બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના મોટી ફળોદ ગામે પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લેવાની ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના મોટી ફળોદ ગામના નવા ફળિયામાં રહેતો કાર્તિક રાજુ હળપતિ બાજુના જ નગોડ ગામની સગીરાને લગ્નની (Marriage) લાલચે ભગાડી ગયા બાદ ગત તા.6 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં (Police Station) હાજર થવાનું હોય કાર્તિકે તેની પ્રેમિકા સાથે ઝેરી દવા પી લીધી હતી. દવા પીને જ બંને કામરેજ પોલીસ સ્ટેશન ગયાં હતાં. જ્યાં બંનેની તબિયત લથડતાં સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પૂછપરછમાં બંનેએ ખેતરમાં નાંખવાની ઘાસ મારવાની ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. બંનેને વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન યુવક કાર્તિકનું મોત થયું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પારનેરા પારડીના તળાવમાં નવ વર્ષનો બાળક ન્હાવા પડ્યો અને ડૂબી ગયો
વલસાડ : વલસાડ નજીકના પારનેરા પારડી તળાવમાં નવ વર્ષનો બાળક તળાવમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇને પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યુ હતું. તળાવમાં ૪ કલાકની ભારે જહેમત બાદ બાળકની લાશ બહાર કાઢવામાં આવી હતી. માહિતી પ્રાપ્ત અનુસાર વલસાડ તાલુકાના પારનેરા પારડી ખોખરા ફળિયામાં રહેતા જીતુ નાયકાનો 9 વર્ષનો દીકરો હર્ષ નાયકા વલસાડની આરએમવીએમ સ્કુલમાં ધો.4 માં અભ્યાસ કરે છે. ગતરોજ બપોરે હર્ષ સાઈકલ લઈને વલસાડ પારનેરા પારડી હાઇવે પર આવેલા ચંદ્રમોલેશ્વર મંદિરની બાજુમાં ગામના તળાવ પાસે સાયકલ પાર્ક કરીને તળાવમાં ન્હાવા પડ્યો હતો. ટાઈમ થઇ ગયો હોવા છતાં હર્ષ ઘરે નહીં આવતાં તેના માતા-પિતાએ તળાવ કિનારે શોધખોળ હાથ ધરી હતી. તળાવ કિનારેથી હર્ષની સાઇકલ મળી આવતા પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. ગ્રામજનો તથા તરવૈયાઓએ તાત્કાલિક તળાવમાં ડૂબકી મારીને તપાસ કરતા ચાર કલાકની ભારે જહેમત બાદ હર્ષની લાશ મળી આવતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાની જાણ ગામના મહિલા સરપંચ સુરેખા કિરણએ વલસાડ રૂરલ પોલીસને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકની લાશનો કબજો લઇ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.