૧૯૪૪માં, ચાર્લ્સ બોયર અને ઇન્ગ્રીડ બર્ગમેનની એક હોલીવૂડ ફિલ્મ ‘ગેસલાઈટ’ આવી હતી. એમાં એક પતિ તેની પત્નીને એવું ઠસાવી દે છે કે તે પાગલ થઇ ગઈ છે. પત્નીને શંકા પડે તે માટે પતિ તેના ઘરમાં બનતી નાની-મોટી સહજ ઘટનાઓનો ઉપયોગ કરે છે. જેમ કે તે ઘરમાં ગેસની બત્તીઓનો પ્રકાશ ઓછો-વધતો કરે છે (વીજળી આવી તે પહેલાં ઘરોમાં અને શેરીઓમાં ફાનસથી અજવાળું થતું હતું) જેથી પત્નીને તેની માનસિક સ્વસ્થતા પર શંકા જાય.
તેના પરથી મનોવિજ્ઞાનમાં ગેસલાઈટિંગની ધારણા આવી હતી. એ એક પ્રકારનો માનસિક અત્યાચાર છે. તેમાં એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કોઈ વ્યક્તિને તેની અક્કલમંદી, વાસ્તવિકતાનો બોધ કે યાદદાસ્ત પર સંદેહ કરતી કરી દે. લોકો જયારે પોતે જે જાણે છે અને સમજે છે તેમાં વિશ્વાસ ગુમાવીને તેનાથી વિપરીત કોઈ વાતને સાચી માનવા પ્રેરાઈ જાય ત્યારે તેને ગેસલાઈટિંગ કહે છે. સામાન્ય રીતે, ગેસલાઈટિંગને સમજવું અઘરું હોય છે. કોઈ વ્યક્તિ તેની લાગણીઓ, નિર્ણયશક્તિ, વાસ્તવિકતા અને ધારણાઓ સામે પ્રશ્નો કરે, અસલામતી અને એકલતા અનુભવે, આત્મવિશ્વાસ ગુમાવી દે અને વ્યાકુળ રહે ત્યારે તે ગેસલાઈટિંગનો કેસ કહેવાય. એ એક પ્રકારની માનસિક બીમારી છે અને જવલ્લે જ જોવા મળે છે.
આપણા જેવા સાધારણ લોકોમાં પણ ગેસલાઈટિંગ હોય છે પણ તે એટલું ગંભીર નથી હોતું. દાખલા તરીકે, તમે ટોળટપ્પા કરતા હો અને કોઈ માણસ તમને કહે કે, “તમે તો X છો અથવા Y છો” તો તે ગેસલાઈટ કહેવાય. તમે તમારા બચાવમાં દલીલો કરો અને સામેની વ્યક્તિ તમને એવું ઠસાવાની કોશિશ કરે કે “ના, ના તમે તો X છો” તો તમનેય એક વાર શંકા પડી જાય. વ્યક્તિ જયારે પોતાની લાગણી કે વિચારને છોડીને બીજાની લાગણી કે વિચારને માનવા લાગી જાય, એવું રોજિંદા જીવનમાં બહુ બનતું હોય છે.
ગેસલાઈટિંગ માટે એક રૂટિન શબ્દ છે મેનિપ્યુલેશન (હાથચાલાકી, છળકપટ, ચાલાકી). જેમ કે તમે ફિલ્મ જોતા હો અને તમે પડદા પરનાં પાત્રોની લાગણીઓ અને વિચારો સાથે તાદાત્મ્ય અનુભવો તો તે પણ ઈમોશનલ મેનિપ્યુલેશન કહેવાય. સારી ફિલ્મની વ્યાખ્યા શું? સારી ફિલ્મ એટલે જેનાં દ્રશ્યો એવી રીતે રચવામાં આવ્યાં હોય કે તે દર્શકોના દિમાગી રિએકશનનો કબજો લઇ લે અને તેમને સ્વતંત્ર રીતે વિચારવા કે મહેસૂસ થવા ન દે.
હોલિવૂડની હોરર ફિલ્મોના બાદશાહ આલ્ફ્રેડ હિચકોકે તેમની અતિ પ્રસિદ્ધ ફિલ્મ ‘સાઈકો’ માટે એક વાર કહ્યું હતું કે “મને વિષયવસ્તુની પરવા નથી; મને એક્ટિંગની પડી નથી; મને ચિંતા ખાલી દ્રશ્યની, ફોટોગ્રાફીની, સાઉન્ડટ્રેકની અને એ બધી જ ટેક્નિકલ ચીજોની છે જેના કારણે દર્શકો ચીસ પાડે છે.” સિનેમા આપણી લાગણીઓ સાથે રમત રમે છે. જે ફિલ્મ સૌથી સારી રીતે એ રમત રમી શકે તે શ્રેષ્ઠ ફિલ્મ અને જે ફિલ્મ આપણી લાગણીઓને તેનાં દ્રશ્યોના ખીલે બાંધી ન શકે તે બકવાસ ફિલ્મ. ફિલ્મ જોતી વખતે આપણે રડીએ છીએ, હસીએ છીએ, ચીસો પાડીએ છીએ, ગુસ્સો કરીએ છીએ તે ગેસલાઈટિંગ છે. લાગણીઓનું મેનિપ્યુલેશન કરવું એ સિનેમાની કળાનું સૌથી પહેલું કદમ હોય છે.
