંડીને જૂનિયર ઇજનેરો સુધીનો સ્ટાફ કોર્પોરેટરની ભલામણ હોય તેવા બાંધકામો પણ થવા દેતા નથી.
- ઉધના ઝોનના અધિકારીઓ અમારી ભલામણ માન્ય રાખતા નથી : કોર્પોરેટરની મેયરને રજૂઆત
- જે ગેરકાયદે બાંધકામમાં કોર્પોરેટરની ભલામણ હોય તેનું જ પહેલા ડિમોલીશન કરવામાં આવે છે : નગર સેવકોએ હૈયાવરાળ ઠાલવી
વિસ્તૃત વિગતો મુજબ જયા ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે તેવા ઉધના ઝોનમાં થોડા મહીનાઓ પહેલા જ કાર્યપાલક ઇજનેર અને ઝોનલ વડા સહિતનો સ્ટાફ બદલાયો છે. તેની સામે ટી.પી. કમિટી ચેરમેન કનુ પટેલ અને શરદ પાટીલની આગેવાનીમાં વિનોદ પટેલ અને વોર્ડ નં- 23, 29 અને 28ના નગરસેવકોએ મેયરને રૂબરૂ મળીને એવી ફરિયાદ છે કે, ઝોનના અધિકારીઓ તેની ભલામણો માન્ય રાખતા નથી. ખાસ કરીને જે ગેરકાયદે બાંધકામ બાબતે કોર્પોરટરની ભલામણો હોય તેને તો પહેલા જ તોડી પાડવામાં આવે છે. જો કે આ પ્રકારની રજૂઆતથી મેયર પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા અને ઝોનના કાર્યાપાલક ઇજનેરને બોલાવીને ખુલાસો માંગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ રજૂઆતમાં અમુક કોર્પોરેટરો જોડાયા નહોતા.
સુરત મનપાને વિકાસ કામો માટે રાજ્ય સરકાર રૂા. 280 કરોડ ફાળવશે
સુરત: રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા, સત્તામંડળોને આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે રૂા. 1,184 કરોડના ચેક અર્પણ કરવામાં આવશે. બુધવારે ગાંધીનગર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી દર વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોને સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત મહાનગરપાલિકાને રૂા. 280 કરોડના ચેક આપવામાં આવશે. બુધવારે સુરત શહેરના મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષના હસ્તે આ ચેક સ્વીકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાને કુલ રૂા. 578 આપવામાં આવશે જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા રૂા. 280 કરોડના ચેક આપવામાં આવશે.