મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) રવિવારે અહીં રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં (Match) દિલ્હી કેપિટલ્સે (DC) પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની અર્ધસદી અને બંને વચ્ચેની 93 રનની ભાગીદારીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 215 રન બનાવ્યા હતા, તે પછી કુલદીપ યાદવ અને ખલીલ યાદવની અસરકારક બોલીંગની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સનો (KKR) 171 રનમાં વિંટો વાળતા દિલ્હી કેપિટલ્સનો 44 રને વિજય (Win) થયો હતો.
- કુલદીપ યાદવે પોતાની જૂની ફ્રેન્ચાઇઝી સામે 35 રનમાં 4 વિકેટ ઉપાડીને પોતાની કાબેલિયત બતાવી, ખલીલ અહેમદની ત્રણ વિકેટ
- દિલ્હી કેપિટલ્સને પૃથ્વી અને વોર્નરે અર્ધસદી ફટકારીને 215 રનના સ્કોર પર મુક્યું, કુલદીપ-ખલીલે કેકેઆરનો 171માં વિંટો વાળ્યો
216 રનના લક્ષ્યાંક સામે કોલકાતા વતી કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય કોઇ બેટર ક્રિઝ પર ટકીને બેટીંગ કરી શક્યો નહોતો. કેકેઆરની ઇનિંગની શરૂઆતમાં ખલીલ અહેમદે બંને ઓપનરને આઉટ કરીને તેમને ફટકો માર્યો હતો. કેપ્ટન શ્રેયસે 54 રનની ઇનિંગ રમી હતી. કુલદીપે શ્રેયસને આઉટ કર્યા પછી પેટ કમિન્સ, સુનિલ નરેન અને ઉમેશ યાદવને આઉટ કરીને દિલ્હીની જીત પાકી કરી હતી.
આ પહેલા દિલ્હીને વોર્નર અને પૃથ્વીએ 93 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. પૃથ્વી 51 રન કરીને પહેલી જ્યારે વોર્નરે 61 રનની ઇનિંગ રમી પાંચમી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ દરમિયાન પંત 27 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં અક્ષર પટેલે 14મમાં 22 અને શાર્દુલ ઠાકુરે 11 બોલમાં 19 રન કરીને સ્કોર 215 સુધી પહોંચાડ્યો હતો.
આઇપીએલ ઇતિહાસમાં 5500 રન કરનારો ડેવિડ વોર્નર પહેલો વિદેશી ખેલાડી
આઇપીએલમાં આજે રવિવારે ડબલ હેડરની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ વતી 45 બોલમાં 61 રનની ઇનિંગ રમીને પોતાની 51મી આઇપીએલ અર્ધસદી ફટકારનાર ડેવિડ વોર્નરે આ દરમિયાન પોતાની આઇપીએલ પુરા કર્યા હતા અને આ આંકડે પહોંચાનારો તે પહેલો વિદેશી ખેલાડી બન્યો હતો. આ તેની 51મી અર્ધસદી હતી પણ ઓવરઓલ આ તેની 50 પ્લસની 55મી ઇનિંગ રહી હતી અને આઇપીએલમાં સર્વાધિક 50 પ્લસની ઇનિંગ રમવા મામલે તે પહેલા ક્રમે છે. વોર્નર આ સાથે કેકેઆર સામે સર્વાધિક રન કરવા મામલે બીજા ક્રમે પહોંચ્યો હતો. તેણે આ ટીમ સામે 875 રન કર્યા છે. પહેલા ક્રમે રોહિત શર્મા છે જેણે કેકેઆર સામે 1048 રન બનાવ્યા છે.