ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે ઈમેમો મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યએ સવાલ પૂછાતા રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 56 લાખ 17 હજાર 545 ઈ-મેમો ઈશ્યુ કરી તે પૈકી 61 કરોડ 42 લાખ 50 હજાર 993 રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે 309 કરોડ 33 લાખ 74 હજાર 947 રૂપિયા વસુલવાના બાકી છે.
નર્મદા યોજનામાં બાકી નાણા પૈકી મધ્યપ્રદેશે એક પણ રૂપિયો આપ્યો નથી
નર્મદા યોજના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે સવાલો પૂછાતા સરકારે લેખિતમાં જણાવ્યું કે, નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને હજુ 7225 કરોડની રકમ લેવાની બાકી છે, જેમાં મધ્યપ્રદેશ પાસેથી 4953 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 1715 કરોડ અને રાજસ્થાન પાસેથી 556 કરોડ બાકી છે, જેમાં પણ છેલ્લા બે વર્ષ માં મધ્યપ્રદેશે એક પણ રૂપિયો આપ્યો નથી, જયારે મહારાષ્ટ્ર સરકારે 38 કરોડ અને રાજસ્થાન સરકારે પણ માત્ર 12 કરોડ જ આપ્યા છે.
ઔદ્યોગિક ભરતી મેળાઓ કરી સરકાર નાણાનો વ્યય કરે છે : કોંગ્રેસ
રાજ્ય સરકારની કચેરીઓમાં લાખો ખાલી જગ્યાઓ કાયમી પુરા પગાર સાથે ભરવાના બદલે બેરોજગારોને ખાનગીમાં રોજગારી મળે તે માટે ઔદ્યોગિક ભરતી મેળાઓ કરીને સરકારી નાણાનો વ્યય કરવામાં આવે છે. બે વર્ષમાં યોજાયેલ આવા ઔદ્યોગિક ભરતી મેળામાં 5 લાખ 52 હજાર 362 બેરોજગારો નોકરી માટે હાજર રહ્યાં હતાં. સચિવાલય કક્ષાએ સેકશન અધિકારી વર્ગ-2ની 444-ભરાયેલ જગ્યાઓ, 102-જગ્યાઓ ખાલી છે અને ઉપસચિવ વર્ગ-1ની 67 જગ્યાઓ ભરાયેલ છે અને 119-જગ્યાઓ ખાલી છે.સને 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 20 લાખ 90 હજાર 339 રોજગારી ઉભી થવાનો અંદાજ હતો, તેની સામે માત્ર 3 લાખ 55 હજાર 163 રોજગારી જ ઉભી થઈ છે. રાજ્યમાં જીલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4ની ભરાયેલ 3385 જગ્યાઓ સામે 4221 જગ્યાઓ ખાલી છે એટલે કે 55 ટકા જગ્યાઓ ખાલી છે.