અમદાવાદ: અમદાવાદ(Ahmadabad)માં વર્ષ 2008માં કંઈક એવું બન્યું જેણે દેશ (Nation)અને દુનિયા(World)માં ખળભળાટ મચાવી દીધો હતો. વર્ષ 2008ની 26 જુલાઈનો એ દિવસ આમ તો અમદાવાદવાસીઓ માટે સામાન્ય દિવસ હતો. લોકો રોજની જેમ પોતાના કામ ધંધે જતા હતા. પરંતુ આ દિવસે પોતાના કામમાં વ્યસ્ત લોકોને સાંજ પડતાની સાથે જ સંભળાવવા માંડ્યાં બોમ્બ ધડાકાના અવાજ અને શહેર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Serial bomb blast)થી ધણધણી ઉઠ્યું હતું. એક પછી એક શહેરના વિવિધ 20 વિસ્તારોમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બોમ્બ બ્લાસ્ટના પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં લોકોની લાશ અને લોહી વહેતુ જ જોવા મળી રહ્યું હતું. પોતાના સ્વજનોના મોતના પગલે પરિવારજનોનું આક્રંદ જોતા ભલભલાના આંખમાંથી આંસુ આવી જાય. આ નિર્દોષોની શું વાંક ?
સમગ્ર અમદાવાદમાં ગુંજતી ચિચિયારી
આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત અને 200થી વધુને ઈજા પહોંચી હતી. સમગ્ર અમદાવાદમાં માત્ર મોતને ભેટેલા લોકોના પરિવારના સભ્યોની ચિચિયારી જ સંભળાતી હતી. આ ઘટનાને આજે 14 વર્ષ થઇ ગયા છે. પરંતુ બ્લાસ્ટનો એ દિવસ લોકોના મનમાં ગર કરી ગયો છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા અનેક લોકો આજે પણ વિકલાંગ જેવી હાલતમાં જીવન જીવવા મજબૂર છે. અનેક ઇજાગ્રસ્તોએ 10થી વધારે સર્જરીમાંથી પસાર થવું પડ્યું છે.
આ સમગ્ર બોમ્બ બ્લાસ્ટ કેસમાં શું શું બન્યું
- 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. 70 મિનિટમાં 20 સ્થળોએ થયા 21 બોમ્બ બ્લાસ્ટ થતા સમગ્ર શહેર હચમચી ઉઠ્યું હતું.
- અમદાવાદના રાયપુર ચકલા ,નરોડા, નારોલ સર્કલ, જવાહર ચોક, મણિનગર, સરખેજ, સારંગપુર, બાપુનગર, રખિયાલ, હાટકેશ્વર, ખાડિયા, એલજી હોસ્પિટલ, ઠક્કરબાપા નગર ઇસનપુર, ગોવિંદ વાડી અને સિવિલ હોસ્પિટલ જેવા સ્થળો પર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા.
- આ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- બોમ્બ બ્લાસ્ટ બાદ બીજા દિવસે સુરત શહેરમાંથી સંખ્યાબંધ જીવતા બોમ્બ અને વરાછા, કાપોદ્રા માંથી વિસ્ફોટકો ભરેલી બે કાર મળી આવતાં સમગ્ર પોલીસ તંત્ર હચમચી ગયું હતું.
- આ કેસમાં અમદાવાદમાં 20 ફરિયાદ જ્યારે સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી. આ બંને ફરિયાદ મળી કુલ 35 કેસ સામે તાપસ શરૂ કરાઈ હતી. પોલીસ અધિકારીઓએ આ કેસની તપાસમાં દિવસ રાત એક કર્યા હતા.
- ગુજરાતના 8 ઉચ્ચ પોલીસ અધિકારીઓએ 19 જ દિવસમાં કેસ ઉકેલી નાખ્યો હતો. આ અધિકારીઓમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, ગિરીશ સિંઘલ, હિમાંશુ શુકલા, રાજેન્દ્ર અસારી, મયુર ચાવડા ઉષા રાડા, વી. આર ટોળીયાનો સમાવેશ થાય છે.
- આ સમગ્ર ઘટનામાં અમદાવાદ પોલીસે 99 આતંકવાદીઓની ઓળખ કરી 82 આતંકવાદીઓને ઝડપી પડ્યા હતા.આ પૈકી 3 આતંકવાદી પાકિસ્તાન ભાગી ગયા હતા. એક આરોપી સીરિયા ભાગી ગયો હતો. તો એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જેથી 77આરોપીઓ સામે કેસ શરૂ થયો હતો.
- બોમ્બ બ્લાસ્ટ કેસમાં ડિસેમ્બર 2009થી સૌથી લાંબી કાર્યવાહી અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં શરૂ થઇ હતી. આ કેસમાં 9800 પાનાંની એક એવી 51 લાખ પાનાંની 521 ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
- આ કેસમાં 6 હજાર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. તેમજ 1163 લોકોની જુબાની લેવાઈ હતી. 1237 સાક્ષીઓને પડતા મુકાયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 7 જજો બદલાઈ ચુક્યા છે. તેમજ કોરોના કાળ દરમિયાન પણ ડે ટુ ડે કાર્યવાહી ચાલી હતી.
- આ મામલે ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ પટેલે 8મી ફેબ્રુઆરી, 2022ના રોજ 6752 પાનાંનો ચુકાદો આપ્યો હતો. જેમાં 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યાર બાદ આજે 18 ફેબ્રુઆરીના રોજ 49 આરોપીઓ માટે સજા જાહેર કરવામાં આવી છે.
સુરતમાં પણ મળ્યા હતા જીવતા બોમ્બ
અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ બાદ બીજા દિવસે સુરત શહેરમાંથી સંખ્યાબંધ જીવતા બોમ્બ અને વરાછા, કાપોદ્રા માંથી વિસ્ફોટકો ભરેલી બે કાર મળી આવતાં સમગ્ર પોલીસ તંત્ર હચમચી ગયું હતું. આ સમગ્ર કેસ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. 77 આરોપીઓને ઝડપી પાડયા હતા. કેસની 14 વર્ષ જેટલી લાંબી કાર્યવાહી બાદ આજે આ આરોપીઓને સજાનું એલાન કરાયું છે.દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર 38 દોષિતને ફાંસીની સજા, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજાના પગલે સમગ્ર અમદાવાદ વાસીઓને ન્યાય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે.