Dakshin Gujarat

8 વર્ષના બાળકને શિક્ષકે કહ્યું: ‘સાલા હું તને તારા બાપની સામે જ મારીશ’

ખેરગામ: ચીખલીના કણભાઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા દિલીપ સોલંકીનો પુત્ર (Son) સિયાદાના કણબીવાડની પ્રાથમિક શાળાના (School) ધો.3માં અભ્યાસ કરે છે. જેને શિક્ષકે (Teacher) માર મારતાં મામલો ખેરગામ પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો. ચીખલી તાલુકાના સિયાદા ગામના કણબીવાડ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક હસમુખ પટેલની શિક્ષણ પદ્ધતિ કંઈક અલગ હોય તેમ લાગી રહ્યું છે. ચીખલીના કણભાઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા દિલીપ મંછુ સોલંકીનો પુત્ર પ્રિયાંશ ઉંવ.8 સિયાદાના કણબીવાડ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ધો-3માં અભ્યાસ કરે છે. જેને શાળાના શિક્ષક હસમુખ પટેલે ત્રણ વાર માર માર્યો હોવાનો બાળકના પિતા દિલીપભાઈએ આક્ષેપ કર્યો છે.

આ બાબતે તેમણે ખેરગામ પોલીસ મથકમાં શિક્ષક હસમુખ પટેલ વિરુદ્ધ બાળકને મારામારી અને ધાકધમકી આપ્યાની અરજી કરી છે. જેમાં જણાવ્યું હતું કે, દોઢ માસ પહેલાં પણ પુત્ર પ્રિયાંશને ઢીકામુક્કીનો મારા મારતાં ચાર-પાંચ દિવસ શરીરમાં દુખાવો રહ્યો હતો. તે સતત રડતો હતો. તેમ છતાં અહીંથી ન અટકતાં શિક્ષકે સ્વાધ્યાયનો કોઈ કાગળ માંગયો હતો. જે ક્લાસમાંથી શોધી આપવા કહ્યું હતું. પરંતુ પ્રિયાંશે કહ્યું હતું કે, મને કોઈ કાગળ આપ્યો નથી. આથી અકળાયેલા શિક્ષકે પ્રિયાંશને માથામાં માર માર્યો હતો. એ બાદ કાગળ શિક્ષક પાસેથી જ મળી આવ્યો હતો. જ્યારે ત્રીજીવાર તા.24 ફેબ્રુ. એ પ્રિયાંશ શાળાના પટાંગણમાં રમતો હતો, ત્યારે તેને ફટકાર્યો હતો. આ બાબતે દિલીપ સોલંકીએ તા.૨૪મી ફેબ્રુ.એ શાળાના આચાર્યને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી આ વાત શિક્ષક હસમુખ પટેલના કાને પહોંચતાં તેણે બીજા જ દિવસે તા.25મી ફેબ્રુ.એ પ્રિયાંશને ચાલુ ક્લાસમાં ધમકી આપી હતી કે, ‘સાલા હું તને તારા બાપની સામે જ મારીશ’. આમ, વારંવાર શિક્ષકના મારથી બાળક ભયમાં મુકાય એ ડરને કારણે દિલીપભાઈએ ખેરગામ પોલીસનું શરણું લીધું છે. સાથે તેમણે નવસારી પોલીસ વડા, કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ મંત્રી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ-ગાંધીનગર, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉચ્ચકક્ષાએ અરજીની નકલ રવાના કરી છે. ત્યારે આ બાબતે ભૂરાટાં બનેલા શિક્ષક વિરૂધ્ધ કેવાં પગલાં લેવાયા છે એ જોવું રહ્યું.

મેં બાળકને ધાક-ધમકી કે માર માર્યો જ નથી: હસમુખ પટેલ
આ બાબતે કણબીવાડની પ્રાથમિક શાળાના શિક્ષક હસમુખ ગુલાબ પટેલને આ બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, મારી શાળાના બાળકો મારી આજુબાજુ હંમેશા વીંટળાઈને રહે એ જ હું માનું છું, બાળક પર અકળાઈએ કે મારીએ તો સ્વાભાવિક બાળક આપણી નજીક પણ નહીં આવે, એટલા માટે હું શાળાના બાળકો સાથે સારું જ વર્તન કરું છું. પ્રિયાંશ નામના બાળકને મેં ધાક ધમકી કે માર માર્યો નથી. મારા પર લગાવેલા આક્ષેપ તદ્દન ખોટા છે.

Most Popular

To Top