સુરત : હવામાન વિભાગ દ્વારા માર્ચ (March) મહિનાના છેલ્લા અઠવાડિયામાં (Week) હીટ વેવ અને ઓરેન્જ એલર્ટની (Alert) આગાહી કરવામાં આવી હતી. તાપમાન હજી ઊંચે જવાની આગાહી વચ્ચે મંગળવારે (Tuesday) શહેરનું તાપમાન 40 ડિગ્રીને આંબી ગયું હતું. મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી શેકાયા હતાં. ઉનાળાની સિઝનમાં પાછલા વર્ષોની વાત કરીએ તો શહેરનું મહત્તમ તાપમાન સિઝનમાં 41 થી 42 ડિગ્રી સુધી નોંધાતું હોય છે. પરંતુ શહેરમાં આ આંકડાનો રેકોર્ડ સને 1956માં સુરતમાં તૂટ્યો હતો. વર્ષ 1956માં ઉનાળાની સિઝનમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ સુરતમાં આટલું હાઇ ટેમ્પરેચર નોંધાયું નથી.
- વર્ષ 1956માં ઓલ ટાઇમ હાઇ તાપમાન ૪૫.૬ ડિગ્રી સુરતમાં નોંધાયું હતું : હવામાન કચેરી
- ગરમીમાં સુરતમાં નોંધાયેલું હાઇ ટેમ્પરેચર વિતેલા 64 વર્ષ પછી પણ ક્યારે આટલું ઉંચે ગયું નથી
હવામાન વિભાગ પાસેથી મળતી આંકડાકીય માહિતી અનુસાર આજે શહેરનું મહત્તમ તાપમાન 40.8 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 23.8 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા ઘટી જતા ઉત્તર દિશામાંથી 5 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સાથે હવાનું દબાણ 1006.0 મિલીબાર નોંધાયું હતું. મંગળવારે તાપમાનનો પારો 40.8 ડિગ્રી ઉપર પહોંચતા આકરી ગરમીનો શહેરીજનોએ સામનો કર્યો હતો. સુરતમાં વર્ષ ૧૮૭૭માં તાપમાન નોંધવાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ વર્ષ ૧૯૫૬ની ૧ મેના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૫.૬ ડિગ્રી નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ ચાર દિવસ સુધી સુરત શહેર સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
પારડીમાં ભર તડકામાં સફાઈ અભિયાન
પારડી : પારડી નગરપાલિકા દ્વારા નગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, ઉપ્રમુખ સંગીતાબેન, સીઓ, કારોબારી ચેરમેન ગંજાનન માંગેલા, આરોગ્ય ચેરમેન ભાવના ભંડારી, રાજેશ પટેલ, દેવેન શાહના માર્ગદર્શન હેઠળ પારડીના ૧ થી ૭ વોર્ડ માં સેનેટરી વિભાગના ભાવેશ પટેલ, પંકજ ગરણીયાની ટીમ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરના સુલભનગર, સાંઈ શાંગ્રીલા સોસાયટી, ૐકાર એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક, દમણીઝાંપા બ્રિજથી પોણીયારોડ, સર્વિસરોડ, રશમી સોસાયટી, ફિનાઈલ ફેકટરી પાસે, ગાયત્રી સોસાયટી, શિવમ સોસાયટી, પ્રિન્સેસ પાકૅ, સોનાદશૅન, હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ સામેથી ગૌરીફોમૅ, કમૅભૂમી, બંદરરોડ તેમજ નવજીવન સોસાયટી, નુતનનગર, પારડી પોલીસ સ્ટેશન, સર્કિટ હાઉસ તેમજ રેનબસેરા, યુનિટી હોલ વગેરે સ્થળોએ પાલિકાના સેનેટરી વિભાગના કર્મચારી દ્વારા ભર તડકાના તાપમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.