કામરેજ: પ્રેમીએ પ્રેમિકાને કોસમાડી પાટિયા પાસે મળવા બોલાવી બંને ખેતરમાં (Farm) જઈ વાતચીત કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક જ પ્રેમિકાનો પતિ (Husband) આવી જતાં પત્નીને (Wife) પેટમાં ચપ્પુના (Knife) બે ઘા મારી જાતે જ હોસ્પિટલ (Hospital) પણ લઈ ગયો હતો. બાદમાં પત્નીએ પતિ સામે ફરિયાદ (Complaint) નોંધાવી હતી.
મૂળ ભાવનગરના વતની અને હાલ કામરેજની વ્રજનંદની સોસાયટી વિભાગ-2માં મકાન નં.226માં કૈલાસ અલ્પેશ ચાવડા પરિવાર સાથે રહે છે. બે દિવસ અગાઉ સવારે 11 કલાકે ભાવનગર ખાતે રહેતા સુનીલ સાથે પ્રેમસંબંધ હોવાથી ફોન કરી કોસમાડી ચાર રસ્તા ખાતે મળવા માટે બોલાવી હતી. કોસમાડી ગામની હદમાં ખેતરમાં બેસી બંને વાત કરી રહ્યાં હતાં. એ દરમિયાન કૈલાસનો પતિ અલ્પેશ આવી જતાં બંનેને પકડી પાડી ગાળાગાળી કરી ‘તમે બંને અહીં શું કરો છો’ તેમ કહી પત્નીને પેટમાં ચપ્પુના બે ઘા મારી લોહીલુહાણ કરી નાંખી હતી. ત્યાંથી સુનીલ નાસી છૂટ્યો હતો. અલ્પેશ પોતે જ પત્નીને ઊંચકી રિક્ષામાં બેસાડી સારવાર માટે કડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. મંગળવારે પત્નીએ પતિ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બારડોલી-સરભોણ રોડ પર પગપાળા જતાં બે મિત્રને કારે ટક્કર મારી, એકનું મોત
બારડોલી: બારડોલીના ઇસરોલી ગામની સીમમાં સરભોણ બારડોલી રોડ પર પગપાળા જતાં બે મિત્રોને પાછળથી પૂરઝડપે આવતી કારે ટક્કર મારતાં ગંભીર રીતે ઇજા પામેલા એક મિત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બીજાની બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બારડોલીના તેન ગામની સીમમાં ધુલિયા ચોકડી નજીક આવેલી સુરુચિ વસાહતમાં રહેતો સુમન બાબુ ચૌધરી કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુમન મંગળવારે મજૂરીકામ ગયા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેના મિત્ર મહેશ ભાઈલાલ ચૌધરીને ઇસરોલીની સીમમાં આવેલા મરઘાં ફાર્મમાં કામ કરતો હોવાથી તેને મળવા માટે ગયો હતો. મિત્ર સાથે મુલાકાત બાદ મહેશ પણ સુમન સાથે તેના ઘરે જવા તૈયાર થતાં બંને જણા ચાલતા ચાલતા બપોરના સમયે સુરુચિ વસાહત ખાતે જવા નીકળ્યા હતા. એ સમયે સરભોણ-બારડોલી રોડ પર બંને પગપાળા પસાર થતા હતા, ત્યારે સરભોણ તરફથી પૂરઝડપે આવતી એક કાર નં.(જીજે-05-સીજી-4262)ના ચાલકે રોડ પર ચાલી રહેલા બંને મિત્રને અડફેટે લેતાં તેઓ નીચે પટકાયા હતા. બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશ ચૌધરીની તબિયત વધુ લથડતાં તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે બારડોલી ટાઉન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.