મધ્ય યુગમાં, જ્યારે વિશ્વભરના દેશો, પ્રદેશોમાં મોટે ભાગે રાજાશાહી શાસન વ્યવસ્થા પ્રવર્તતી હતી તે સમયે અનેક રાજાઓ ભપકાદાર વૈભવ વિલાસમાં આળોટતા હતા અને પ્રજા ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાં હોય પરંતુ રાજ કુટુંબ તો દોમ દોમ સાહેબીમાં જ રહેતું હોય તે વાત સામાન્ય હતી. જો કે કેટલાક પ્રજા વત્સલ રાજવીઓ પણ હતા જે સાદાઇથી રહેતા હતા અને પ્રજાના કલ્યાણનું હંમેશા ધ્યાન રાખતા હતા. કેટલીક ધર્મ આધારિત શાસન વ્યવસ્થાઓ – જેમ કે ઇસ્લામી ખિલાફત શાસન વ્યવસ્થામાં ઘણા ખલીફાઓ ખૂબ સાદાઇથી રહેતા હોવાનું અને પ્રજાલક્ષી શાસનનું હંમેશા ધ્યાન રાખતા હોવાનું નોંધાયું છે. જો કે બાદમાં ઘણા બધા મુસ્લિમ શાસકો પણ વૈભવ વિલાસી બની ગયા.
રાજા રજવાડાઓના ખૂની ભપકાઓ સામે યુરોપમાં લોહીયાળ ક્રાન્તિઓ પણ થઇ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ પછી ત્યાં સામ્યવાદી શાસન સ્થપાયું, વિશ્વમાં સામ્યવાદનો પ્રચાર વધ્યો. બીજી બાજુ, લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવનારા દેશોની સંખ્યા વીસમી સદીમાં વધતી ગઇ. પરંતુ બાદમાં સામ્યવાદી અને લોકશાહી શાસકો પણ રાજવાડી વૈભવો તો નહીં પરંતુ પોતાના આગવા ઠઠારાઓમાં રાચતા થઇ ગયા. જો કે લોકશાહી શાસકોના અઢળક ખર્ચ મોટે ભાગે તેમની સુરક્ષા અને સગવડો માટે હોય છે, જે વધુ પડતા હોય તો પણ રજવાડી ઠાઠ જેવા જણાતા નથી. પરંતુ આજના યુગમાં પણ કેટલાક પરંપરાગત રાજાશાહી શાસકો કે સરમુખત્યાર પ્રકારના શાસકોના વૈભવ વિલાસની ચકાચૌંધ કરી દે તેવી વિગતો બહાર આવતી રહે છે. સિંગાપોર નજીકના નાનકડા દેશ બ્રુનેઇના સુલતાન, કેટલાક ગરીબ આફ્રિકન દેશોના શાસકો વગેરેના આવા ઠાઠની વિગતો બહાર આવતી હતી ત્યાં હવે રશિયન પ્રમુખ પુતિનના વૈભવ વિલાસની પણ ચોંકાવનારી વિગતો બહાર આવવા માંડી છે.
યુક્રેન પર આક્રમણ પછી રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિન વિશ્વભરમાં અળખામણા થઇ ગયા છે તેવા સમયે તેમના એક અતિવૈભવશાળી જહાજની વિગતો બહાર આવી છે જે તેમના માટે વધુ ટીકાઓ નોંતરી શકે છે. છ ડેક સાથેનુ આ વૈભવશાળી જહાજ રશિયન પ્રમુખની માલિકીનું છે એવી ચર્ચાઓ તો તે બંધાઇ રહ્યું હતું ત્યારથી થઇ રહી હતી પરંતુ આ જહાજનું સંચાલન રશિયન સિક્રેટ સર્વિસ એફએસઓના સભ્યો કરે છે તેવી વાત જાહેર થયા બાદ આ જહાજ રશિયન પ્રમુખ પુતિનની માલિકીનું જ છે તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે. હાલમાં કરવામાં આવેલા ખાંખાખોળામાં એ વાત બહાર આવી ગઇ છે કે આ જહાજનું સંચાલન એેફએસઓ કરે છે. આ જહાજ ૧૬૦ અબજ ડોલરની કિંમતનું હોવાનું મનાય છે અને તે રશિયન પ્રમુખની મિલકતોના ગુપ્ત પોર્ટફોલિયોમાં શામેલ છે. શેહરાઝેદ નામનું આ જહાજ છ ડેક ધરાવે છે અને તેના વૈભવની વાતો અચંબામાં પમાડી દે તેવી છે અને એક રાષ્ટ્રના વડા માટે સંપત્તિનું બિભત્સ પ્રદર્શન કહી શકાય તેવો આ જહાજનો વૈભવ છે.
