Editorial

યુદ્ધગ્રસ્ત વિસ્તારની સામાન્ય પ્રજાએ પારાવાર પીડાઓ વેઠવી પડે છે

સંસ્કૃતમાં એક બહુ જાણીતી સુભાષિત છે કે યુદ્ધસ્ય કથા રમ્યા: એટલે કે યુદ્ધની ફક્ત કથાઓ જ રોચક લાગે છે. યુદ્ધના મેદાનમાં કે યુદ્ધના કારણે જેમને અસર થઇ હોય તેવા વિસ્તારોના સંજોગો ખૂબ જ કઠણ હોય છે. યુદ્ધને  કારણે જે કરૂણાંતિકાઓ સર્જાય છે તે ખૂબ જ દુ:ખદ હોય છે અને યુદ્ધમાં સૈનિકોને જ નહીં પણ યુદ્ધ ગ્રસ્ત વિસ્તારના સામાન્ય નાગરિકોને પણ પારાવારા પીડાઓ વેઠવી પડે છે. પહેલાના સમયમાં શત્રુ સેના આક્રમણ કરતી અને  વિજેતા સેના પરાજીત વિસ્તારોમાં જે અત્યાચારો ગુજારતી તેની કથાઓ ખૂબ ભયંકર છે. કત્લેઆમ, લૂંટફાટ, સ્ત્રીઓના અપહરણો વગેરે બાબતો ત્યારે સામાન્ય હતી. માણસ થોડો વધુ સમજણો થયો અને જીનીવા કરાર જેવી  સંધિઓ થઇ પછી એક બીજાના પ્રદેશોમાં લૂંટ ફાટ કરવી, પુરુષોને ગુલામ બનાવવા કે સ્ત્રીઓને ઉપાડીને લઇ જવી જેવી ઘટનાઓ તો ઓછી થઇ છે.

છતાં હજી સૈનિકો દ્વારા અત્યાચારો કે બળાત્કારો કરવામાં આવતા હોય તેવી  છૂટી છવાઇ ઘટનાઓ તો બનતી જ રહે છે. યુદ્ધના મેદાન પર કણસતા ઘાયલ સૈનિકોના દ્રશ્યો તો ભયંકર હોય જ છે પણ સામાન્ય નાગરિકોની પીડાઓ ઘણી વખત તેના કરતા વધુ ભયંકર હોય છે. આજે જ્યારે શત્રુ સેના દ્વારા  અપહરણો કે લૂંટ ફાટ જેવા બનાવો ઓછા થયા છે ત્યારે આધુનિક ટેકનોલોજીના કારણે બોમ્બમારા કે મિસાઇલ હુમલાની અડફેટે સામાન્ય લોકો ચડી જાય તેવી ઘટનાઓ વધી ગઇ છે. પહેલા યુદ્ધના મેદાનમાં મોટે ભાગે સૈનિકો  જ ઘાયલ થતા કે માર્યા જતા, આજે હવાઇ હુમલાઓ અને મિસાઇલ હુમલાઓમાં સામાન્ય લોકોના ઘાયલ થવાનું અને માર્યા જવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. નાગરિકોની મિલકતોનો બોમ્બ હુમલામાં નાશ થવો એ સામાન્ય  બાબત બની ગઇ છે. અત્યારે યુક્રેનમાં એ જ થઇ રહ્યું છે.

રશિયન લશ્કરનું આક્રમણ શરૂ થયા બાદ યુક્રેનિયન નાગરિકોમાં ભયનું મોજું ફેલાયેલું છે. યુક્રેનિયન સરકારે લોકોને બોમ્બ શેલ્ટરો અને સલામત સ્થળોએ આશરો લેવાનો આદેશ આપ્યા બાદ લોકોએ આશરા માટે ધસારો કર્યો  હતો. બોમ્બ શેલ્ટરો પુરતા થઇ રહેતા નથી ત્યારે લોકો જમીન હેઠળ બંધાયેલા સબ-વે રેલ સ્ટેશનોમાં આશરો લઇ રહ્યા છે. નાગરિકોને નિશાન બનાવવામાં નહીં આવે તેવી રશિયન પ્રમુખ પુટિનની ખાતરી છતાં હુમલાના પહેલા  જ દિવસે ઘણા નાગરિકો માર્યા ગયા હતા. સૌથી વધુ જાનહાનિ ખાર્કિવ શહેરમાં થઇ હોવાનું માનવામાં આવે છે. આક્રમણની બીજી રાત્રે ઘણા લોકોએ સબ-વે સ્ટેશનોમાં બેઠા બેઠા જ ઉંઘીને કામ ચલાવ્યું હતું જ્યારે વારંવાર વાગી રહેલી હવાઇ હુમલાની સાયરનો લોકોનો ગભરાટ વધારી રહી હતી. આ માહોલમાં  બીજા વિશ્વ યુદ્ધ સમયે જ્યારે હિટલરનું જર્મની બ્રિટન પર બોમ્બ મારો કરી રહ્યું હતું ત્યારે લંડનમાં ફેલાયેલા ગભરાટની યાદો તાજી થઇ હતી.

