ભરૂચ: દહેજ(Dahej) કેમિકલ યુનિટમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 6 કામદારનાં મોત થયાં હતાં. સમગ્ર પ્રકરણમાં DISH (ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ) વિભાગે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી. તેમજ GPCBએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપીને રૂ.૨૫ લાખનો EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પોસેશન)નો દંડ ફટકાર્યો હતો.
- ભરૂચની ઓમ ઓર્ગેનિક કંપનીમાં લાગી હતી આગ
- ઘટનામાં 6 કામદારો જીવતા બળીને ભડથું થઈ ગયા
- બ્લાસ્ટ પ્રકરણમાં ભરૂચ પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં વિસ્ફોટ થતાં નિર્દોષ કામદારોનાં મોત થતાં સમગ્ર ઘટના અંગે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગઈ છે. દહેજના ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટ થતાં જ અનેક એજન્સીઓએ વિગતવાર તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. SP ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે, હાલ અમે અકસ્માત મોતના આધારે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જે નોંધવામાં આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) સહિતની અનેક તપાસ એજન્સીઓ પણ વિવિધ પાસથી તપાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
શું હતી ઘટના
ગત રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઝપેટમાં 6 કામદરો જીવતા દાઝી જવાથી તેમના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાના સમાચાર મળતા જ ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. કંપનીમાં બ્લાસ્ટ બાદ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.