Editorial

કોંગ્રેસ અંદરોઅંદર લડવાને બદલે ચૂંટણી લડવાની નવી સ્ટ્રેટેજી બનાવે તે જરૂરી

તાજેતરમાં યુપી, પંજાબ સહિતના રાજ્યોમાં થયેલી હારને પગલે કોંગ્રેસમાં ઘમાસાણ વધી જવા પામ્યું છે. કોંગ્રેસે આત્મચિંતન માટે બેઠક બોલાવી અને બાદમાં ફરી સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવ્યા. બીજી તરફ કોંગ્રેસની હારને પગલે હવે જી-23ના નેતાઓએ કોંગ્રેસમાં ગાંધી પરિવાર પદો છોડે તેવી માંગ સાથે બેઠકો શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ હવે અંદરોઅંદર જાહેરમાં લડવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક બાદ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી પરિવારે છોડવું જોઈએ કે જેથી અન્યને તક મળે. સિબ્બલે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની દખલગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સિબ્બલે ત્યાં સુધી કહી દીધું હતું કે રાહુલ ગાંધીએ પંજાબમાં સીએમ બનાવવાનો નિર્ણય કઈ હેસિયતથી લીધો? કોંગ્રેસ ઘરની કોંગ્રેસને બદલે બધાવની કોંગ્રેસ બનવી જોઈએ. સિબ્બલના આ નિવેદનની સામે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જવાબ આપતાં કહ્યું હતું કે, સિબ્બલ કોંગ્રેસના કલ્ચરને જાણતા નથી, સિબ્બલ એક સારા વકીલ જરૂર હશે પરંતુ તેઓ પાર્ટીની એબીસીડી જાણતા નથી. સિબ્બલના નિવેદન સામે રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો નથી પરંતુ રાહુલ ગાંધીના નજીકના મનાતા મણિકમ ટાગોરે સિબ્બલ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સિબ્બલ સંઘની ભાષા બોલી રહ્યા છે.

કોંગ્રેસના જી-23 નેતાઓએ અગાઉ ઓગષ્ટ, 2020માં સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સુધારા કરવા માટેની માંગ કરી હતી. આ પત્ર વાઈરલ થઈ ગયો હતો અને તેને કારણે કોંગ્રેસમાં હોબાળો પણ થયો હતો. કોંગ્રેસના આ જી-23 નેતાઓના પત્રની સામે સોનિયા ગાંધીએ સીડબલ્યુસીની બેઠકમાં એવી જાહેરાત કરી હતી કે જો તમને એવું લાગતું હોય કે ગાંધી પરિવારને કારણે કોંગ્રેસ નબળી પડી રહી છે તો પોતે, પ્રિયંકા અને રાહુલ ગાંધી કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર છે. જોકે, બેઠકમાં આ બલિદાનની વાતને ગુલામનબી આઝાદ, આનંદ શર્મા સહિતના તમામ સભ્યોએ નકારી કાઢી હતી. ગુલામનબી આઝાદ અને આનંદ શર્મા જી-23ના પણ સભ્યો છે. કપિલ સિબ્બલે બુધવારે જી-23ના નેતાઓની જે બેઠક બોલાવી હતી તેમાં આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, અખિલેશ પ્રસાદ, ભૂપિન્દરસિંહ હુડ્ડા અને પૃથ્વીરાજ ચૌહાણની સાથે પક્ષના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર, પી.જે.કુરિયન, સંદીપ દીક્ષિત પણ સામેલ થયા હતા. યુપીમાંથી આ બેઠકમાં રાજ બબ્બર, અખિલેશ પ્રતાપ સિંહ, પંજાબથી કેપ્ટન અમરિંદરસિંહના પત્ની પરણીત કૌર, મનિષ તિવારી, રાજેન્દ્ર કૌર ભટ્ટકલ, કેરળથી શશિ થરુર, મણિશંકર ઐય્યર, પીજે કુરિયાન પણ બેઠકમાં સામેલ થયા છે.

એક તરફ કોંગ્રેસના જી-23ના નેતાઓની આ બેઠક મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ગલીથી દિલ્હી સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓને સોનિયા ગાંધી પર વિશ્વાસ છે. આગામી દિવસોમાં પાર્ટીમાં મોટા ફેરફારો જોવા મળશે. કોંગ્રેસની આ સ્થિતિમાં સોનિયા ગાંધી પાર્ટીમાં ફેરફારો કરે કે પછી જી-23ના નેતાઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીમાં ફેરફારો કરાવવામાં આવે, કોંગ્રેસની આગામી ચૂંટણીઓમાં પણ જીત થવાની સંભાવના નથી. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ ચૂંટણી કેવી રીતે જીતવી તે જ ભૂલી ગયા છે. લોકો ભાજપને હરાવશે તો કોંગ્રેસ જીતશે તેવી સ્થિતિ છે. ખરેખર કોંગ્રેસના નેતાઓએ પાર્ટીમાં ફેરફારો કરવા પછી નિવેદનો કરવાને બદલે લોકોની નજીક કેવી રીતે જઈ શકાય તેનું ચિંતન કરવાની જરૂરીયાત છે. લોકો શું સમજે છે? લોકોની શું માંગ છે? લોકોની કેવી લાગણી છે? કઈ વિચારધારા પ્રત્યે લોકોની લાગણી વધારે છે? આ તમામ મુદ્દાઓને કોંગ્રેસના નેતાઓએ ધ્યાનથી લેવાની જરૂરીયાત છે.

ભાજપની ચૂંટણી જીતવાની સ્ટ્રેટેજી એ છે કે, એક તરફ સંગઠન મજબૂત કરો. બીજી તરફ હરીફ પક્ષને મુસ્લિમ તરફી છે, રાષ્ટ્રવિરોધી છે તેવી ચિતરી દો. જ્યારે ચૂંટણી આવે ત્યારે મુસ્લિમ મતોમાં ભાગલા પડાવી દો. ભાજપની આ વ્યુહરચનામાં કોંગ્રેસ સતત ફસાઈ જ રહી છે અને એક પછી એક ચૂંટણી હારી રહી છે. કોંગ્રેસ દ્વારા જ્યારે આ સત્ય સમજવામાં આવશે ત્યારે જ ચૂંટણી જીતી શકશે. કોંગ્રેસની જીત હવે ભૂતકાળ થઈ ચૂકી છે. કોંગ્રેસના નેતાઓએ હજુ પણ ચૂંટણી જીતવા માટે જૂના જ અને ચવાઈ ગયેલા મુદ્દાઓનો ઉપયોગ કરી રહ્યા છે અને ચૂંટણી હારી જાય ત્યારે અંદરોઅંદર લડી રહ્યા છે. કોંગ્રેસે જો જીતવું હોય તો તેણે ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ જે વિચારધારા અપનાવી હતી, તે રાષ્ટ્રવાદની વિચારધારા અપનાવી પડશે. માત્ર અપનાવવાની જ નહીં પરંતુ તેને દેખાડવી પણ પડશે. જો આમ થશે તો જ કોંગ્રેસ માટે જીત હશે, અન્યથા કોંગ્રેસ નજીકના ભવિષ્મયાં જ ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top