સુરત : ઓડિસ્સાથી ટ્રેન (Train) મારફતે સુરતમાં (Surat) લાવવામાં આવતા ગાંજાના જથ્થાને મહિધરપુરા પોલીસે રેલવે સ્ટેશનના (Police Railway Station) ટેક્સી પાર્કિંગમાંથી (Parking) જ પકડી પાડ્યું હતું. પોલીસે એકની ધરપકડ કરીને ગાંજો મોકલનાર ઓરિસ્સાના બે યુવકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પાંડેસરામાં અપેક્ષા નગરમાં રહેતો જનાર્દન સીમનચલ રાઉત ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. જનાર્દન સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સ્ટેશનના ટેક્સી પાર્કિંગમાં પોલીસે વોચ ગોઠવીને શંકાના આધારે જનાર્દનને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેની પાસેથી રૂા. 1.41 લાખની કિંમતનો 14.176 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસની પુછપરછમાં આ ગાંજાનો જથ્થો ઉધનાના હરીનગરમાં રહેતા મહંતી સાગર ભગવતે મંગાવ્યો હતો અન ઓરિસ્સાથી મોકલાવ્યો હતો. પોલીસે જનાર્દનની ધરપકડ કરીને ગાંજો મંગાવનાર તેમજ મોકલનાર બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તાંતીથૈયામાં ટેમ્પામાં ચોખાની આડમાં લઈ જવાતો 4 લાખનો દારૂ ઝડપાયો
સુરત: કડોદરા પોલીસે બાતમીના આધારે તાંતીથૈયા ખાતે ટેમ્પો થોભાવી તપાસ કરતાં ટેમ્પો પાછળ ચોખાની ગુણોની આડમાં લઈ જવાતી વિદેશી દારૂઓની પેટીઓ મળી આવી હતી. પોલીસે ચાલક સહિત બેની અટકાયત કરી ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગના એક ટાટા આઇસર ટેમ્પોમાં ચોખાની ગુણની આડમાં વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે. અને આ ટેમ્પો કડોદરાથી પસાર થનાર છે. જે બાતની આધારે કડોદરા પોલીસ પી.આઈ. હેમંત પટેલ સહિતના સ્ટાફે કડોદરા ચાર રસ્તા પર વોચ ગોઠવતાં બાતમી મુજબના ટેમ્પો નં.(RJ 06 GB 0658) કડોદરા તરફથી બારડોલી તરફ રસ્તે જતા દેખાતાં પોલીસે તેને અટકાવવા જતાં ટેમ્પોચાલક બારડોલી તરફના રસ્તે ભાગ છૂટ્યો હતો. પોલીસે પીછો કરી તાંતીથૈયાની હદમાં અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં ચોખાની ગુણની આડમાં દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટેમ્પોચાલક તેજસિંગ કનસિંહ ખરવળ (ઉં.વ.27) તેમજ તેની સાથે રહેલા વ્યક્તિ રાકેશ બંસીધારી યાદવ (ઉં.વ.38) (રહે.,ઘનશ્યામ રેસિડેન્સી, મકાન નં.66, સાઈબા મિલની પાછળ, જોળવા, મૂળ-રહે.,જોનપુર, ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેમ્પો કિંમત 6 લાખ અને દારૂની બોટલ નંગ 3589 કિંમત 4 લાખ તેમજ મોબાઈલ મળી 10,37,150નો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા રાજેશ યાદવ, પંકજ મારવાડી, જોળવા ખાતે રહેતા ચિત્રાસેનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.