દેશ ગમે તે હોય, એક વાર ચૂંટણીની જાહેરાત થાય પછી ઈલેકશનમાં ઝંપલાવનારા નેતા અને એના પક્ષ પરથી મુખવટો કે નકાબ ઊતરી જાય ને એમના ખરા ચહેરા સામે આવે. સામાન્ય સંજોગોમાં જાહેરમાં એકમેકના વખાણ કરનારા નેતા ખુલ્લેઆમ એકબીજાને ગંદી ભાષામાંય ભાંડવાનું ચૂકતા નથી. અત્યારે ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે જંગ જામ્યો છે. મતદાનનો એક દૌર હમણાં જ પત્યો છે. બીજો રસાકસીભર્યો રાઉન્ડ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં યોજાશે.
આ દરમિયાન ત્યાં એક કિસ્સો હમણાં ખાસ ચર્ચામાં છે. આમાં કોઈ સામાન્ય નાગરિક નહીં પણ ખુદ ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેનુઅલ મેક્રોનનાં પત્નીનું નામ ઉછળ્યું છે. હાલના પ્રમુખ મેકોન પુન: ચૂંટાઈ આવવા માટે જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે એ જ ટાંકણે સમાચાર આવ્યા છે કે એમની પત્ની બ્રિિગટિ હકીકતમાં જન્મ વખતે પુરુષ હતી અને પાછળથી સેક્સ ચેન્જ ઑપરેશન દ્વારા સ્ત્રી બનીને એણે મેરેજ કર્યા છે! આવા સમાચારથી સહેજે છે કે સન્નાટો છવાઈ જાય. જો કે ફ્રાન્સના પ્રેસિડન્ટ તથા એમની પત્ની બ્રિિગટિ બન્નેએ ‘આ સમાચાર વિપક્ષોએ ફેલાવેલા ફેક ન્યૂઝ છે’ એમ કહીને જોરદાર રદિયો આપ્યો છે. પત્ની બ્રિિગટિ તો આવા વાહિયાત સમાચાર ફેલાવનારાં અખબાર તથા અમુક વેબ સાઈટસ પર કરોડો ડોલરનો બદનક્ષી દાવો માંડવાની નોટિસ પણ ફટકારી છે.
આ આખાય કિસ્સામાં બધાને વધુ જિજ્ઞાસા જાગે એવી વાત એ છે કે ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોનની પત્ની બ્રિિગટિ એનાથી વયમાં ૨૪ વર્ષ મોટી છે અને ભૂતકાળમાં એમની શિક્ષિકા પણ રહી ચૂકી છે! ફ્રાન્સના છેલ્લા ઈલેકશન વખતે મેક્રોન અનેક સાથે સજાતીય સંબંધો ધરાવે છે એવી વાતો-અફવાઓ પણ ઊડી હતી. આમ આ મેક્રોન દંપતી અવારનવાર ભળતા જ સમાચારને લીધે સમાચારમાં ગાજતાં રહે છે અને આમેય કહે છે ને કે ચૂંટણીમાં હંમેશાં ત્રણનો તડકો એટલે કે વઘાર તો હોવો જ જોઈએ. આ ત્રણ એટલે વાદ-વિવાદ અને વિખવાદ!
પુલ ચુરાયા હમને ઓ સનમ…
હમણાં બિહારથી એક મજેદાર સમાચાર મળ્યા. ના, ત્યાંથી દારૂબંધી ઉપાડી લેવામાં નથી આવી…. ના, ત્યાં લાલુજી ફરી બિહારના ચીફ મિનિસ્ટર પણ બનવાના નથી. ત્યાં ચોતરફ વાયુવેગે ફેલાઈ ગયેલા સમાચાર એ છે કે બિહારના સાસારામ જિલ્લાના નાસરીગજ વિસ્તારનો 45 વર્ષ જૂનો 500 ટન વજન ધરાવતો એક આખેઆખો પુલ તફડાવી લેવામાં આવ્યો છે. 12 ફૂટ ઊંચા-10 ફૂટ પહોળા અને 60 ફૂટ લાંબા લોખંડના એ બ્રિજને રાતોરાત તોડીને એના ભંગારને ચોરભાઈઓની એક ટોળકી ઊંચકી ગઈ…!