આ જહાજની સપાટી પર સોનાના પતરા અથવા માર્બલ વિવિધ જગ્યાએ જડવામાં આવ્યો છે. આ જહાજ પર પુતિનની રખાતો રહેતી હોવાનું કહેવાય છે અને તેના પર બે હેલિપેડ છે તથા તે અત્યાધુનિક સંદેશાવ્યવહાર અને ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે અને તે ડ્રોન્સને આકાશમાં જ ફૂંકી મારવાની ક્ષમતા ધરાવતી વ્યવસ્થા પણ ધરાવે છે. આ સુપરયોટના હેલિપેડો પર રશિયન એટેક હેલિકોપ્ટરો લેન્ડ કરી શકે છે. આ જહાજમાં નવ લકઝરી કેબિનો, એક રોયલ સ્યૂટ, એક સ્વીમિંગ પૂલ, એક સ્પા અને એક બ્યુટી સલોન છે. વૈભવનું એટલી હદે તેના પર નગ્ન પ્રદર્શન કરવામાં આવ્યું છે કે તેના શૌચાલયોમાં ટોઇલેટ પેપરો સોનાના હેન્ડલમાંથી નીકળે છે! પુતિન આમ પણ એક રંગીન તબિયતના માણસ તરીકે જાણીતા થઇ જ ગયા હતા. અનેક સ્ત્રીઓ સાથે તેઓ જાતીય સંબંધો રાખતા હોવાનું કહેવાય છે અને પ્લેબોય જેવી તેમની છાપ પડી ગઇ છે. ૬૯ વર્ષની વયે પણ તેમની ફ્લેમબોયન્ટ છાપ છે. વૈભવી અને વિલાસી પુતિને પોતાની ઘણી મિલકતો વિદેશોમાં મૂકી હોવાનું કહેવાય છે.
અતિ વૈભવી અને ઠાઠ માઠ ભર્યું જીવન જીવતા વિશ્વ નેતાઓની યાદીમાં ફક્ત પુતિનનું જ નામ નથી. બીજા પણ કેટલાક એવા નેતાઓ છે કે જેઓ અતિ વૈભવશાળી જીવન જીવે છે. નાનકડા દક્ષિણ-પૂર્વ એશિયન દેશ બ્રુનેઇના સુલ્તાન હસન અલ બોલ્કીયાહ પણ આવા જ વૈભવી જીવન જીવનારા શાસકોમાંના એક છે. તેમની પાસે સોનાજડીત દિવાલો વાળો મહેલ, ૭૦૦૦ જેટલી કારોનો કાફલો, ગોલ્ડ પ્લેટેડ પ્રાઇવેટ જેટ વગેરે સમૃદ્ધિ છે! ગરીબ આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડના રાજા પાસે વૈભવી રોલ્ય રોયસ કારોનો આખો કાફલો છે. આ તો રાજાઓ છે પરંતુ લોકશાહી કહેવાતા દેશોના અનેક શાસકો પણ ખર્ચાળ ડીનરો અને ખર્ચાળ પ્રવાસોમાં કેવા રાચે છે તે સૌ જાણે છે. જો કે તેઓ પોતાના અંગત જીવનને મોટેભાગે વિલાસી બનવા દેતા નથી તે રાહતની વાત છે. આજના જનજાગૃતિ અને લોકશાહીના કહેવાતા યુગમાં પણ કેટલાક નેતાઓ અતિ વૈભવી અને વિલાસી જીવન જીવે છે તે ખરેખર મોટી કરૂણતા છે.