ગાંધીનગર: વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલા આવાસોના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના ગામ વિકાસ રાજ્યમંત્રી અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં છેલ્લા છ માસમાં ૭૩,૧૫૦ આવાસો મંજુર કરાયા છે તે પૈકી ૪૧ હજારથી વધુ આવાસો પૂર્ણ કરાયા છે. રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૮૦ આવાસો મંજૂર કરીને ૧૫૩ આવાસો પુર્ણ કરીને લાભાર્થીઓને પૂરા પડાયા છે.
અર્જુન ચૌહાણે યોજના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ યોજના હેઠળ આવાસ મેળવવા ઈચ્છતા લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા હોવા જોઈએ, વર્ષ-૨૦૧૧ના આર્થિક અભ્યાસ હેઠળ તેમનું નામ હોવું જરૂરી છે. ૧૦૦ ચો.મી પ્લોટ કે કાચુ આવાસ હોવું પણ જરૂરી છે. જેતે આ યોજના હેઠળ આવાસ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ ૧.૨૦ લાખની સહાય, ૧૨ હજાર રૂપિયા શૌચાલય માટે, રૂપિયા ૨૦,૬૧૦ મનરેગા હેઠળ, મળી કુલ ૧,૫૨,૬૧૦ની રકમ ચૂકવાય છે.
આ સહાય ત્રણ તબક્કામાં ચૂકવાય છે જેમાં પ્રથમ હપ્તાના રૂપિયા ૩૦ હજાર વહીવટી મંજૂરી મળ્યા બાદ, બીજા હપ્તાના રૂપિયા ૫૦ હજાર પ્લિન્થ લેવલનું કામ પૂરું થાય ત્યારે રૂપિયા ૪૦ હજારનો અંતિમ હપ્તો કામ પૂર્ણ થયા બાદ ચૂકવાય છે. લાભાર્થીઓ આવાસ નિર્માણનું કામ સમય મર્યાદા પહેલા પૂર્ણ કરે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૦ હજારની રકમ પ્રોત્સાહન સ્વરૂપે ચૂકવાય છે.