Comments

ભારતની વિદેશનીતિ: બે અશ્વોની સવારી સલામત નથી હોતી

પશ્ચિમના જગતે રશિયા સાથે આર્થિક યુદ્ધ આદર્યું છે. ફળસ્વરૂપે રશિયાની આર્થિક કમર તૂટવા માંડી છે. રશિયા પાસે તેલ અને ગેસના વિપુલ ભંડાર છે. તેની મોટી આર્થિક કમાણી તેલ-ગેસ વેચીને થાય છે. આર્થિક પ્રતિબંધો બાદ રશિયા ભારતને સસ્તામાં અને રૂબલ-રૂપિયાના વહેવારમાં તેલ વેચવા માગે છે. રૂબલ તો સાવ તૂટી ગયો છે. પણ તકલીફ એ નથી. તકલીફ એ છે કે યુનોમાં રશિયા વિરૂધ્ધ ઠરાવ પસાર થયો ત્યારે ભારતે તેમાં ગેરહાજર રહી રશિયાની સાથે હોવાનો પુરાવો આપ્યો છે. આજે લગભગ સર્વત્ર પુતીનના હૂમલાની ટીકા થઈ રહી છે અને તે સમયે ભારત રશિયાનું તેલ ખરીદશે તો પશ્ચિમની આંખોમાં આવી જશે. માનવતાના નાતે પણ રશિયાની સાથે ઊભા રહેવામાં જોખમ છે. ભારત સરકાર આ બધું જાણે છે પરંતુ ભારત અને નરેન્દ્ર મોદી પુતીનન શેહમાં છે પશ્ચિમના જગત અને અમેરિકાએ ભારતને યાદ અપાવી છે કે ભવિષ્યમાં ઈતિહાસ લખાશે ત્યારે એ પણ લખાશે કે તમે કોની સાથે ઊભા હતાં!

જર્મનીના હીટલરની સાથે ઈટાલીનો મુસોલીની પણ બેહદ બદનામ થયો. પુતીને કોઈ સબબ કારણ વગર યુક્રેન પર કબજો કરવા ધાર્યો છે. ભારત પુતીન અને તેના દ્વારા ભારતને મોંઘા ભાવે વેચાતાં નબળા શસ્ત્રોની આણમાં આવીને તેલ ખરીદશે તો સ્વાભાવિકપણે અમેરિકા સાથે જે ધનિષ્ટ સંબંધો બંધાઈ રહ્યા હતા તે બંધાશે નહીં. રશિયા અને આડકતરી રીતે ચીન સાથે ઊભા રહ્યા પછી શાંતિના સમયમાં ચીન એની ધોંસ અને દાદાગીરી અટકાવશે નહીં. ચીનને કોઈની શરમ નડતી નથી. શ્રીલંકાને ખોળે બેસાડી પાયમાલ કરી નાખ્યું. ચીન વધુને વધુ તાકાતવાન બની રહ્યું છે અને ભારતને તે પાછળ રાખી દેવા માટે જ પ્રવૃત્ત રહેશે. આ સમયમાં અમેરિકા સાથે જે નાતો બંધાયો છે તે આવશ્યક છે. અને ટકાવી રાખવો જરૂરી છે.

આજે ખૂબ સમર્થ હોય તે દેશ જ તટસ્થ રહી શકે. ભારતની એક તરફે પાકિસ્તાન છે અને બીજી તરફે ચીન છે. રશિયા તેની વગ બંને પર વાપરી શકે, પણ સમય આવે ત્યારે ચીન રશિયાના કહયામાં રહે તેવી શક્યતા ઓછી છે. એ સમયે અમેરિકા સાથે સંબંધ જરૂરી બને છે. ભારત સરકારે રશિયા પાસેથી તેલની ખરીદી બાબતે હજી સ્પષ્ટતા કરી નથી. વૈશ્વિક બેકલેશના ડરથી અવઢવમાં છે. ભારત એ તેલ ખીરદશે તો યુક્રેનના સેંકડો નિર્દોષ ભૂલકાંઓના ભોગે ખરીદશે. હમણા યુક્રેનની સડકો પર બાળકો વગરની ખાલી ટ્રોલર ગાડીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. તેમાં બેસતાં હતાં તે ભૂલકાંઓ રશિયન બોમ્બમારાનો શિકાર બન્યા છે. ભારત જ્યારે માનવતાવાદની વાત કરે છે. ત્યારે કાં સાવ તટસ્થ રહેવું હિતાવહ છે. અથવા રશિયાનો બહિષ્કાર કરવામાં દુનિયાનો સાથ આપવો જોઈએ.

