Columns

મારી હેલમેટ ઉતારો રાજ

‘હેલબોય’નામની એક ફિલ્મનું હિંદી ‘નર્કપુત્ર’ થયું હતું, તેમ હેલમેટનું ગુજરાતી કોઈએ ‘નર્કસાથી’ કેમ નહીં કર્યું હોય? ‘સાથી’ શબ્દ અતડો લાગતો હોય તો, ગુજરાત સરકારની પરંપરામાં ‘સહાયક’ પણ વાપરી શકાય. વાસ્તવિકતા એ છે કે હેલમેટ ‘નર્કસાથી’ કે ‘નર્કસહાયક’નથી. ઘણા ખરા કિસ્સામાં તે ‘નર્કપ્રતિરોધક’ છે અને અકસ્માત સમયે માથાનું રક્ષણ કરે છે. અલબત્ત, મોટા ભાગના ગુજરાતીઓ માને છે કે હેલમેટનું ખરું કાર્ય અકસ્માતથી માથાનું નહીં, ટ્રાફિક પોલીસના દંડથી ખિસ્સાનું રક્ષણ કરવાનું છે.  અમદાવાદ-ગુજરાતની ટ્રાફિક પોલીસે કોરોના જેવા કપરા કાળમાં હેલમેટ નહીં પહેરવાના દંડ પેટે કરોડો રૂપિયા ખંખેરી લીધા. ‘આફતમાં અવસર’ની લૂંટફાટ માનસિકતાને બદલે મૌલિકતા ધરાવતા કોઈ અધિકારી હોત તો તેમણે દંડની રકમના બદલામાં લોકોને હેલમેટ આપી હોત. પરંતુ દંડશક્તિ દારૂ કરતા પણ વધારે નશીલી ચીજ છે. દંડ કરવામાં એટલી ‘કીક’ આવવા લાગે છે કે તેનો હેતુ બીજી વાર ગુનો થતો અટકાવવાનો છે, એ યાદ રહેતું નથી. લોકો પણ દંડ પાછળ રહેલો મૂળ આશય ભૂલી જાય છે.

હેલમેટ પહેરાવવાનો સરકારનો આગ્રહ લોકોના હિત માટે છે. જરા ઉદાર દૃષ્ટિથી વિચારીએ તો તેમાં સરકારની આડકતરી કબૂલાત પણ છેઃ સરકાર કહેવા માગે છે કે ‘જુઓ ભાઈઓ-બહેનો, અમારા રોડ તો, તમે જાણો છો. દર ચોમાસે અને વગર ચોમાસે પણ તેની કેવી હાલત થાય છે એની તમને ખબર છે દર વર્ષે રોડના રીસરફેસિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એ તમે સમાચારોમાં વાંચો છો, છતા રોડની હાલત સુધરી નથી એ પણ તમે જુઓ છો. હવે આટલાં વર્ષોમાં અમે નથી સુધર્યા, તો બિચારા રોડ ક્યાંથી સુધરે? એટલે જનતા જનાર્દન તરીકે તમારે સમજવું જોઈએ કે જો તમે તમારા માથાની ખેરિયત ચાહતા હો તો હેલમેટ પહેરો. અમારા રોડને, તેમાં થતા ભ્રષ્ટાચારને, તેના કોન્ટ્રાક્ટોમાં થતી મીલીભગતને તમે ગમે તેટલી ગાળો દેશો અને તમારી વાત ગમે તેટલી સાચી હશે તો પણ, તેનાથી અકસ્માત સમયે તમારા માથાને રક્ષણ મળવાનું નથી. ઊલટું, માથાની અંદર રહેલા મગજ નામના કુમળા અવયવ પર તેની ખરાબ અસર પડશે.’

સરકારના ખરાબમાં ખરાબ નિર્ણયો ઉદાર અને અનુકૂળ અર્થઘટન કરનારાં લેખક-લેખિકાઓની ફોજો સોશ્યલ મીડિયા પર ને છાપાંની કોલમોમાં સન્નિષ્ઠ રીતે સક્રિય છે. છતાં, હેલમેટ ન પહેરવાના દંડ વિશે આગળ જણાવ્યું છે તેવું અર્થઘટન તેમાંથી કોઈને સૂઝ્યું નથી. એ સરકારની કમનસીબી છે કે તેમની શબ્દ-ફોજની, તેની અલગ ચર્ચા થઈ શકે. સરકાર અને તેની શબ્દ-ફોજ કોની કમનસીબી છે તેની ચર્ચા પણ થઈ શકે. એ ચર્ચા કરતી વખતે અગમચેતીરૂપે, જાતની સલામતી ખાતર, હેલમેટ પહેરવાનું ભૂલવું નહીં.