જેમ જેમ યુદ્ધની વાતો બહાર આવતી જાય છે તેમ તેમ યુક્રેનમાંથી સામાન્ય  નાગરિકોની પારાવાર પીડાઓની વ્યથિત કરનારી કથાઓ બહાર આવી રહી છે. ગભરાયેલા લોકો દેશ છોડવા ધસારો કરી રહ્યા હોય કે સબ-વે સ્ટેશનોના પગથિયાઓ પર બેસીને ઝોંકા મારીને રાત પસાર કરી રહ્યા હોય તેવી  દુ:ખદ તસવીરોને પણ બાજુએ મૂકી દે તેવી કેટલીક તસવીરો તો એ બહાર આવી છે કે નવા જન્મેલા બાળકોને ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી બોમ્બ શેલ્ટરોમાં ખસેડવામાં આવી રહ્યા છે. પૂર્વ યુક્રેનના નિપ્રો શહેરમાંથી આ તસવીરો  બહાર આવી છે જેમાં જોઇ શકાય છે કે એક ડઝન જેટલા નવજાત શિશુઓને ધાબળામાં વીંટાળીને બોમ્બ શેલ્ટરો કે બોમ્બ હુમલાથી બચવા માટેના આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે. કેટલાક બાળકોને તો પારણાની સાથે  બોમ્બ શેલ્ટરોમાં ખસેડવામાં આવી રહ્યા હોવાનુ જોઇ શકાતું હતું. નવજાત શિશુઓને જ્યારે કોમળતાભરી માવજતની જરૂર હોય તેવા સમયે તેમને આ રીતે બોમ્બ શેલ્ટરમાં ખસેડવા પડે તે બાબત ખરેખર ધ્રુજાવનારી છે. પરંતુ  યુદ્ધની વિભીષિકા ઘણી બધી કરૂણ ઘટનાઓનું સર્જન કરે છે તે એક કઠોર વાસ્તવિકતા છે.

માણસ જેમ જેમ સુસંસ્કૃત થતો જશે તેમ તેમ અત્યાચારો અને લોકો પરના દમન ઓછા થતા જશે એવી ધારણા બીજા વિશ્વ યુદ્ધ પછી રાખવામાં આવી હતી પણ અત્યાર સુધી તો આ બહુ શક્ય બનતું લાગ્યુ નથી. બીજા વિશ્વ  યુદ્ધમાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુ બોમ્બ ઝિંકાયા અને સામાન્ય પ્રજાજનોએ ત્યારે તરત અને ત્યારપછી વર્ષો સુધી જે પીડાઓ વેઠી તેનાથી આખું વિશ્વ ધ્રુજી ગયું હતું, પણ તે છતાં માણસ હજી સુધર્યો  નથી. સદભાગ્યે, જાપાન પરના હુમલાઓ પછી બીજો કોઇ અણુ હુમલો અત્યાર સુધી થયો નથી પણ પરંપરાગત બોમ્બ પણ અનેકગણા ઘાતક બન્યા છે આવા બોમ્બના હુમલાઓએ પણ સામાન્ય લોકોને ખૂબ પીડાઓ આપી છે  અને અણુ શસ્ત્રોનો ભય તો માણસ જાત પર ઝળુંબી જ રહ્યો છે. અત્યાચારો અને પીડાઓથી મુક્ત માનવ સમાજનું ક્યારેક સર્જન થઇ શકશે કે ક્યારેય નહીં થાય? અત્યારે આપણે કશું કહી શકવાની સ્થિતિમાં નથી.

Most Popular

To Top