સુરત : દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં દોઢ માસ અગાઉ પડેલા દેમાર કમોસમી વરસાદને લીધે મલબારી રેશમનો પાક નાશ પામતાં રેશમની અછત ઉભી થવાને લીધે મલબરી રેશમની કિંમતમાં કિલો દીઠ 30000 થી 4000 રૂપિયાનો ભાવ વધારો થયો છે. એને લીધે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના વિવરોએ સાડીનું ઉત્પાદન બંધ કરતા તેની સીધી અસર સુરતના જરી ઉદ્યોગ પર પડી છે.
ધી સુરત જરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ નવીન જરીવાલા અને સેક્રેટરી બિપિન જરીવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં મલબરી રેશમના ભાવોમાં થયેલા અસહ્ય વધારો થવાના કારણે સાઉથના માર્કેટમાં વિવર્સ દ્રારા સાડીનું ઉત્પાદન સદંતર બંધ કરવાથી સુરતનો જરી ઉધોગ ભીંસમાં મુકાયો છે. એને લીધે જરીના ઉત્પાદનમાં 50 ટકા ઉત્પાદન કાપ મુકવાનો નિર્ણય જરી ઉદ્યોગના સંગઠનો એ કર્યો છે.
એક-બે મહિના યુનિટ બંધ રહે તો પણ કોઈ ફેર નહીં પડે : બિપિન જરીવાલા
સુરત જરી મેન્યુફેક્ચર્સ એસો.ના સેક્રેટરી બિપિન જરીવાલાએ જણાવ્યું હતું કે, જરીની માંગ ઘટી જવા સાથે જુના પેમેન્ટ છુટા નહીં થતા ઉત્પાદકોને પોતાના યુનિટો ચલાવવા માટે ફાંફા પડી રહ્યા છે. જરીના માલનો ભરાવો એટલો છે કે, જરીનું ઉત્પાદન એક બે મહીના માટે સદંતર બંધ રાખવામાં આવે તો પણ કઈ ફેર પડે તેમ નથી. કારીગરોની રોજીરોટી પણ સચવાઈ રહે અને આ કપરા સમયમાંથી ઉદ્યોગ પણ બહાર આવી શકે એ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
જરી ઉદ્યોગના સંગઠનોએ આ મહત્વના નિર્ણય લીધા
(૧) દક્ષિણના રાજ્યોમાં પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી જરીના ઉત્પાદનમાં 50 ટકાનો કાપ મુકવો. (૨) ઉત્પાદનમાં કાપ મુકવા માટે જો કામના કલાક ઘટાડવામાં આવે તો મશીન વહેલા બંધ થવાથી જરીનો માલ કાળો પડવાની સંભાવના રહે છે. તેથી જરી કસબના મશીનો સિંગલ ડેક ચલાવી ઉત્પાદન 50 ટકા કરવું. (૩) સામે હોળીના તહેવારને કારણે કારીગરો ગામ જતા હોય તો તેવા મશીન સદંતર બંધ કરી ઉત્પાદનમાં કાપ રાખવો. (૪) ઓર્ડર વિના માલ મોકલવો નહીં અને જુના પેમેન્ટોની ઉઘરાણીની સામે જ માલની ડિલીવરી કરવી.