વાપી(Vapi): વાપી જીઆઇડીસી (GIDC) થર્ડ ફેસ સ્થિત વાઈટલ લેબોરેટરી પ્રા.લિમિટેડમાં કર્મચારીને વાલની ચોરીની શંકા રાખીને ઢીકમુક્કી તથા લાકડીના સપાટા મારી ગોંધી રાખીને બોઇલરમાં (Boiler) ફેકી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો. વાપી જીઆઇડીસી પોલીસે કંપનીના ચાર માણસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી જીઆઇડીસી થર્ડ ફેસ સ્થિત વાઈટલ લેબોરેટરી પ્રા.લિમિટેડમાં રીએક્ટર ઓપરેટર તરીકે છેલ્લા નવ વર્ષથી નોકરી કરતા મૂળ યુપીના હાલ રામાવધ કોમ્પલેક્ષ છીરીમાં રહેતા ૩૦ વર્ષના સુનિલ જવાહરલાલ સરોજ તેની નોકરીનો સમય પુરો થતા કંપની પરથી ઘરે ગયો હતો. ત્યારે વાઇટલ કંપનીના રાહુલ સુપરવાઈઝર(વોચમેન)નો ફોન આવ્યો હતો. કે સુનિલ તું તાત્કાલિક વાઇટલ કંપની પર આવી જા વાલની ચોરી થઇ છે. સુનિલ કંપની પર પહોંચતા રાહુલ સુપરવાઇઝર તેને કંપનીની ઓફીસમાં લઇ ગયો હતો. જ્યાં મેનેજર શંકર બજાજ તેમજ સંજય ડોડિયાએ સુનિલને પૂછ્યું હતું કે કંપનીની અંદરથી વાલની ચોરી થઇ છે જેમાં તારું નામ આવે છે. સુનિલે ચોરી કરી નહીં હોવાનું જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાઈ જઇ ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. કંપનીની કેન્ટીનના બંધ રૂમમાં લઇ જઇને ત્રણેય જણા લાકડીથી થાપાના ભાગે સપાટા મારવા લાગ્યા હતા. કોન્ટ્રાક્ટની અંદર નોકરી કરતા હરિ મંગલને વાલ ચોરીમાં વોચમેને પકડ્યો હતો તેણે સુનિલનું નામ આપ્યું હોવાનું જણાવી કેન્ટીનમાં ગોંધી રાખી રાજીનામું લખાવી લીધું હતું. હવે પછી કંપનીમાં આવશે તો બોઇલરમાં નાંખી દઇશું. તેવી ધમકી આપી સુનિલને ત્રણથી પાંચ કલાક પછી કંપનીમાંથી છોડી મુકતા રાહુલ કોન્ટ્રાક્ટર તેની બાઇક પર સુનિલને તેના રૂમ પર લઇ જઇ ત્યાં પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યાં સુનિલની પત્ની આવી જતા તેને છોડાવીને લઇ ગઇ હતી. સુનિલે હોસ્પિટલમાં સારવાર લઇને વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે વાઇટલ કંપનીના રાહુલ, શંકર બજાજ, સંજય ડોડિયા તથા રાહુલ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.