પારડી : પારડી તાલુકાના અરનાલા ગ્રામ પંચાયતમાં બજેટ અંગે સામાન્ય સભા આજરોજ બપોરે સરપંચના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 8 માંથી 6 સભ્યોએ આંગળી બતાવી વિરોધ કરતા બજેટ નામંજૂર થતાં હલચલ મચી ગઈ છે. બજેટ બહુમતી સભ્યોએ નામંજૂર કરતાં પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
બુધવારે અરનાલા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં બજેટ રજૂ કરાયું હતું, બજેટને લઈ 6 સભ્ય વિભૂતિબેન ચંપકભાઈ પટેલ, પુષ્પાબેન મનોજભાઈ ગાંગોડે, ભીખીબેન મોહનભાઈ નાયકા, શૈલેષભાઈ લક્ષમણભાઇ પટેલ, શીદીક હફીઝભાઈ અને ગિરીશભાઇ ઝવેરભાઈ પટેલે વિરોધ નોંધાવતા હલચલ મચી ગઈ હતી. સરપંચ સરિતાબેન હસમુખભાઈ પટેલ સાથે એકમાત્ર સભ્ય હોવાથી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થવાને લઇ પંચાયતમાં બે ભાગ પડી ગયા હતા. સમગ્ર મામલે અરનાલા ગ્રામ પંચાયતના તલાટી શેતલ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર રિપોર્ટ સુપ્રત કરવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો અરનાલા ગ્રામ પંચાયતમાં 31 માર્ચ સુધી બજેટ નામંજૂરને લઇ ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાથી પંચાયત બોર્ડ દુવિધામાં મુકાઈ રહ્યું છે.
સતત બીજીવાર બજેટ નામંજૂર
આ અગાઉ તારીખ 9 માર્ચના રોજ ચૂંટણી બાદ પ્રથમ ગ્રામ સભા બજેટ માટે મળી હતી જેમાં પણ 7 સભ્યોએ બજેટ મંજુર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો જેને લઇ બજેટ મંજૂર થઇ શક્યુ ન હતું. બુધવારે ફરીથી બીજી સભામાં 6 સભ્યોએ વિરોધ નોંધાવતા બજેટ મંજૂર થઇ શક્યું ન હતું. આમ અરનાલા ગ્રામ પંચાયતમાં બીજી વાર પણ બજેટ નામંજૂર થતા પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ છે.
ડાંગ જિલ્લા પંચાયતનું કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર
સાપુતારા : ડાંગ જિલ્લા પંચાયતનું 2022-23નું સુધારેલા બજેટમાં સ્વભંડોળથી 5,21,72,000 તથા સરકારી સદરેથી 3,29,38,36,400 મળી કુલ 3,54,37,03,400નું અંદાજપત્ર મંજુર કરાયુ હતુ. બજેટની સામાન્ય સભામાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે શિક્ષણ સમિતિ અને આઈ.સી.ડી.એસ વિભાગ પર આક્રોશ ઠાલવ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રમુખ મંગળ ગાવીતે જિલ્લા પંચાયતનું સને 2021-2022નું સુધારેલું અને સને 2022-23નું વાર્ષિક અંદાજપત્ર જિલ્લા સદસ્યોની ઉપસ્થિતમાં સર્વાનુમતે મંજુર કર્યું હતુ. ડાંગ જિલ્લા પંચાયતનું સને 2022-23નાં સુધારેલા બજેટમાં સ્વભંડોળ સદરેથી 5,21,72,000 તથા સરકારી સદરેથી 329,38,36,400 મળી કુલ 354,37,03,400નું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સને 2021-22 અને 2022-23નાં અંદાજોમાં જિલ્લા પંચાયતનાં સ્વભંડોળ તેમજ સરકારી સદરેથી જે જોગવાઈ કરવામાં આવી છે.
વિકાસ માટે ક્યાં ક્યાં નાણા ફાળવાયા
જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે (ત્રણ તાલુકા પંચાયત સહિત) ફાળવણીમાં સ્વભંડોળના 73.25 લાખ, જ્યારે સરકારી સદરેથી 3969.00 લાખનું આયોજન કરાયું છે. ખેતીવાડી ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 5.5 લાખ જ્યારે સરકારી સદરેથી 1328.05 લાખ, પશુપાલન ક્ષેત્રે સ્વભંડોળથી 2.70 લાખ, જ્યારે સરકારી સદરેથી 370.18 લાખ, આરોગ્ય ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 5.01 લાખ, જ્યારે સરકારી સદરેથી 1930.00 લાખ, બાંધકામ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 118.10 લાખ, જ્યારે સરકારી સદરેથી 8802.88 લાખ, સિંચાઈ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 20.00 લાખ જ્યારે સરકારી સદરેથી 980.57લાખ અને શિક્ષણ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી 33.52 લાખ જ્યારે સરકારી સદરેથી 13912.00 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લા બજેટની સામાન્ય સભામાં અધ્યક્ષ મંગળ ગાવીત, જિલ્લા વિકાસ અધિકારી ડૉ વીપીન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાય.પી.જોષી, જિલ્લા હિસાબી અધિકારી આર.બી.ચૌધરી સહિત જિલ્લા સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા પંચાયતનાં બજેટની સામાન્ય સભામાં વઘઇ સીટનાં જિલ્લા સદસ્ય હરિશભાઈ બચ્છાવે સંકલનનાં અભાવે શિક્ષણ અને આઈ.સી.ડી.એસ વિભાગ પર આક્રોશ ઠાલવ્યો હતો.