Columns

આંગણું… ઘર ઘરનો ‘શો’રૂમ

મેં તો હજુ સુધી કોઈ સન્નારીને આંગણામાં નાચતા જોઈ નથી છતાં આંગણાને નચાવતી આ કહેવતો પ્રશ્નાર્થ સાથે સાંભળી છે. ગુજરાતીમાં ‘નાચનારીનું આંગણું વાંકું’ અને હિન્દીમાં ‘નાચ ન જાને આંગન ટેઢા’. આમ તો બંને કહેવતોનો અર્થ એક જ થાય છે. પરફોર્મરની બિનઆવડતનું માટલું હંમેશાં આંગણાના માથે જ કેમ ફૂટે છે? બોલીવૂડ ગીતોમાં પણ ‘આંગણા’માટે વિચિત્ર વિરોધાભાસ દેખાય છે, ગઈ કાલની હિરોઈનો નૂતન કે આશા પારેખ દાવો કરે છે કે “મેં તુલસી તેરે આંગન કી” અને આ સદીનો મહાનાયક અમિતાભ ગાય છે “મેરે અંગને મેં તુમ્હારા કયા કામ હૈ?” આમજનતા માટે તો આ આંગણું એટલે રો હાઉસ, ટેનામેન્ટ કે બંગલાની આગળનો જમીનનો ખુલ્લો ભાગ જેને પોશ વિસ્તારમાં ‘ચોક’ અને ગામડામાં ‘ફળિયું’ પણ કહેવાય છે. પરદેશમાં તેને ‘પોર્ચ’ કહેવાય છે, તેમાં એક ખૂણે છતવાળો ઓટલો બાંધ્યો તો તેને ‘પોર્ટીકો’ કહેવાય.

દરેક આંગણામાં એક ખૂણે એક લોખંડનો ગેટ હોય છે જે ઘરમાંથી સોસાયટી રોડ તરફ અવરજવર માટે ખૂલતો હોય છે. આંગણું એ દરેક મકાનનો ચહેરો કમ ‘શો’ કેસ છે. આંગણું કેવું શણગાર્યું છે તેના ઉપરથી તે ઘરના માલિક, ખાસ તો માલકણનો ટેસ્ટ ખબર પડે છે. એક 10 બાય 10 Sq જગ્યામાં કુદરતી કે કુત્રિમ લીલીછમ લોન હોય છે. એક ખૂણામાં નળિયાવાળી છત સાથેનો લોખંડી કપલ હીંચકો હોય છે. જ્યાં રોજ સવારની પહેલી ચા-ચર્ચા અને રાતની છેલ્લી કોફી-ગપસપ થાય છે, કમ્પાઉન્ડ વોલની અંદરની બાજુમાં બે ફૂટના પટ્ટામાં ચંપા, કરેણ, ટગર, જાસૂદ કે ચાંદની જેવા ફૂલોવાળા ક્ષુપ વાવેલા હોય, ચાલો બોટનીનું જ્ઞાન અબોટું છું.

ક્ષુપ એટલે છોડ સે જરા જ્યાદા ઓર ઝાડ સે જરા કમ, આને દીપિકા સે થોડા કમ ઔર આલિયા સે જરા જ્યાદા જેવું પણ કહી શકાય. શું કહો છો બંને રણબીરો, સિંઘ ઉર્ફે કપૂર? દૂરના મહેમાનો માટે આંગણામાં જ બેસાડીને સરભરા કરવા ખૂણામાં બે ત્રણ ફોલ્ડીંગ ખુરશીઓ ગોઠવેલી હોય છે. જમીનના એક પટ્ટામાં કાર અને સ્કૂટર પાર્ક હોય છે. નહિ દેખાતા એક ખૂણામાં ચોકડી બનાવીને ફૂલછોડમાં પાણી નાખવા એક નળ હોય છે. મોદીજીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરાઈને એ જ ખૂણા પાસે આંગણું વાળવા માટે પણ ઊભા ઊભા જ સફાઈ કરી શકાય તેવા દંડનીય સાવરણી અને પોતું પહેરો ભરતા હોય છે. તેની બાજુમાં ભીના- સૂકા કચરા માટે લીલી- ભૂરી કવર્ડ ડોલો હોય છે, દરેક આંગણામાં રાત્રી પ્રકાશ માટે લાઈટ્સની વ્યવસ્થા તો હોય છે પણ આખા ઘરની વીજળી માટેનું મીટર બોર્ડ પણ આંગણામાં જ કબાટ સ્થિત હોય છે, છેલ્લાં 5-10 વરસથી ઘરે ઘરે આ મોટા મીટર બોર્ડને ડેટિંગ માટે એક નાનું ‘સોલર’ મીટર પણ બાજુમાં જ હગ કરતું જોવા મળે છે.

