નવસારી : ચોખડ ગામે ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ (Fire) બાદ નવસારી-વિજલપોર નગરપાલિકા (Municipality) જાગી છે. હવે રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં (Scrap godown) પાલિકા દ્વારા સર્વે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી ચોખડ ગામના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ જેવી ઘટનાઓ ટાળી શકાય. થોડા દિવસો અગાઉ જલાલપોર તાલુકાના ચોખડ ગામ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ટેમ્પો (Tempo) તેમજ સમગ્ર ભંગાર બળીને ખાખ થઇ ગયો હતો. આ આગને કાબુમાં લેવા માટે નવસારી, ગણદેવી, બીલીમોરા, બારડોલી, સુરત સહિતના ફાયરના જવાનોએ જહેમત ઉઠાવી હતી.
- આગને કાબુમાં લેવા માટે નવસારી, ગણદેવી, બીલીમોરા, બારડોલી, સુરત સહિતના ફાયરના જવાનોએ જહેમત ઉઠાવી
- રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉનો આવ્યા છે, દુર્ભાગ્યે અહીં આગ લાગે તો મોટી હોનારત સર્જાઈ શકે
- ભંગારિયાઓને ફાયર એનઓસી મેળવી લેવાની તાકિદ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી
- ભંગારવાળાઓ પાસે ફાયર સેફટી નહીં હોય તેમજ ફાયર એનઓસી નહીં હોય તેમને નોટિસ આપવામાં આવશે
નવસારી-વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના બાદ નવસારી-વિજલપોર પાલિકાનું તંત્ર જાગ્યું છે. પાલિકા વિસ્તારમાં રહેણાંક જગ્યામાં ભંગારના ગોડાઉનો આવ્યા છે. જો દુર્ભાગ્યે અહીં કોઈ કારણસર ત્યાં આગ લાગે તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ત્યારે પાલિકા વિસ્તારમાં આવી દુર્ઘટના નહીં બને તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ભંગારનાં ગોડાઉન ઉપર જઇને ફાયરબ્રિગેડના જવાનો સર્વેની કામગીરી કરી રહ્યાં છે. તેઓ ફાયરની સુવિધા સહિતની જરૂરી વ્યવસ્થા અંગેનો રિપોર્ટ તૈયાર કરી પાલિકાના ચીફ ઓફિસરને આપશે. જે ભંગારવાળાઓ પાસે ફાયર સેફટી નહીં હોય તેમજ ફાયર એનઓસી નહીં હોય તેમને નોટિસ આપવામાં આવશે. આવા ભંગારિયાઓને ફાયર એનઓસી મેળવી લેવાની તાકિદ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભંગારના ગોડાઉનમાં ફાયર સેફ્ટી નહીં હશે તો કાર્યવાહી કરાશે : ચીફ ઓફિસર
નવસારી : નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવાએ જણાવ્યું હતું કે, હાલમાં પાલિકા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં સર્વે હાથ ધર્યો છે. 3 દિવસ સુધી આ સર્વે કરીશું. અને પછી જે જગ્યાએ ફાયરની સુવિધા કે અન્ય વ્યવસ્થા ન હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીશું.