Editorial

જ્યાં સુધી સ્વાર્થી નેતાઓને તગેડી મુકતા શીખશે નહીં ત્યાં સુધી કોંગ્રેસ ચૂંટણીઓમાં જીતી શકશે નહીં

તાજેતરમાં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ એક તરફ ભાજપની ઈજ્જત બચાવી લીધી છે. તો બીજી તરફ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપના વિકલ્પ તરીકે આમ આદમી ઉભરી આવી છે. આ પરિણામોએ બતાવ્યું છે કે, અનેક વખત હાર્યા બાદ પણ તોરમાં રહેનાર કોંગ્રેસની શું હાલત થઈ શકે છે? ભૂતકાળની ગાંધી, નહેરૂ, સરદારની કોંગ્રેસની આટલી ખરાબ હાલત થાય તો તેના માટે માત્ર કોંગ્રેસના નેતાઓ જ જવાબદાર છે. રાજકારણ ભૂતકાળમાં સેવાની પ્રવૃત્તિ મનાતી હતી પરંતુ હવે રાજકારણ એક યુદ્ધ સમાન થઈ ગયું છે. સ્હેજેય ભૂલચૂક તેમને પરાજયની કગાર સુધી લઈ જાય છે. અગાઉ 1989માં સત્તા ગુમાવનાર કોંગ્રેસે બાદમાં 91થી 96 સુધી ફરી દેશમાં સત્તા મેળવી હતી.

ત્યારબાદ ફરી 2004થી શરૂ કરીને 2014 સુધી કેન્દ્રમાં સત્તા ભોગવી હતી. આ બંનેમાં ફરક એવો હતો કે અગાઉ કોંગ્રેસની સરકાર બહુમતિમાં હતી. જ્યારે 2004થી 14 સુધી કોંગ્રેસની સરકાર ગઠબંધનમાં ચાલી હતી. કોંગ્રેસે ત્યારે જ તેની થઈ રહેલી પડતીને સમજી લેવાની જરૂરીયાત નથી. એવું નથી કે કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી દ્વારા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરવામાં આવતી નથી પરંતુ પાર્ટીમાં આંતરિક હુંસાતુંસી જે રીતે છેક ઉપરના લેવલ સુધી પહોંચી ગઈ છે તે હવે પાર્ટીનો ભોગ લઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ કહેવા પુરતું હાઈકમાન્ડ રહી ગયું છે. પાર્ટીના જ આગેવાનોને તેઓ કાબુમાં રાખી શકતા નથી અને તેને કારણે જીતેલી બાજી ગુમાવવી પડી રહી છે. અગાઉ મધ્યપ્રદેશ અને હવે પંજાબ તેનો જીવતો દાખલો છે.

બિઝનેસ હોય કે પછી રાજકારણ કે પછી કોઈપણ ક્ષેત્ર, તમામમાં બીજી કેડરને તૈયાર કરતા રહેવું પડે છે. કોંગ્રેસની એવી હાલત છે કે શીર્ષસ્થ નેતૃત્વમાં બીજી કેડર તરીકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તૈયાર થયા પરંતુ બાકીના નેતાઓ પોતાનો ગરાસ છોડવા માટે તૈયાર નથી. માત્ર આટલું જ નહીં પાર્ટીને દોડતી રાખવા અને કાર્યકરોને જીવંત રાખવા માટે જે સતત કાર્યક્રમો થતાં રહેવા જોઈએ. સમય પ્રમાણે પાર્ટીની વિચારધારામાં પણ ફરક આવવો જોઈએ તે કોંગ્રેસના નેતાઓ લાવી શક્યા નથી. કોંગ્રેસ જૂની સંતુષ્ટિકરણની વિચારધારા પર જ ચાલી રહી છે અને તેને કારણે અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. એક નેતાને સાચવવા જતાં કોંગ્રેસ બીજી નેતાને ગુમાવે છે અને તે મધ્યપ્રદેશ અને પંજાબમાં થયું છે.