આ ચોરીના સમાચાર બહુ ગાજ્યા છે એટલે એની વધુ વિગતોનું વધુ પુનરાવર્તન અહીં ન કરીએ. આમેય આ પ્રકારની અજબગજબ ચોરી- તફડંચી જગતભરમાં અવારનવાર થતી રહે છે. થોડા મહિના પહેલાં બાંધકામ ખાતાના ઈજનેર તથા કામદારોના સ્વાંગમાં આવેલી એક ટોળકી દક્ષિણ ચીનના એક શહેરને ગામ સાથે જોડતો આસ્ફાલ્ટનો ત્રણેક કિલોમીટર લાંબો રોડ આખેઆખો ચોરી ગઈ હતી…. આવી જ તફડંચી અમેરિકાના ઓહાયો સ્ટેટના લિબર્ટી સિટી નજીક થઈ હતી. ગયા વર્ષે નવેમ્બરની વહેલી સવારે બ્રિજ હતો એ વિસ્તારના નિવાસીઓ જાગ્યા ત્યારે ખબર પડી કે એમનો વર્ષો જૂનો 58 ફૂટ લાંબો સ્ટીલનો પુલ એની જ્ગ્યાએથી ગાયબ હતો! પાછળથી આ બ્રિજ ચોરનારો ગઠિયો ઝડપાયો ત્યારે ખબર પડી કે ઈજનેરી જાણનારા એના મિત્રો અને ક્રેનની મદદથી આખો પુલ એ તફડંચીકારો ઊંચકી ગયા હતા.…
લાગે છે કે આવા હિંમતબાજ ચોરભાઈઓ એમની પહેલી પસંદગી બ્રિજ પર જ ઉતારે છે. 2 વર્ષ પહેલાં, ઝેકોસ્લોવાકિયાના એક રેલવે ટ્રેક પર આવેલો 650 ફૂટ લાંબો અને 10 ટન વજનના સ્ટીલ પુલના બધા જ પાર્ટસ રાતોરાત ખોલીને એનો ભંગાર ત્રણેક ટ્રકમાં નાખીને લૂંટારુઓ આબાદ છટકી ગયા હતા… આવું જ અદલોઅદલ તુર્કીમાં થયું. પાટનગર નજીકના એક ગામમાં આવેલો 83’ લાંબો 22 ટન વજનવાળો પુલ રાતોરાત ‘ભાંગી’ને એનો ભંગાર 12 હજાર ડોલરમાં વેચી મારવામાં આવ્યો હતો!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આખેઆખા બ્રિજ-પુલ રાતોરાત ચોરાઈ જવાના કિસ્સા ઠેરઠેરથી સાંભળવા મળે છે ત્યારે ભ્રષ્ટાચારનો આ રમૂજી છતાં માર્મિક ‘કિસ્સો’ જાણીને મમળાવવા જેવો છે. ભારતના એક પ્રધાનની મુલાકાતે પાકિસ્તાનથી એક મિત્ર આવ્યા. એ પણ ત્યાંની સરકારમાં વગદાર પ્રધાન હતા. ભારતીય પ્રધાનનો નદીકિનારાનો આલીશાન બંગલો અને ત્યાંનો બીજો વૈભવ જોઈને પાક-પ્રધાન અવાક થઈ ગયા. એમણે પૂછયું : ‘આ બધું કઈ રીતે?’ ભારતીય પ્રધાને સ્મિતસભર જવાબ આપતા કહ્યું : ‘સામેની વિશાળ નદી પરનો વિરાટ બ્રિજ જોયો?
એ મારા ઑર્ડરથી બન્યો છે…. બસ, એની ‘કટકી’ની આ કમાલ છે !’ સમય જતાં ભારતીય પ્રધાન પણ પાક-મિત્રના ઘેર ગયા. એમનો પણ અફલાતૂન બંગલો નદીકિનારે હતો. પાક-મિત્રનો વૈભવ -જાહોજલાલી જોઈ ભારતીય પ્રધાન તો છક થઈ ગયા. ઈશારાથી પૂછ્યું : ‘આ બધું કોની મહેરબાનીથી?’ જવાબ દેતી વખતે પાક પ્રધાને બંગલાની બારીમાંથી નદી દેખાડી. પૂછ્યું : ‘સામેની નદી પર બ્રિજ દેખાય છે?’ આપણા પ્રધાને આશ્ચર્યથી પૂછ્યું ‘ક્યાં છે બ્રિજ ? ત્યાં તો કોઈ પુલ જ નથી.’ પાક-પ્રધાને રહસ્યમય સ્મિત સાથે કહ્યું : ‘પુલ બાંધવાનો મેં પણ ઑર્ડર આપેલો…. નકશામાં બ્રિજ છે પણ ત્યાં નથી. બસ, એની જ તો મહેરબાની છે આ બધી…!’
આને કહેવાય , ભ્રષ્ટાચાર અપના… અપના!
– માણસ જ એક માત્ર એવું પ્રાણી છે,
જેની આયુ વધતા એનું બ્રેન(મગજ) સંકોચાય છે.
* ઈશિતાની એલચી *
સુખી થવું છે?
તો સૌથી પહેલાં તમે એને ખુશ કરો, જેને તમે રોજ આયનામાં જુવો છો!!