વલસાડ : સમગ્ર ભારતમાં જેનરિક દવાઓ અંગે લોકોમાં ખાસ્સી જાગૃતતા આવી છે. પ્રધાનમંત્રી યોજનામાં અનેક જેનરિક મેડિકલ સ્ટોર્સ પણ ખુલી ગયા છે. જેમના દ્વારા દવાઓ ખૂબ સસ્તા ભાવે અપાય છે, પરંતુ અહીંથી મળતી દવાઓ પર કિંમત બ્રાન્ડેડ દવાઓ જેટલી જ છાપેલી હોય છે. જેના કારણે અન્ય દુકાનદારો દ્વારા આ જ જેનરિક દવાઓ છાપેલી ઉંચી કિંમતે વેચી રોકડી થતા જેની મહત્તમ લોકોને જાણ જ નથી.
દવાના વેપારમાં જેનરિક દવાઓ બજારમાં આવતા સામાન્ય મેડિકલ સ્ટોર્સને માઠી અસર થશે એવી એક ચર્ચા ચાલી હતી, પરંતુ આ જ જેનરિક દવા તેમને રોકડી કરાવી રહી છે. ડોક્ટરના પ્રિક્રિપ્શન મુજબ 90 ટકા દવા આપી એક દવા બીજી કંપનીની આપવાનું કહી દર્દીઓને જેનરિક દવા પધરાવાઇ રહી છે. જો ગ્રાહક જાગૃત ન હોય તો મેડિકલ સ્ટોર્સ સંચાલક મહત્તમ દવા જેનરિક આપી તેની ઉંચી કિંમત વસૂલતા હોય છે. જેના પર કોઇનું નિયંત્રણ પણ નથી. જેના કારણે સારી કંપનીની દવાઓ લેવાનું ઇચ્છતા લોકો પૈસા આપીને છેતરાઇ રહ્યા છે. જેની સામે જાગૃતતા આવવી જરૂરી બની છે.
જેનરિક દવા પર ભાવ પણ ઓછો છપાતો નથી
ભારતમાં કે ગુજરાતમાં જેનરિક દવા પર ભાવ બ્રાન્ડેડ દવા જેટલો જ છપાતો હોય છે. આ ભાવ નિયંત્રણનો કોઇ કાયદો નથી. જેનો ગેરલાભ મેડિકલ સ્ટોર્સવાળા ઉઠાવી રહ્યા છે. બીજી તરફ ગ્રાહકો પણ જાણકારીના અભાવે છેતરાઇ રહ્યા છે. સરકાર દ્વારા આ સંદર્ભે વિચારણા થાય એ જરૂરી બન્યું છે.
જેનરિક મેડિકલ સ્ટોર્સમાં મહત્તમ ડિસ્કાઉન્ટ
વલસાડમાં અનેક જેનરિક મેડિકલ સ્ટોર્સ ધમધમી રહ્યા છે. જેમાં જેનરિક દવાઓ પર 60 થી 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા દવા પર પોતાના ભાવના સ્ટીકર પણ મારી દેવાતા હોય છે. જ્યાં છેતરાવાની કોઇ શક્યતા જ રહેતી નથી, પરંતુ આડેધડ ખુલી ગયેલા મેડિકલ સ્ટોર્સમાં આ જ દવા ડિસ્કાઉન્ટ વિના અથવા 10 ટકાના ડિસ્કાઉન્ટે મળી રહી છે.
છાપેલી કિંમતથી વધુ પૈસાની વસૂલી થાય તો જ પગલાં ભરી શકાય.
કોઇ મેડિકલ સ્ટોર સંચાલક દવા પર છાપેલી કિંમતથી વધુ રકમની વસૂલાત કરે તો જ તેની સામે પગલાં ભરી શકાય છે. જો છાપેલી કિંમતથી ઓછી કિંમત વસૂલે તો તેની સામે કોઇ પગલાં ભરાતા નથી. ભલે જેનરિક દવા આપે કે કોઇ પણ દવા. એવું વલસાડ ડ્રગ્ઝ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પુર્શનાનીએ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન જે મેડિકલ સ્ટોર્સ સંચાલકો છાપેલી કિંમતથી વધુની રકમ દવા અથવા માસ્ક પર વસૂલતા હતા તેમની સામે પગલાં લેવાયા જ હતા.