સરવાળે કોંગ્રેસે જે તે રાજ્ય કે કેન્દ્રમાં સત્તા ગુમાવવાની નોબત આવે છે. કોઈપણ પાર્ટી હોય, તેણે જીતવા માટે પોતાનું સંગઠન મજબૂત રાખવું પડે છે. ભાજપ આ વાત સારી રીતે સમજે છે. જ્યારે કોંગ્રેસને તેમાં સમજ જ પડતી નથી. માત્ર દોડતા રહેવાથી કે પછી પ્રચાર કરતાં રહેવાથી ચૂંટણી જીતાતી નથી. તેના માટે સંગઠનના એવા કાર્યકરોની જરૂરીયાત છે કે જે મતદારોને પાર્ટીના ઉમેદવારો સુધી ખેંચી લાવે. કોંગ્રેસની હાલત એવી છે કે પાર્ટીમાં તમામ નેતા છે અને તેને કારણે પાર્ટી કરતા નેતા મોટા થઈ ગયા છે. પાર્ટીને બાજુ પર મુકીને નેતા પોતાનું રાજકારણ રમે છે અને તેને કારણે કોંગ્રેસે હારનું મોઢું જોવું પડે છે. ભાજપ કોંગ્રેસની આ નબળાઈ સમજી ગયું છે અને તેને કારણે તે દર વખતે કોંગ્રેસના મોઢા સુધી આવેલો જીતનો કોળિયો કે પછી સત્તા ખેંચી જાય છે.

કોંગ્રેસની નેતાગીરીએ એ સત્ય વાત સમજવી પડશે કે નેતાથી પાર્ટી જીત મેળવી શકતી નથી. કાર્યકર્તાઓથી જીતી શકાય છે. બહુમતિ કાર્યકરોનો અવાજ નેતાગીરીએ જાણવો અને સમજવો પડશે. યુવાનો શું સમજે છે? યુવાનો શું માને છે? તે કોંગ્રેસે સમજવું પડશે. જૂની વિચારધારાને ત્યજવી પડશે. યુવાનોને આગળ કરવા પડશે અને તેમાં પણ કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવું પડશે. ભાજપે પહેલેથી જ પોતાના સંગઠનને મજબૂત રાખ્યું છે. ભાજપનો કોઈપણ નેતા ગમે તેટલો મોટો હોય, ભાજપે તેને બાજુ પર મુકતી વખતે કોઈ વિચાર કર્યો નથી.

કોંગ્રેસે પણ આ સત્યને ધ્યાને લેવું પડશે. માત્ર કોંગ્રેસનો સિક્કો લઈને ગામ આખામાં રખડતા અને ચૂંટણી ટાણે બીજા પક્ષના ખોળામાં ભરાઈ જતાં કે પછી ચૂંટણી લડવા માટે મેદાનમાં આવી બાદમાં કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં પણ નહીં દેખાતા નેતાઓને કોંગ્રેસે દરવાજા બતાવવા પડશે. એવું નથી કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસને જીતાડી શકે તેમ નથી, કોંગ્રેસને તેના નેતાઓ જ હરાવી રહ્યા છે અને તે પણ પોતાના સ્વાર્થ માટે. આવા સ્વાર્થમાં જ કોંગ્રેસે 2017માં ગુજરાતમાં જીતની બાજી ગુમાવી હતી. આજ રીતે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં હાથમાં આવેલી સત્તા છોડવી પડી હતી. આજ કારણે કોંગ્રેસે પંજાબમાં શરમજનક હારનું મોઢું જોવું પડ્યું છે. કોઈપણ સંજોગોમાં કોંગ્રેસને નહીં છોડનાર કાર્યકરો અને નેતા તૈયાર કરવા પડશે. તો જ કોંગ્રેસ જીવશે. બાકી તો હાલની સ્થિતિ એવું બતાવી રહી છે કે, કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય પક્ષ મટીને ધીરેધીરે પ્રાદેશિક પક્ષ બનવા તરફ ધસી રહ્યો છે તે નક્કી છે.

Most Popular

To Top