ટૂંકમાં વાત એટલી છે કે સરકારના સમર્થક હોય કે ટીકાકાર, હેલમેટ તે સૌને સમદૃષ્ટિથી જુએ છે. હેલમેટમાં અને સરકારમાં એ તો ફરક છે. હેલમેટ સ્વ-રક્ષા માટે હોવા છતાં તેના વિરોધીઓ મોટી સંખ્યામાં છે અને તેમના ઘણા પ્રકાર છે. પહેલો પ્રકાર ઉચ્ચ ભૂમિકા ધરાવનારાનો છે. તે માને છે કે જીવનમરણ ઉપરવાળાને હાથ છે, તો કુદરતી આયોજનમાં દખલ દેનારા આપણે કોણ? સાથે તે નરસિંહ મહેતાની પંક્તિ સાધારણ ફેરફાર સાથે ટાંકે છે, ‘હું પહેરું, હું પહેરું, એ જ અજ્ઞાનતા, મસ્તકનો ભાર જ્યમ હેલમેટ તાણે.’ આવા આસ્તિકો હજુ બીજાની સરખામણીમાં ઘણા સહિષ્ણુ રહ્યા છે.

હેલમેટ પહેરવાની વાતથી તેમની ધાર્મિક લાગણી દુભાતી નથી. જે દિવસે સરકારને સમજાશે કે હેલમેટને લોકોની ધાર્મિક લાગણી સાથે સંબંધ છે, તે દિવસે હેલમેટ ચૂંટણીમુદ્દો બનવાની સંભાવના ધરાવે છે. ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ સિવાયના ત્રીજા વિકલ્પની ચર્ચા ચાલી રહી હોય ત્યારે હેલમેટનો મુદ્દો અને સંભવતઃ હેલમેટનું ચિહ્ન કોઈ નવા પક્ષ માટે ઉજળી તક હોઈ શકે છે. બીજા પ્રકારના વિરોધીઓ ઐતિહાસિક ભૂમિકા ધરાવનારા છે. તે કહી શકે છે, ‘બેતાળીસની ચળવળમાં અમારા વડીલોએ શું એટલા માટે માથાં ફોડાવ્યાં હતાં કે જેથી આઝાદ ભારતમાં માથે ફરજિયાત હેલમેટ પહેરવી પડે?’ આવી ભાવનાપૂર્ણ દલીલનો શો જવાબ હોય? સાંભળનાર પણ સમજે છે કે આવી દલીલોનો જવાબ કશો નથી હોતો, તેમ અર્થ પણ કશો નથી હોતો. તે સવાલ નથી, ઉભરો છે. તેને નીકળી જવા દેવાનો.

વિરોધીઓનો એક પ્રકાર નિરંકુશ સ્વાતંત્ર્યમાં માને છે. તેમની દલીલ હોય છેઃ ‘માથું અમારું છે. તેને ફોડવું હોય તો ફોડાવીએ ને સાચવવું હોય તો સાચવીએ. તેમાં તમારે કેટલા ટકા?’ પરંતુ આ સ્વતંત્રતાનું પાશ્ચાત્ય મોડેલ છે. તેનો પૌર્વાત્ય-ભારતીય સંસ્કૃતિ સાથે મેળ ખાતો નથી. સંસ્કૃતિની આખી વાતમાં ધર્મનું વજન ઉમેરવા માટે સંસ્કૃત ગબડાવી જાણનારા કહે છે, ‘સ્વમસ્તકે નિધનમ્ શ્રેયઃ, પર હેલમેટો ભયાવહઃ’ મતલબ કે, બીજાની હેલમેટ પહેરીને માથાનું રક્ષણ કરવાને બદલે હેલમેટરહિત એવા પોતાના માથા સાથે મૃત્યુ પામવું બહેતર છે. કેટલાક વિરોધીઓ ‘હેલમેટમાં શ્વાસ લેતા ફાવતો નથી’, ‘મારું માથું હેલમેટમાં સમાતું નથી’…વગેરે અનેક પ્રકારની દલીલો કરે છે પણ સરકાર પર તેની કોઈ અસર થતી નથી. વર્તમાન સરકારને હેલમેટનો વિરોધ ગળે ઉતારવો હોય તો એક જ વિકલ્પ બાકી રહે છેઃ કોઈ પણ રીતે હેલમેટનો હિજાબ સાથે સંબંધ સ્થાપિત કરવો. પછી જુઓ, સરકાર છે ને હેલમેટ પહેરનારા છે.

Most Popular

To Top