પલસાણા: કડોદરા (Kadodra) નગરમાં રહેતી પ્રાઇવેટ શાળાની (Private School) શિક્ષિકા (Teacher) તેની જેઠાણીના ઘરે હતી. ત્યારે પરિવારનાં નાનાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિવારે (Family) જ સમાધાન કર્યું હતું. છતાં ગણતરીના કલાકોમાં જ બિલ્ડિંગમાં રહેતા શિક્ષિકાના કાકા સસરાનો પરિવાર શિક્ષિકા પર તૂટી પડી કપડાં ફાડી નાંખી ઢીકમુક્કીનો માર મારી ધમકી આપતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો.
પલસાણા તાલુકાના કડોદરાની સમ્રાટ ગ્રીન સિટીના શ્રીરામ રેસિડેન્સીના ફ્લેટ નં.304માં રહેતી પ્રિયંકા આશુતોષ શુકલા (ઉં.વ.28) મળી મંદિરપુર, તા.બદલાપુર, જિ.જોનપુર, યુ.પી.ની રહેવાસી છે. જે કડોદરાની વિદ્યાભારતી ઈંગ્લિશ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેના બે પુત્રો સાથે રહે છે. પ્રિયંકાનો પતિ આશુતોષ શુકલા છેલ્લાં 12 વર્ષથી દુબઈમાં રહે છે. આ જ બિલ્ડિંગમાં 205 નંબરના ફ્લેટમાં પ્રિયંકાના જેઠ અલોકભાઈનો પરિવાર તેમજ 202 નંબરના ફ્લેટમાં તેના કાકા સસરા દિનેશભાઇ શુકલાનો પરિવાર રહે છે.
ગત શનિવારના રોજ સાંજના સમયે પ્રિયંકાબેન તેના જેઠના મકાનમાં જમવાનું બનાવી રહી હતી. એ સમયે પ્રિયંકાબેનનો છોકરો શ્રેયાંશ, જેઠનો છોકરો આયુષ તેમજ કાકા સસરાનો છોકરો સત્યમ આ ત્રણેય ટીવી જોઈ રહ્યા હતા. જે સરસામાં એકાએક આ બાળકો લડવા લાગ્યાં હતાં. જેથી જેઠાણી અને કાકા સસરા અને કાકી સસરાએ આ તમામને છૂટા પાડ્યાં હતાં. બીજા દિવસે રવિવારે પણ જ્યારે પ્રિયંકાબેન સાંજના સમયે તેમના જેઠના ફ્લેટ પર જમવાનું બનાવી રહ્યાં હતાં, ત્યારે પ્રિયંકાબેનના કાકા સસરા દિનેશભાઇ, કાકી સાસુ સુધાબેન અને તેનો પુત્ર સત્યમ પ્રિયંકાબેન પાસે આવ્યાં અને સુધાબેને પ્રિયંકાને ઢીકમુક્કીનો માર મારી કપડાં ફાડી નાંખ્યાં હતાં. જે દરમિયાન જેઠ-જેઠાણી આવી જતાં તેમને છોડાવવા જતાં કાકા સસરાએ પ્રિયંકાબેનને જતાં જતાં કહ્યું હતું કે, ‘આજ તો બચ ગઈ હૈ, અગલી બાર માર હી ડાલેંગે’. આ મામલે પ્રિયંકાબેને કડોદરા પોલીસમથકમાં કાકા સસરા, કાકી સાસુ અને તેમના દીકરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી.