મુંબઇ: દેશમાં ડિજિટલ ઈન્ડિયાનો (Digital India) વ્યાપ વધી રહ્યો છે. ઘણી બધી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. ડિજિટલ ઈન્ડિયાનો વધેલો આ વ્યાપ હવે ડિજિટલ બસ (Digital bus) સુધી પણ પહોંચી ગયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) દરરોજ લાખો લોકો સ્થાનિક કે બેસ્ટ બસમાં મુસાફરી કરે છે. આ દરમિયાન લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમ કે લોકોને ટિકિટ માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. પરંતુ હવે મુંબઈમાં બસમાં મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર છે. ટૂંક સમયમાં મુંબઈના લોકોને દેશની પહેલી ડિજિટલ બસની સુવિધા મળવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં આવી સુવિધા અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ થશે.
ભારતમાં કોઈપણ બસ પરિવહન અત્યાર સુધીમાં ટેપ ઇન ટેપ આઉટ સુવિધા નથી ધરાવતું. પરંતુ હવે આ સુવિધા બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) મુંબઈના લોકો માટે શરૂ કરવા જઈ રહ્યું છે. બેસ્ટની બસો હવે ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. બેસ્ટની બસમાં મુસાફરી કરતા લાખો મુંબઇવાસીઓને બસમાં ભીડ દરમિયાન ટિકિટ મેળવવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેમજ ટિકિટ માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. બેસ્ટની ડિજીટલ બસ મુસાફરોની થતી આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. મુંબઈની બેસ્ટ બસોમાં હવે આધુનિક ટિકિટિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે. જ્યાં મશીન પર માત્ર એક જ સ્માર્ટ કાર્ડને ટચ કરવાનું રહેશે અને મુસાફરોની ટિકિટ તરત જ બુક થઈ જશે. આ ટિકિટ મશીનો બસના બંને ગેટ પર લાગવામાં આવશે. જેનાથી મુસાફરોને ટેપ ઇન ટેપ આઉટ સુવિધાનો લાભ મળે. આ સુવિધમાં મુસાફરો જયારે બસમાં સવાર થાય ત્યારે અને ઉતરે ત્યારે તેમને તેમના સ્માર્ટ કાર્ડને મશીન પર સ્પર્શ કરવાનો રહેશે અને તેમનું મુસાફરી ભાડું કાર્ડમાંથી આપ મેળે કાપી લેવામાં આવશે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે.
આવી બસોની સોમવારે મુંબઇમાં ટ્રાયલ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ બસો મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસથી NCPA સુધી દોડશે. બાદમાં આ બસોને મુંબઈના કચેરીના રૂટ પર દોડાવવામાં આવશે. જણાવી દઈએ કે આવી બસો સિંગાપોરમાં પહેલાથી જ દોડે છે. ત્યાં બસોમાં પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના પોઈન્ટ પર ટિકિટ મશીન લગાવવામાં આવેલા છે. મુસાફરો માટે પાછલા દરવાજેથી અંદર જવાનો અને આગળના દરવાજાથી નીચે ઉતરવાનો નિયમ છે. સિંગાપોરમાં એક મલ્ટીપર્પ્સ યુઝનું સ્માર્ટકાર્ડ પ્રચલિત છે. જેમાંથી બસ ભાડુંથી લઈને મેટ્રોનું ભાડું, રેસ્ટોરન્ટનું બિલ ચૂકવી શકાય છે. આ બસોમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે આ કાર્ડને ટચ કરીને બસનું ભાડું ચૂકવવામાં આવે છે. ઉપરાંત જો તમને કવર કરેલ અંતરનું ભાડું ખબર હોય, તો તમે મશીનોમાં સિક્કા કે રૂપિયા મૂકીને પણ બસની ટિકિટ મેળવી શકો છો. જે હવે મુંબઈમાં પણ જોવા મળશે.