મોટું મીટર જાવકનો હિસાબ અને નાનું મીટર આવકનો હિસાબ કરીને વીજળીના વપરાશનો રોજમેળ બતાવે છે. જો કે આંગણાની લકઝરી 3, 5 કે 10 માળના ફલેટ્સમાં હોતી નથી. ત્યાં કોમન એમેનીટી અને કાર પાર્કિંગના નામે બસ એક મોટો પ્લોટ હોય છે જ્યાં ઍક ગાર્ડન અને બાળકોને રમવા માટે ઝૂલા- લપસણી રાખ્યા હોય છે. કેટલીક સ્કીમમાં બિલ્ડર વડે બુકિંગ વખતે ગ્રાઉન્ડ ફ્લોરવાળાને તેમના ફ્લેટની આગળનો ભાગ વાપરવાની અલિખિત બાંહેધરી જેવો લોલીપોપ ચુસાવ્યો હોય છે. પેલો ત્યાં તેના વેહીકલ્સ મૂકે છે. એક નાનો કૂંડા બગીચો બનાવે છે. ઉપરના ફ્લેટ્સવાળા તેમને ઓછી જગ્યા મળી હોવાથી સ્વાભાવિક રીતે થોડા જેલસ થઈને નાનોમોટો કચરો નીચે ફેંકતા રહે છે. આને જ બહાનું બનાવીને પેલા ગ્રાઉન્ડફ્લોરવાળા ભાઈ ફાઈબરનો શેડ બનાવી દે છે અને પછી બિન્દાસ આ વધારાની જગ્યાના માલિક થઇ જાય છે,

‘મહાભારત’ના ‘સમય’ની જેમ દરેક ઘરનું આંગણું પણ કયારેક વાચાળ બને છે, “હું આંગણું છું. મેં મારી માટી ઉપર પાવડાના ઘા સહન કરીને એ ઘરને છેક પાયાથી ધાબા સુધી ઊભું થતાં જોયું છે, વાસ્તાના લાડુ ખાધા છે, માલિકના અહીં રહેવા આવ્યા પછી તેમના બધા સારાનરસા પ્રસંગો જોયા છે. મારા એક ખૂણામાં તુલસીકયારો નાના બાળકની જેમ ઉછેર્યો છે. દીવાલની પાળી ઉપર દિવાળીના દીવા પ્રગટ્યા છે, ભોંય ચકરડી અને કોઠીની ગરમી મને તપાવી ગઈ છે. મને ટેટા કે સૂતળી બોમ્બ જેવા ફટાકડાના ધમાકા પણ ધ્રુજાવી ગયા છે, હોળીના તહેવારમાં હું ઘરના ફેમિલી મેમ્બર્સ સાથે ગુલાલના રંગે રંગાયો છું અને પીચકારીના પાણીથી ભીનો થયો છું.

ઉતરાણના કપાયેલા પતંગોને મેં મારું આવકાર્ય હગ આપ્યું છે. મારી છાતી ઉપર જ મેં આ ઘરની દીકરી ઋતુનો માંડવો ખમ્યો છે. મારી જ સરહદી દીવાલો ઉપર લગ્ન ચિત્રોના ટેટુ બનાવ્યા છે. તેની વિદાય વખતે માતાપિતાને રડવામાં સાથ પણ આપ્યો છે. આ જ ઘરના યુવાન દીકરા ‘ઋગ્વેદ’ને વધુ અભ્યાસ માટે અમેરિકા જતા જોયો છે. ત્યાં મનપસંદ મિત્ર દ્વિતિ સાથે લગ્ન માટેની જાન મુંબઈ લઇ જતા પહેલાં જાનૈયાઓની સરભરાનો ભાર પણ ઉઠાવ્યો છે. આ જ ઘરના નાના દોહિત્ર ‘સમય’ સુમનતાની પહેલ પગલાનો કિલકિલાટ સાંભળ્યો છે. સાઈકલ શીખતા પડતા પછડાતા ભેંકડા પણ સાંભળ્યા છે. મેં આ ઘરના વડીલ દાદાદાદીની નનામીઓને તેમની અંતિમયાત્રા વખતે ફૂલોથી સજાવાતી અને ભીની આંખે વિદાય અપાતી પણ જોઈ છે. ેઆ ઘરની આન, બાન અને શાનનો હું સાક્ષી છું. હું વર્તમાનનું આંગણું છું. હું ભૂતકાળની યાદોનું ઘરેણું છું. હું આવનાર પેઢીઓનું ભવિષ્યનું શમણું પણ છું.”

Most Popular

To Top