પલસાણા : નવાપુરથી સુરત (Surat) દારૂ સપ્લાય કરવા નીકળેલા બુટલેગરે પલસાણા (Palsana) ગામની સીમમાં ને.હ-53 ઉપર પોલીસ (Police) વોચ જોઈ ભાગવા જતા તેની કાર રોડની (Road) સાઈડમાં ઊતરી ગઈ હતી. જ્યારે પાયલોટિંગ કરતો કાર ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. એલસીબી પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂ. 11.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્રના નવાપુરથી બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો છે અને આ બંને કારનું એક કારનો ચાલક પાયલોટિંગ કરી રહ્યો છે. ઓવી બાતમી મળતાં એલસીબી પોલીસની ટીમે પલસાણા ગામની સીમમાં શક્તિ રેસિડન્સીની સામે ને.હા-53 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની પાયલોટિંગ કરતી એક કાર તથા વિદેશી દારૂ ભરેલી બે કાર આવી હતી. પરંતુ પોલીસની નાકાબંધી જોઈ આ ત્રણે કારના ચાલકો યુ-ટર્ન લઈ ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરતાં આઈ-20 કાર નંબર જીજે-05-આરબી-4836 તથા દારૂ ભરેલ કાર જીજે-27-બીએલ-0474 રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જ્યારે અન્ય એક કાર જીજે-05-0567 નો ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. રોડની સાઈડમાં ઉતરી ગયેલા બંને કારના ચાલકો પણ ભાગી છૂટ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બીયરના ટીન નંગ 1399 કિંમત રૂ, 1.91 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે કાર તેમજ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 11.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણે કારના ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર કમલેશ મીઠાલાલ ખત્રી ઉર્ફે મારવાડી, તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા મોન્ટી કાનિયો ઉર્ફે મિલન શાહ તેમજ મિનેશ કહારને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક વેચતા બે ઝડપાયા
સુરતઃ પાંડેસરા પોલીસે નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ હેઠળ તપાસ દરમિયાન ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક ગોગો પેપર્સ – કોબ્રા પેપર્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં. પાંડેસરા પોલીસ ઇન્સ્પેકટરે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો તેમજ અન્ય ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક ( ગોગો પેપર્સ / કોબ્રા પેપર્સ ) રાખી વેચાણ કરનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા આશાપુરી સોસાયટી સ્થિત શીવ સાંઇ પાન સેન્ટર પાસેથી લલનભાઇ શિવનંદન યાદવ (ઉ.વ .૩૬ રહે . પ્લોટ નં .૮૦ , ૮૧ આશાપુરી સોસયાટી વિભાગ -૦૨ પાંડેસરા તથા મૂળ અરવલ, બિહાર) તથા ગોવર્ધન ગૌરાંગચરણ નાયક (ઉં.વ .૪૮ રહે . પ્લોટ નં .૫૩ આશાપુરી સોસાયટી વિભાગ -૦૨ પાંડેસરા તથા મુળ જી.કેંદ્રાપડા, ઓરિસ્સા) ને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી ૯ બોકસ કોબ્રા પેપર મળી આવ્યા હતાં. જે એક બોક્સમાં ૬૦ નંગ જેની કિમત ૮૧૦૦ તથા રોલર બિયર પેપર કુલ કિમત ૮૪૦૦ ની મત્તાના કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવતા કબજે કરાયા હતાં.