બે અશ્વોની સવારી કોઈ મેળના રહેવા દેતી નથી. અમેરિકાનું હાલનું જો બાઈડન તંત્ર અને તેની રીતભાતો ભારતને પસંદ પડે તેવી નથી. પ્રમુખ બાઈડન મહેનો મારે નહીં અને ભણાવે નહીં. તેવું વલણ અપનાવી રહ્યા છે. કદાચ મોદી સરકાર અને ભારતની વિદેશનીતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે આસક્તિ ધરાવતી હતી અને ટ્રમ્પને કારણે ભારતને અનેક રાહતો મળી છે. વિશ્વમાં ભારતનું નામ મજબૂત બન્યું તેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અમૂલ્ય ફાળો છે તે શાખ બાઇઢનના સમયમાં ધોવાઇ જવી ન જોઇએ. બરાક હુસૈન ઓબામા સત્તા પર આવ્યા ત્યારે મિત્ર જેવા લાગતા હતા. બીજી વખત ચૂંટાયા ત્યારે સંબંધો બગડી ગયા હતા. બાદમાં ટ્રમ્પ આવ્યા અને સંબંધો ગેલમાં આવી ગયા. પાકી દોસ્તી માટે આ પ્રકારનો કાર્ડિઓગ્રામ ન ચાલે. એ ખરૂં છે કે વિદેશનીતિમાં સ્વાર્થ અને દેશહિત જોવાતાં હોય છે. પણ લાંબો સમય સંબંધ ટકાવી રાખવો તે પણ દેશહિતની વાત છે.

ભારત સાથે સંબંધો રાખવાની અમેરિકાની મજબૂરી છે અને ચીનને કારણે અમેરિકાની સાથે રહેવાની ભારતની મજબૂરી છે. રશિયાની એસ 400 એન્ટી મિસાઇલ સિસ્ટમ ખરીદીને ભારતે અમેરિકા સાથે થોડું વાંકું પાડયું. તેમાં પણ અમેરિકાને સમજાવવામાં આપણે સફળ રહ્યા. પરંતુ રશિયન તેલ ખરીદવું તે અમેરિકા અને નાટોનો સદંતર અનાદર કરવા સમાન છે. ચીનથી બચવા માટે રશિયા કરતા અમેરિકા વધુ સમર્થ પુરવાર થશે. રશિયા સાથે ભારતના જે સામાજિક સંબંધો છે તેનાથી અનેકગણા વિશેષ અમેરિકા સાથે છે. ભારતની એખ વિશાળ બૌધ્ધિક પ્રજા અમેરિકામાં વસે છે. બાઇડન કાલે નહીં હોય. પરંતુ અમેરિકાની વિદેશ નીતિ તેની ‘ડીપ સ્ટેટ’ નક્કી કરતી હોય છે જે લગભગ કાયમ માટે હોય છે. ડીપ સ્ટેટને એવું લાગશે કે ભારત એક સંબંધ જાળવનારું મિત્ર નથી તો સંબંધોમાં ઓટ આવી શકે છે. પછી ભલે ફરીવાર ટ્રમ્પ સત્તા પર આવે. ભારતે કાંચીડા જેવું ચરિત્ર દર્શાવવાને બદલે એક મક્કમ ચરિત્ર અપનાવવું પડશે અને તે માટે જરૂર પડે તો સસ્તા તેલની લાલચમાં પડવું જોઇએ નહીં. ભવિષ્યમાં કોઇ મોટી સમસ્યા આવે અને અમેરિકા પાસે જવું પડે તો કયાં મોઢે જશો ?

આર્થિક પ્રતિબંધોના પ્રારંભમાં જ રશિયાની કમર તૂટવા માંડી છે. રશિયાએ ડોલરનું કરજ લીધું હતું તેની ચૂકવણી કરી શકયું નથી. જો કે એક મહિનાનો ગ્રેસ પિરિયડ મળે છે. રશિયાની સરકાર કે બિઝનેસો બીજે કયાંયથી નાણાં વ્યાજે લઇ શકે એવી સ્થિતિમાં નથી. રશિયામાં કામ કરતી લગભગ તમામ વિદેશી કંપનીઓએ ધંધાઓ બંધ કરી દીધાં છે. રશિયા પર એક ગંભીર મંદીનું જોખમ તોળાઇ રહ્યું છે. રશિયા આ સ્થિતિમાં દેવું ચૂકવે તો તેની પાસે જે ડોલરના રૂપમાં વિદેશી હુંડિયામણ છે તે તમામ ખાલસ થઇ જાય. જો કે પુતીન સરકારના કહેવા પ્રમાણે તેણે પ્રથમથી જ તમામ જોખમો સામે પાળ બાંધી રાખી છે. છતાં એક સવાલ થાય કે પુતીનના કહેવાથી બીજા કોઇ રાષ્ટ્રો નાટો કે અમેરિકા પર આર્થિક પ્રતિબંધો લાદી શકે ? સવાલ જ નથી. ચીન પણ કયારેય ઇચ્છતું નથી કે અમેરિકા સાથેનો વેપાર અટકી જાય. આ રશિયાની તાકાત અને અમેરિકાની તાકાત બતાવે છે. ભારત સરકારે તેમાંથી કંઇક શિખવાનું છે.
  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top