ભારતના પાડોશી રાષ્ટ્ર શ્રીલંકામાં કટોકટી પેદા થઈ છે, કારણ કે તે 51 અબજ ડોલરનું દેવું ચૂકવી શક્યું નથી. શ્રીલંકા પાસે ખનિજ તેલ કે અનાજની આયાત કરવા માટેના ડોલર ન હોવાથી ત્યાં ઇંધણની અભૂતપૂર્વ તંગી પેદા થઈ છે. શ્રીલંકાના 51 અબજ ડોલરનાં દેવાં સામે અમેરિકાનું 26.70 ટ્રિલિયન ડોલર (26,700 અબજ ડોલર)નું દેવું હોવા છતાં અમેરિકાને ઊની આંચ નથી આવી કારણ કે અમેરિકાનું ફેડરલ રિઝર્વ ડોલર છાપવાની ઇજારાશાહી ધરાવે છે. અમેરિકા ત્રીજા વિશ્વના દેશો પાસેથી જેટલી સામગ્રી ખરીદવી હોય તેટલી ખરીદી શકે છે અને તેની ચૂકવણી ડોલરમાં કરી શકે છે, કારણ કે ડોલર દુનિયાની રિઝર્વ કરન્સી છે. જો કોઈ પણ દેશને ખનિજ તેલ ખરીદવું હોય તો તે ડોલરમાં જ ખરીદી શકાય છે, માટે બધા દેશોને ડોલરની જરૂર પડે છે. જાણીને નવાઈ લાગશે, પણ અમેરિકાનું ફેડરલ રિઝર્વ હવામાંથી ડોલર પેદા કરી શકે છે, માટે અમેરિકામાં કદી ડોલરની તંગી પેદા થતી નથી. જો ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ઝૂંટવાઈ જાય તો અમેરિકામાં કટોકટી પેદા થાય તેમ છે.
અમેરિકાનું ફેડરલ રિઝર્વ એક ખાનગી બેન્ક છે, જેના શેરહોલ્ડરોમાં દુનિયાના ટોચના ધનકુબેરોનો સમાવેશ થાય છે. અમેરિકાની સંસદે 1913માં એક કાયદો કરીને ફેડરલ રિઝર્વને ડોલરની નોટો છાપવાનો ઇજારો આપી દીધો હતો. અમેરિકાની સરકાર ફેડરલ રિઝર્વને જેટલું સોનું આપે તેટલા પ્રમાણમાં તે ડોલરની નોટો છાપીને સરકારને આપતું હતું. 1917 સુધીમાં ફેડરલ રિઝર્વે 5 અબજ ડોલરની નોટો છાપીને સરકારને આપી હતી, જેને ચલણમાં મૂકવામાં આવી હતી. જો અમેરિકાનો કોઈ પણ નાગરિક 1 ડોલરની નોટ લઈને ફેડરલ રિઝર્વ પાસે જાય તો તેને સામે એક ઔંસ (28.35 ગ્રામ) શુદ્ધ સોનું આપવામાં આવતું હતું. ફેડરલ રિઝર્વ જેમ જેમ વધુ નોટો છાપતું ગયું તેમ ડોલરની કિંમત ઘટતી ગઈ. 1930માં દુનિયાની બજારમાં એક ઔંસ સોનું 20 ડોલરની કિંમતે મળતું હતું.
1960ના દાયકામાં વિયેટનામ સાથેના યુદ્ધને કારણે અમેરિકામાં તીવ્ર નાણાંખેંચ પેદા થઈ. અમેરિકન સરકાર પાસે સોનું નહોતું તો તેણે સોનાને બદલે બોન્ડ છાપીને ફેડરલ રિઝર્વને આપ્યા અને તેની સામે ફેડરલ રિઝર્વ પાસેથી ડોલર લઈને ખર્ચા કરવા માંડ્યા. આ કારણે દુનિયામાં ડોલરનો પુરવઠો વધવા લાગ્યો. ફ્રાન્સ જેવા કેટલાક દેશોએ ડોલર આપીને સોનું ખરીદવા માંડ્યું, જેને કારણે ડોલરના ભાવો ગગડી ગયા. ત્યારે અમેરિકાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડીને ડોલર સામે સોનું આપવાનું બંધ કર્યું.
