રાજકોટ: ગોંડલ(Gondal)માં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિમેન્ટની ફેક્ટરી(cement factory)માં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગ(Welding) સમયે બ્લાસ્ટ(Blast) થતા ૩ શ્રમિકો(workers)નાં મોત(Death) નીપજ્યા હતા. જ્યારે એક શ્રમિકનું મોઢુ છૂંદાયું ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે FSLની ટીમની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
- વહેલી સવારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા અફરાતરફીનો માહોલ સર્જાયો
- દુર્ઘટનામાં એક શ્રમિકનો પગ કપાયો, એકનું મોઢું છૂંદાઇ ગયું
- અકસ્માત થવાનું કારણ હજુ અકબંધ, પોલીસ તપાસ શરૂ
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં વહેલી સવારે કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનાં પગલે શ્રમિકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટનાં પગલે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.
પોલીસ અને FSLની ટીમે તપાસ શરૂ કરી
મૃત્યુ પામેલા યુવકોમાં ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી, સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતા Dysp, LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. તેમજ ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે. FSLની ટીમ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. FSLની ટીમે કેમિકલના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લોખંડની ટાંકીમાં કેમિકલ જેવું ઇંધણ ભર્યું હતું
Dyspએ જણાવ્યું હતું કે, આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં એક બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા ફેક્ટરીની અંદર જે ટાંકીમાં ઇંધણ રાખવામાં આવે છે તેમાં વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ વેલ્ડરને ગંભીર પ્રકારે ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજા કોઈને નાની-મોટી ઇજા પહોંચી નથી.