હથોડા: ગુજરાતી મીડિયમમાં 2014માં ધોરણ-12 પાસ કર્યા બાદ એક વર્ષ ઘરે રહી ત્યારે શિફા પોતે પોલીસ અધિકારી બનવા ઇચ્છતી હતી. પરંતુ પોતાની માતા શહેનાઝ શેખે એને ફિઝિયોથેરાપી ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું ત્યારે ઘરના કેટલાક સદસ્યો માતાના આ નિર્ણયથી વિરુદ્ધ હતા. મુસ્લિમ સમાજમાં કઇ દીકરીઓ ભણે છે? આપણે આપણી દીકરીને ભણાવવાની જરૂર નથી. એ તો રોટલા નાંખશે એવું માતાને કહેવામાં આવ્યું. માતા ગામડાની વિચારધારાથી વિરુદ્ધ ગઈ અને તસથી મસ નહીં થઈ ત્યારે પોતાના એક પત્રકાર દીકરા અને પતિ સાથે દીકરીને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું.
- પાલોદના મુસ્લિમ સમાજની દીકરી શિફા મહેમુદ શેખ ડોક્ટર બનતાં સમાજમાં ખુશી
- પુત્રી ડોક્ટર તો બની પણ ડોક્ટર બનવા પ્રેરણા આપનારી માતા હયાત નહીં રહેતાં પુત્રીને રંજ રહ્યો
પેપરમાં આવતી જાહેરાત જોઈ વર્ષ-2016માં કડોદરા ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં એડમિશન લીધું. એડમિશન લીધા બાદ પણ કુટુંબના ઘણા લોકો મહેણાટોણા મારતા કે દીકરીને નહીં ભણાવવાની અને આ દીકરી શું ભણવાની? તે આખો દિવસ મોબાઈલમાં ગીતો સાંભળતી હતી. અને ગુજરાતી મીડિયમમાં ભણેલી છે. પરંતુ માતાના વિચારો ખૂબ ઊંચા હતા. એ એવું ઇચ્છતી હતી કે, મારી દીકરી ભણીગણીને આગળ આવે અને પોતાના પગભર ઊભી રહે. ત્યારે 4 વર્ષના કથિત સમયમાં ભણતર પૂર્ણ કર્યું.
કોરોનામાં મૃત્યુ પામતા માતાનો સાથ છૂટ્યો
જ્યારે કોરોનાથી આખું વિશ્વ લડી રહ્યું હતું ત્યારે આ કોરોનાએ દીકરીની માતાને પણ 2021માં લપેટમાં લીધી. માતાને સુરતની ખાનગી હોસ્પિટલમાં 52 દિવસ સારવાર આપવામાં આવી. ત્યારે આ ડોક્ટર દીકરીએ 52 દિવસ માતાની સાથે રહી અન્ય દર્દીઓની પણ સારવાર કરી ને 53મા દિવસે માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધી. આ સ્થિતિમાં દીકરી અને પોતાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે સમાજ અને કુટુંબને એવું હશે કે હવે આ દીકરી શું કરશે. અને સમય આવ્યો માતાના સપનું સાકાર થવાનો.
45માંથી માત્ર એક મુસ્લિમ સમાજની દીકરીને ડોક્ટરની ડીગ્રી મળી
શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં મુંબઈની SNDT Women’s University દ્વારા 45 દીકરીને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત થઇ, જેમાંથી ફક્ત એક જ મુસ્લિમ સમાજની દીકરી શિફા મહેમુદ શેખને ડોક્ટરની ડિગ્રી મળતાં યુનિવર્સિટી, સમાજ અને કુટુંબમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આજે શિફા ડોક્ટર બનતાં પરિવાર ખુશ છે. પરંતુ જેની માતા દુનિયામાં હયાત ન હોવાથી દુઃખ પણ થયું.
સમાજ કોઈપણ હોય દીકરીઓને પગભર થવા માટે માતાપિતાએ શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. જ્યારે આ દીકરી રોટલી નાંખી શકે તો એ વિમાન પણ ઉડાવી શકે. સરહદ પર દેશની સેવા પણ કરી શકે અને સમાજની સેવા પણ કરી શકે છે. જો દીકરી એકવાર ધારે તો હાલ શિફા શેખે પોતાની માતાની ઇચ્છા વધુ પૂર્ણ કરવા ફિઝિયોથેરાપીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી હાલ બારડોલીની માલિબા ફિઝિયોથેરાપીમાં કાર્ડિયોપલ્મોનરીમાં હાલ માસ્ટર ડિગ્રી કરી રહી છે.