Dakshin Gujarat

કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તામાં તેની જ ટ્રક ખુપી ગઇ

નવસારી : નવસારીમાં (Navsari) તિઘરા રોડ પર રોડ કોન્ટ્રાક્ટર (Contractor) દ્વારા બનાવવામાં આવેલા રસ્તામાં (Road) ગટરની ચેમ્બર પર રોડ કોન્ટ્રાક્ટરનો ઝીણી કપચી ભરેલો ટ્રક (Turck) ખુપી ગયો હતો. જેના પગલે ટ્રક એક બાજુથી જમીનમાં ખુપી જતા ચેમ્બર અને રસ્તામાં મોટી તિરાડો પડી ગઈ હતી. આ ઘટનાને પગલે નગરપાલિકા અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામો ઉપર સવાલો ઉઠ્યા છે.

  • ઝીણી કપચી ભરેલા ટ્રકનું ટાયર ગટરની ચેમ્બર પર પડતા ટ્રકનો એક બાજુનો ભાગ ચેમ્બરમાં ઘુસી ગયો
  • ટ્રકના વજનથી રસ્તામાં તિરાડો પડી ગઇ

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવતા નવા રોડને લઈ વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. હાલ બનાવવામાં આવી રહેલા નવા રોડમાં કોન્ટ્રાક્ટરો ગેરરીતી આચરી ગુણવત્તાવિહીનનું કામ કરી રહ્યા છે. જેના પગલે પ્રજાના પૈસાનો બગાડ થઇ રહ્યો છે. બીજી તરફ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ ટુંક સમયમાં જર્જરિત થઇ જતા હોય છે. જેથી રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય છે. તેમ છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ અને શાસકો આંખ આડા કાન કરી એક જ રોડ કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે.

નવસારીના તિઘરા જકાતનાકાથી તિઘરા વાડી તરફ જતો નવો રોડ બનાવ્યો છે. જે રોડ જે.એમ. શાહ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ જે.એમ. શાહ રોડ કોન્ટ્રાક્ટરનો ઝીણી કપચી ભરેલો ટ્રક તિઘરા વિસ્તારમાં બનાવેલા રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો ત્યારે રસ્તાની બાજુમાં બનાવેલી ગટરની ચેમ્બરનું ઢાંકણ બેસી ગયું હતું. જેના પગલે કપચી ભરેલો ટ્રકનું પાછળનું ટાયર જમીન ખુપી જતા ટ્રક આગળથી ઊંચું થઇ ગયું હતું. જોકે ટ્રકમાં સવાર મજૂરો ઉતરી ગયા હતા. ટ્રક જમીનમાં ખુપી જતા રોડ પણ તૂટી ગયો હતો.

શાસકો દ્વારા આપવામાં આવતા રોડના કામોમાં ઉતારાતી નકરી વેઠ
નવસારીમાં ઘણા વિસ્તારોમાં ગટરની ચેમ્બર રોડની વચ્ચે જ હોય છે. જેના પરથી રોડ હજારો વાહનો પસાર થતા હોય છે. ત્યારે નગરપાલિકાએ ગટરના ચેમ્બરના ઢાંકણો મજબુત નાંખવાના હોય છે. તેમજ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતો રસ્તો પણ મજબુત હોવો જોઈએ. જેથી કરીને કોઈ ભારે વાહન પસાર થાય તો કોઈ દુર્ઘટના ન સર્જાય. પરંતુ નગરપાલિકાના શાસકો દ્વારા આપવામાં આવતા રોડના કામોમાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી છે.

અગાઉ પાલિકા પ્રમુખના વિસ્તારમાં રોડ બનાવવામાં ગેરરીતી આચરાઇ હતી
અગાઉ પણ પાલિકા પ્રમુખના વિસ્તારમાં મહેન્દ્ર પટેલ નામના રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં ગેરરીતી આચરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પાલિકા પ્રમુખે તે રોડના સેમ્પલો લઈ ટેસ્ટીંગ માટે મોકલ્યા હતા. સાથે જ રોડ કોન્ટ્રાક્ટર મહેન્દ્ર પટેલને બ્લેક લીસ્ટ કરવા પણ જણાવ્યું હતું. પરંતુ હજી સુધી તે બાબતે કોઈ કાર્યવાહી થઇ નથી. ત્યારે હવે તિઘરા વિસ્તારમાં બનાવેલા રોડ બાબતે રોડ કોન્ટ્રાક્ટર સામે પાલિકાના શાસકો અને અધિકારીઓ શું પગલા ભરે એ જોવું રહ્યું.

Most Popular

To Top