અમદાવાદ: ગુજરાત(Gujarat)માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ(Hardik Patel) સામે રામોલ(Ramol) પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ સાથે અન્ય પાટીદારો સામે થયેલા વિવિધ કેસો પરત ખેંચવા મામલે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જે અરજી પર અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.
રામોલમાં નોંધાયેલી ફરિયાદને લઈ ચુકાદો
પાટીદાર અનામત આંદોલનમાં અમદાવાદનાં વસ્ત્રાલના કોર્પોરેટરના ઘર પર હુમલો થતા આ ફરિયાદ નોંધાવાઈ હતી. 20 માર્ચ 2017ના રોજ વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.
રાજ્ય સરકારે પાટીદારો સામેના 10 કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો હતો
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. જે પૈકી 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસો પૈકી 10 કેસો પરત ખેંચવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. આ ઉપરાંત હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે.
2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારોના જીવ ગયા
વર્ષ 2015માં અનામત આપવાની માંગ સાથે હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. આ સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાનાં પગલે 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં.
હાર્દિકને સુપ્રીમ કોર્ટે આપી છે રાહત
ગુજરાતમાં ચુંટણી યોજાઈ તે પહેલા જ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલની બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે. જેથી હવે હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની એમ બંને ચુંટણી લડી શકશે.