Editorial

કોવિડ-૧૯ના રોગચાળાથી મૃત્યુઆંક એક કરોડને વટાવે નહીં તેવી આશા રાખીએ

કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે અને હજી આ રોગચાળો નજીકના ભવિષ્યમાં સંપૂર્ણપણે નાબૂદ થાય તેવા ચિન્હો બતાવતો નથી ત્યારે આ રોગચાળાથી વિશ્વભરમાં થયેલા મૃત્યુઓનો આંક રવિવારે ૬૦ લાખને વટાવી ગયો. આ વૈશ્વિક રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં શરૂ થયો ત્યારથી લઇને તેના કેસોના અને મૃત્યુઆંકના આંકડાઓ સમયે સમયે વધતા જ ગયા. ચીનમાં ૨૦૧૯ની શરૂઆતમાં આ રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦માં આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરવા માંડ્યું ત્યારે પણ શરૂઆતમાં એવું લાગતું ન હતું કે આ રોગના આટલા બધા કેસો થઇ જશે અને આટલા બધા લોકોના તેનાથી મૃત્યુ નિપજશે. સાર્સ કરતા ઓછો ઘાતક જણાતા આ રોગથી સાર્સ કરતા ઓછા મૃત્યુઓ થશે એવી શરૂઆતમાં ધારણા હતી, પણ એક તબક્કે આ રોગથી મૃત્યુઓનો આંક સાર્સથી થયેલા મૃત્યુઓના આંકને વટાવી ગયો અને પછી તો તેણે સાર્સથી થયેલા મૃત્યુઓના આંકને ક્યાંયે પાછળ મૂકી દીધો. 

અમેરિકાની જહોન હોપકિન્સ યુનિવર્સિટિ, કે જે કોવિડ-૧૯થી વિશ્વભરમાં થતા રોજે રોજના મૃત્યુઓના આંકડાઓ શરૂઆતથી રાખતી આવી છે તેના જણાવ્યા મુજબ રવિવારે આ રોગથી મૃત્યુઓનો વૈશ્વિક આંક પ૯૯૬૮૮૨ હતો અને દિવસ દરમ્યાન મોડેથી તે ૬૦૦૦૦૦૦નો આંકડો વટાવી દે તેવી ધારણા રખાતી હતી ટૂંક સમયમાં આ આંકડો વટાવી પણ દીધો. આ એક વધુ દુ:ખદ સીમાચિન્હ દુનિયાએ આ વીતેલા રવિવારે સર કરી લીધું. જહોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવતા કોવિડના રોગચાળા અંગેના આંકડાઓને સત્તાવાર આંકડાઓ તરીકે સ્વીકૃતિ મળી છે અને કોવિડના રોગચાળા અંગેના તેના આંકડાઓ સત્તાવાર આંકડાઓ મનાય છે. જો કે આ રોગચાળાથી સત્તાવાર મૃત્યુઆંક ભલે ૬૦ લાખનો હોય, પરંતુ ખરેખરો મૃત્યુઆંક તો તેના કરતા ક્યાંય વધારે હશે એમ અનેક નિષ્ણાતો કહે છે કારણ કે ઘણા દેશો પોતાને ત્યાં રોગના કેસો અને તેનાથી થતા મૃત્યુઓના આંકડાઓની યોગ્ય નોંધ રાખતા નથી તથા અનેક દેશોની સરકારો સાચા આંકડાઓ સંતાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ જણાયું છે. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં એક ભેદી રોગચાળો દેખાયો, બાદમાં આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું જણાયું.

૨૦૨૦ના વર્ષની શરૂઆતથી તો આ રોગચાળો વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા માંડ્યો અને ૨૦૨૦ના માર્ચ મહિના સુધીમાં તો તેણે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ પણ કરી લીધું હતું. આ વૈશ્વિક રોગચાળો હવે બે વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે ત્યારે જો કે આ રોગચાળાની તીવ્રતા ઘટી ગયેલી જણાય છે છતાં હજી તે સંપૂર્ણપણે શમ્યો તો નથી જ. દુનિયાભરમાં રસીકરણ નોંધપાત્ર રીતે થઇ ગયું છે અને નિયંત્રણો ખૂબ હળવા થઇ ગયા છે અને વૈશ્વિક પ્રવાસો ફરી શરૂ થઇ રહ્યા છે ત્યારે પણ હજી આ રોગચાળા અંગે ગફલતમાં નહીં રહેવાની ચેતવણી નિષ્ણાતો આપી જ રહ્યા છે. આ રોગચાળાથી સત્તાવાર રીતે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા રહ્યો છે જે ઘણો સમૃદ્ધ હોવા છતાં ત્યાં સત્તાવાર રીતે સૌથી વધુ કેસો અને સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે. ૬૦ લાખમાંથી ૧૦ લાખ મૃત્યુઓ તો ફક્ત અમેરિકામાં જ નોંધાયા છે, જ્યારે બીજા ક્રમના અસરગ્રસ્ત દેશ ભારતમાં મૃત્યુઆંક ચાર લાખ ત્રીસ હજાર જેટલો છે, જો કે ભારતનો ખરેખરો મૃત્યુઆંક ઘણો વધુ હોવાનો અંદાજ કેટલાક નિષ્ણાતો બાંધે છે.

કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો બે વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ પછી થોડા સમયમાં જ તેણે ૬૦ લાખનો મૃત્યુઆંક વટાવી દીધો છે. વિશ્વભરમાં તેના કેસોનો આંકડો તો ખૂબ જ જંગી છે. ૪૪ કરોડ કરતા વધુ લોકોને તેનો ચેપ લાગી ચુક્યો હોવાનું સત્તાવાર આંકડાઓ કહે છે. સદભાગ્યે ઘણા બધા લોકો આ રોગમાંથી સાજા થઇ ગયા છે. આજથી એક સદી પહેલા સ્પેનિશ ફ્લુનો રોગચાળો વિશ્વભરમાં ફેલાયો હતો, જે આ કોવિડ-૧૯ના રોગચાળા પહેલાનો છેલ્લામાં છેલ્લો સૌથી મોટો વૈશ્વિક રોગચાળો હતો. સ્પેનિશ ફ્લુનો રોગચાળો ત્રણેક વર્ષ ચાલ્યો હતો અને તેમાં ત્રણ કરોડથી વધુ, અને એક અંદાજ પ્રમાણે તો પાંચ કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. કોવિડ-૧૯નો રોગચાળો બે વર્ષ પુરા કરી ચુક્યો છે અને અડધા કરોડ કરતા વધુ લોકોને ભરખી ગયો છે પરંતુ ત્રીજા વર્ષમાં પ્રવેશ છતાં હજી તેનાથી મૃત્યુઓનો આંક એક કરોડના આંકડાથી થોડો દૂર જણાય છે અને રોગની ગતિ ઘણી ધીમી પડી ગઇ છે ત્યારે આપણે એવી આશા રાખી શકીએ કે આ રોગચાળાથી મૃત્યુઆંક એક કરોડને વટાવે નહીં.

Most Popular

To Top