નવસારી : નવસારી (Navsari) રેલવે ફાટક અચાનક તૂટી પડ્યું હતું. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. નવસારી રેલવે ફાટક પરથી દિવસ દરમિયાન હજારો નાના-મોટા વાહનો (Vehicles) પસાર થાય છે. જ્યાં ફાટક બંધ રહેતું હોવાથી ઘણી વાર વાહનોની લાંબી લાઈનો (Line) પણ લાગી જતી હોય છે. ત્યારે આજે સવારે નવસારી રેલવે ફાટક અચાનક તૂટી ગયું હતું. જેના પગલે અકસ્માતની (Accident) સંભાવના વર્તાઈ હતી. જોકે કોઈ અકસ્માત કે જાનહાની થઈ ન હતી. આ ઘટનાને પગલે નવસારી રેલવે તંત્ર દ્વારા ફાટકની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી તમામ વાહનો રેલવે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા હતા.
આહવાનાં સોનગીર ફાટકથી વાસુર્ણાને જોડતો માર્ગ ખખડધજ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ સોનગીર ફાટકથી વાસુર્ણાને જોડતો માર્ગ સોનગીર, વાસુર્ણા સહીત મહારાયચોંડ અને ચીખલી જેવા ગામોને સાંકળે છે. આ માર્ગ ટૂંકા અંતર સાથે શોર્ટ કટમાં આહવા રાષ્ટ્રીય ધોરી માર્ગ- સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગને પણ જોડતો હોવાના પગલે લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. પરંતુ ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગમાં 800 મીટર જેટલુ જ ડામર સપાટીનું કામ કરી અર્ધો માર્ગ ઉબડ ખાબડ હાલતમાં છોડી મુક્તા લોકોને ભારે દુર્દશા વેઠવાની નોબત આવી છે. સોનગીર ફાટકથી વાસુર્ણા ગામને જોડતો માર્ગ ચડાણ અને ઉતરાણ વાળો હોય તેમજ હાલમાં આ માર્ગની હાલત ખખડધજ બની જતા વાહનચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે.
સોનગીર ફાટકથી વાસુર્ણા ગામને જોડતો માર્ગ ઉબડ ખાબડ હાલતમાં હોય જેથી બીમારી જેવા પ્રસંગે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર પહોચી શકતી નથી. તેમજ આ માર્ગ ખખડધજ હોય જેથી રાત્રીનાં સમયે મોટરસાઈકલ જેવા નાના વાહનો સ્લીપ મારી જતા હોવાના પગલે વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે. સોનગીરથી વાસુર્ણાને જોડતા માર્ગને ડામર સપાટીમાં નવીનીકરણ કરવા માટે અહીનાં જાગૃત આગેવાનો સહીત ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં વારંવાર રજુઆત કરી હોવા છતાંય અધિકારીઓનાં પેટનું પાણી હાલતુ નથી. ડાંગ જિલ્લાનાં સોનગીર ફાટકથી વાસુર્ણાને જોડતો બિસ્માર માર્ગનું તુરંત જ નવીનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
માર્ગની મંજૂરી વન વિભાગ આપશે તો જ નવીનીકરણ હાથ ધરાશે
આ બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં આહવા માર્ગ મકાનનાં મદદનીશ ઈજનેર યતીન પટેલે જણાવ્યુ હતુ કે સોનગીર ફાટકથી વાસુર્ણા ગામને જોડતો માર્ગ વન વિભાગમાં લાગે છે. જે તે સમયે વન વિભાગ દ્વારા તેઓમાં લાગુ માર્ગોનું નવીનીકરણ માટે અમને સોંપ્યા હતા. બાદમાં વન વિભાગ હસ્તકનાં નવીનીકરણ પામેલા માર્ગો પરત અમારા વિભાગે વનવિભાગને જ સોંપ્યા છે. જેમાં સોનગીર ફાટકથી વાસુર્ણા ગામને જોડતો માર્ગ પણ વન વિભાગમાં લાગે છે. જેથી આ માર્ગની મંજૂરી વન વિભાગ આપશે તો જ નવીનીકરણ હાથ ધરાશે.