1971માં અમેરિકાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કર્યો પણ તેનો ડોલર આરબ દેશો દ્વારા વેચાતા ખનિજ તેલ સાથે જોડાઈ ગયો, જેને કારણે તે પેટ્રોડોલર તરીકે ઓળખાવા લાગ્યો. ડોલરનું સોના સાથેનું જોડાણ તૂટી ગયું પણ ખનિજ તેલ સાથેનું જોડાણ થવાથી તેની માગ ચાલુ રહી. અમેરિકા તેનો લાભ ઉઠાવી વધુ ને વધુ ડોલર છાપતું ગયું અને દુનિયાભરનો સામાન તેના થકી ખરીદતું રહ્યું. આ રીતે વિશ્વના બજારમાં ડોલરનો જથ્થો સતત વધતો રહ્યો. અમેરિકાનું ફેડરલ રિઝર્વ ડોલરની નોટો છાપવા ઉપરાંત કોમર્શ્યલ બેન્કોને લોન આપવા ક્રેડિટ પેદા કરે છે, જેમાં માત્ર કોમ્પ્યુટરમાં આંકડાઓ ટાઇપ કરતાં તેટલા ડોલર પેદા થઈ જાય છે. આ કરામત વડે તે ડોલરનો જથ્થો વધાર્યા કરે છે. 1970માં દુનિયામાં 587 અબજ ડોલરનો જથ્થો હતો. તે 1980માં વધીને 1,500 અબજ ડોલર પર પહોંચી ગયો. 1990માં તે 3,190 અબજ ડોલર અને 2000માં 4710 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. ચીન જેવા દેશો ડોલરનું રોકાણ અમેરિકાની સરકારના ટ્રેઝરી બોન્ડમાં કરવા લાગ્યા હતા.
અમેરિકા પાસે ડોલરના રૂપમાં જાદુઈ લાકડી આવી ગઈ હતી. અમેરિકાનું ફેડરલ રિઝર્વ હવામાંથી ડોલર પેદા કરીને સરકારને ઉધાર આપતું અને સરકાર તેના દ્વારા પોતાના ખર્ચાઓ કરતું. આ રીતે અમેરિકન સરકારનું દેવું વધતું ગયું. અમેરિકાની પ્રજા જે ડોલર બેન્કોમાં જમા કરાવતી તે ડોલર પણ બેન્કો સરકારને બોન્ડ સામે ધીરવા લાગી. 2010માં ડોલરનો જથ્થો વધીને 8,500 અબજ ડોલર પર પહોંચી ગયો અને 2020માં તે વધીને 16,000 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. 2010થી 2020 વચ્ચેનાં ૧૦ જ વર્ષમાં ફેડરલ રિઝર્વે 7,500 અબજ નવા ડોલરનું ઉત્પાદન કર્યું હતું.
2019ના નવેમ્બર મહિનામાં કોવિડ-19ને કારણે અમેરિકાનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તેને જીવતું રાખવા ફેડરલ રિઝર્વે ડોલર પેદા કરીને પૈસાનો પુરવઠો વધારવાનો રસ્તો અપનાવ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા 1960થી 2000 સુધીનાં 40 વર્ષમાં જેટલા ડોલર છાપવામાં નહોતા આવ્યા, તેટલા ડોલર 2 વર્ષમાં છાપવામાં આવ્યા. 2020 દરમિયાન કુલ 3,890 અબજ ડોલર અને 2021 દરમિયાન બીજા 1,920 અબજ ડોલર પેદા કરીને મંદીનો મુકાબલો કરવામાં આવ્યો. બે વર્ષમાં કુલ 5,810 અબજ ડોલર (5.81 ટ્રિલિયન ડોલર) પેદા કરવામાં આવ્યા. આ ડોલરનો ઉપયોગ કરીને શેરબજારમાં કૃત્રિમ તેજી આણવામાં આવી. જે રીતે અમેરિકા દ્વારા ડોલર પેદા કરવામાં આવ્યા તેવી રીતે યુરોપમાં યુરો, ભારતમાં રૂપિયા અને જપાનમાં યેન પેદા કરીને અર્થતંત્રને ધબકતું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
દુનિયાના લગભગ બધા દેશો હવામાંથી પૈસા પેદા કરવાની કળા શીખી ગયા છે. આ નકલી પૈસાને કારણે હવે ફુગાવો વધી રહ્યો છે અને આવશ્યક ચીજોની તંગી પેદા થઈ છે. ડોલરથી ખનિજ તેલ ખરીદી શકાય છે પણ તેને પેદા કરી શકાતું નથી. ડોલરનો પુરવઠો વધવાથી ખનિજ તેલનો કે કોઈ પણ ચીજનો પુરવઠો વધી જતો નથી. તેના માટે મહેનત કરવી પડે છે. એ દુનિયાના અર્થતંત્રમાં ડોલરનું જે પૂર લાવવામાં આવ્યું છે તેને કારણે અમેરિકાનું અર્થતંત્ર પતન તરફ ધસમસતું આગળ વધી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.