SURAT

ગ્રીષ્મા જેવી ઘટના બને તે પહેલા જ રાંદેરમાં માથાભારે યુવાનને પકડી લેવાયો

સુરત: પાસોદરામાં (Pasodara) ગ્રીષ્માની હત્યાની (Murder) સ્યાહી સુકાઈ નથી ત્યાં રાંદેર (Rander) વિસ્તારમાં રહેતી કિશોરીને અમરોલીનો યુવક એક તરફી પ્રેમમાં પીછો કરીને પરેશાન કરતો હતો. કિશોરીની છેડતી કરીને ચપ્પુ પોતાના હાથમાં મારવાના અને કિશોરીને જાનથી મારવાના ઇશારા કરતો હતો. રાંદેર પોલીસે (Police) ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના બનતી અટકાવી આરોપીને દબોચી લીધો હતો.

  • યુવક કિશોરીની છેડતી કરીને ચપ્પુ પોતાના હાથમાં મારવાના અને કિશોરીને જાનથી મારવાના ઇશારા કરતો હતો
  • ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના બનતી અટકાવી પોલીસે આરોપીને દબોચી લીધો હતો
  • ગભરાઈને કિશોરીએ તેના પરિવારને વાત કરી

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરમાં રહેતી 17 વર્ષીય કિશોરી ધોરણ-11 પછી અભ્યાસ છોડી હાલ ઘરે જ હતી. કિશોરીના ભાઈનો મિત્ર ધર્મેશ ઉર્ફે ધ્રુવ રવજીભાઇ બોરીચા અવાર નવાર કિશોરીના ઘરે આવતો હતો. દરમિયાન ધર્મેશની કિશોરી પર દાનત બગડતા તે કિશોરીને બિભત્સ ઇશારા કરતો હતો. કિશોરીનો પીછો પણ કરતો થયો હતો. ધર્મેશ અવાર નવાર કિશોરીનો પીછો કરીને પરેશાન કરતો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી ધર્મેશનો ત્રાસ વધી ગયો હતો. કિશોરીના ઘર પાસે જઈને તેને બિભત્સ ઇશારા કરતો હતો.

દરમિયાન તેને કિશોરીને ઘર પાસે જઈને પોતાની પાસેનું ચપ્પુ બતાવ્યું હતું અને પોતાના હાથમાં મારવાનો ઈશારો કરી ડરાવતો હતો. કિશોરીએ તો પણ તેને સામેથી મચક નહીં આપતા તેણે કિશોરીને જાનથી મારવાની ધમકી આપી હતી. અંતે ગભરાઈને કિશોરીએ તેના પરિવારને વાત કરી હતી. દરમિયાન ગ્રીષ્માની ઘટના બનતા પરિવારના ડરી ગયેલા સભ્યોએ રાંદેર પોલીસને જાણ કરી હતી. રાંદેર પોલીસે કિશોરીની ફરિયાદ લઈને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી પાડ્યો હતો. ધર્મેશ હાલ કોઈ કામ ધંધો કરતો નથી, કિશોરીનો રોજ પીછો કરીને તેને પરેશાન કરતો હતો. રાંદેર પોલીસે ધર્મેશની સામે છેડતીનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top