Dakshin Gujarat

પેટ્રોલ પંપના કર્મચારીએ એક લાખનું ડીઝલ ચોર્યુ

ખેરગામ : ખેરગામ પોલીસ મથકમાં (Police Station) સમાવેશ ચીખલીના રૂમલા બરડીપાડા પાણીખડકથી રાનકૂવા જતા રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલ પંપના (Petrol Pump) કર્મચારીએ જ 1120 લીટર ડીઝલ ચોરી એક લાખથી વધુનો ચૂનો ચોપડયો હતો. ડીઝલની ઘટ આવતાં કર્મચારીનો ભાંડો ફૂટી ગયો હતો.

ખેરગામના રૂમલા બરડીપાડાથી પાણીખડક જતા રોડ ઉપર નાયરા એનર્જી-એસ્સાર કંપનીનો ઈશ્વર પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ઉપર રૂમલાનો જીગનેશ નિતેશ પટેલ કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલની ઘટ આવતાં પેટ્રોલ પંપના સંચાલકને કર્મચારી ઉપર શંકા ગઈ હતી. આથી તેણે સીસીટીવી તપાસતાં તે બંધ જણાયા હતા. દરમિયાન જીગનેશ પટેલની પૂછપરછ કરતાં તેણે જ કેટલાક ઇસમો સાથે મળી ડીઝલની ચોરી કરી હોવાની પોલ ખુલ્લી પડી હતી. છેલ્લા પંદર દિવસથી સીસીટીવી કેમેરા ડેમેજ કરી ગત તા. 8 ફેબ્રુઆરીએ પેટ્રોલ પંપની ડીઝલ ટાંકીમાં ડીપ માપવાના પાઇપમાં ઈલેક્ટ્રિક બેટરીવાળી મોટરનો પાઇપ નાખીને ટાંકીમાંથી કુલ 1120 લીટર ડીઝલ કિં.રૂ. 1,00,500ની ચોરી કરી હતી. જીગનેશ પટેલે ડીઝલ ચોરીની કબૂલાત કરતાં પેટ્રોલ પંપ સંચાલક કશ્યપ દેખાઈએ ખેરગામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશ મોકલવાના બહાને 45.90 લાખની છેતરપિંડીના તાર દિલ્હી સાથે જોડાયા
ઘેજ : ચીખલી પોલીસે વિદેશ મોકલવાના બહાને 15 લોકો સાથે 45.90 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મળતા ત્રણ પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનાના તાર દિલ્હી સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચીખલી તથા આસપાસના 15 વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા બદ વિદેશ નહીં મોકલાવી કુલ 45.90 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનાના આરોપી તેજરાજે પિનાકીન પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાતા આરોપીને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા ત્રણ જેટલા પાસપોર્ટ મળી આવતા પોલીસે કબજે લીધા હતા. વધુમાં આરોપી વિદેશ મોકલવાનો કારભાર દિલ્હીના કોઇ વ્યક્તિ સાથે કરતો હોવાનું અને અન્ય લોકોના પાસપોર્ટ પણ તેને આપેલા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત છેતરપિંડીના ગુનામાં આગામી દિવસોમાં ભોગ બનનારાઓની સંખ્યા અને છેતરપિંડીની રકમ પણ વધે તો નવાઇ નહીં. ગુનાની વધુ તપાસ પીએસઆઇ ડી.આર. પઢેરિયા કરી રહ્યા છે.

Most Popular

To Top