બાકી, સિનેમા હોલમાં શું હોય છે? દીવાલોમાં ગોઠવેલાં સ્પીકરોમાંથી વાઈબ્રેશન્સ પેદા થાય છે અને પડદા પર ડિજિટલ ઈમેજીસ દોડતી હોય છે- અને છતાં આપણે તેને હકીકત માનીને ઈમોશનલ રિએકશન આપીએ છીએ! ફિલ્મોનું કામ લાગણીઓનું મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે અને આપણું દિમાગ તેને સાચી ગણી લે છે.
અમિતાભ બચ્ચને એક વાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘હું પડદા પર મારી માના મૃત્યુ પર એટલું બધું રડ્યો છું કે અસલમાં માનું અવસાન થશે ત્યારે મારું રિએક્શન શું હશે એ મને નથી ખબર.’’ આપણા સૌમાં લાગણીઓ હોય છે. અમુક લોકો વધુ તીવ્રતાથી લાગણીઓનો અનુભવ કરે, અમુક લોકો ઓછી તીવ્રતાથી પણ રોજિંદા જીવનમાં સૌને અનેક લાગણીઓ સાથે પનારો પડતો હોય છે. જો કે, મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે લાગણીઓ બે પ્રકારની હોય છે: સહજ (નેચરલ) અને કૃત્રિમ (મેન્યુફેક્ચર્ડ). નેચરલ લાગણીઓ સ્વયંભૂ પેદા થાય, જ્યારે મેન્યુફેક્ચર્ડ લાગણીઓને સહેતુક પેદા કરવામાં આવે. દાખલા તરીકે, કોઈ પ્રિયજનનું મૃત્યુ થાય અને આપણે દુઃખી થઈ જઈએ તો તે નેચરલ ઇમોશન છે, તેની પર આપણું નિયંત્રણ ન હોય પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોતી વખતે રડી પડીએ તો તે મેન્યુફેક્ચર્ડ ઇમોશન છે કારણ કે તે ફિલ્મ મેકર્સ પેદા કરે છે.
બેઝિકલી, લાગણીઓ ત્રણ પ્રોસેસમાંથી પેદા થાય છે: સાઈકોલોજી (મનમાં આવતા વિચારો), ફિઝિયોલોજી (શરીરનાં સેન્સેશન્સ) અને ન્યૂરોલોજી (તન-મનનાં કેમિકલ્સ). નેચરલ અને મેન્યુફેક્ચર્ડ ઇમોશન્સ બન્ને આ પ્રોસેસમાંથી જ આવે છે પરંતુ ફરક એટલો જ હોય છે કે એક રિએક્શન ઓટોમેટિક છે જ્યારે બીજું જાણી જોઈને પેદા કરવામાં આવે છે. ફિલ્મ દ્વારા, ભાષણ દ્વારા કે પુસ્તક દ્વારા આત્યંતિક લાગણીઓ કેમ પેદા થાય છે તે આ વાત પરથી સમજી શકાય.
એનો અર્થ એ થયો કે આપણે ધારીએ તો સકારાત્મક લાગણીઓ પણ પેદા કરી શકીએ. માત્ર આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે કયા હેતુથી લાગણીઓ મેન્યુફેક્ચર કરીએ છીએ. મારધાડવાળી, નકારાત્મક લાગણીઓવાળી ફિલ્મો કેમ વધુ સફળ જાય છે? કારણ કે દર્શકોના દિમાગમાં સકારાત્મકતાને બદલે નકારાત્મકતા વધુ પ્રભાવી છે. આપણામાં જે સહજ હોય, તેને બહાર લાવવામાં બહુ મહેનત કરવી ન પડે. મહેનત એમાં જ કરવી પડે જે આપણા સ્વભાવમાં નથી. ફિલ્મ નિર્દેશક વિશાલ ભારદ્વાજે એક વાર કહ્યું હતું, “હિંસા લોભામણી લાગણી છે. બે ફિલ્મો એક સાથે રિલીઝ થાય, એક વિવેકાનંદ પર હોય અને બીજી દાઉદ ઈબ્રાહીમ પર, તો મોટાભાગના લોકો દાઉદ ઈબ્રાહીમ જોવા જશે.”