વલસાડ(Valsad): વલસાડમાં બોગસ રીતે ખેડૂત (Farmer) બનવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં વલસાડના પાંચાલ પરિવારના (Family) મોભીનું નામ કાકડમતીના એક ખેડૂત સાથે મળતું આવતું હોય, તેઓ કાકડમતીના ખેડૂતના નામે ખેડૂત ખાતેદાર બની ગયા હતા. તેમણે સેગવી ગામે ખેતીની જમીન પણ ખરીદી લીધી હતી. જેની જાણ થતાં તેમની વિરૂદ્ધ તેમના પરિવારના સભ્યે જ કલેક્ટરમાં ફરિયાદ (Complaint) કરી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઇ પણ પગલાં ભરાયા નથી.
- મોભી કાકડમતી ગામે સરખું નામ ધરાવતા ખેડૂતના આધારે ખેડૂત બની ગયા
- કલેક્ટરમાં ફરિયાદ પણ કોઇ પગલાં નહીં
વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ પર કલેક્ટર બંગલો સામે શ્યામ બંગલોમાં રહેતા કનૈયાલાલ નગીનદાસ પાંચાલ (ઉવ.72) એ ગત કાકડમતી ગામે રહેતા કનુભાઇ નગીનદાસ નામના વ્યક્તિ પોતે હોવાનો દાવો કર્યો હતો. તેમણે ગત 4-2-2006 માં એક સોગંદનામુ કરી પોતે જ કનુભાઇ નગીનદાસ હોવાનો દાવો કર્યો હતો અને ખેડૂત ખાતાવહીમાં પોતાનું નામ લખાવી ખાતેદાર બની ગયા હતા. બોગસ રીતે ખેડૂત બન્યા બાદ તેમણે સેગવી ગામે ખેતી લાયક જમીન પણ ખરીદી લીધી હતી. આ સંદર્ભે તિથલરોડ પર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય રજનીકાંત પાંચાલે વલસાડ કલેક્ટરને ગત 18-10-2021માં ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યું કે, કાકડમતીના કનુભાઇ અને કનૈયાલાલ બંને જુદા જુદા વ્યક્તિ છે. કાકડમતીની જમીનના વારસદારો અને કનૈયાલાલ પાંચાલના વારસદારો જુદા જુદા છે. તેમણે જણાવ્યું કે, કાકડમતી ગામના કનુભાઇ નગીનદાસનું ગત 22-12-2006 ના રોજ અવસાન થયું છે. જ્યારે વલસાડના કનૈયાલાલ નગીનદાસ પાંચાલ હાલ જીવીત છે. આ તમામ પુરાવાઓ સાથે વિજયભાઇએ જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઇપણ પગલાં ભરાયા નથી. વિજયભાઇએ સરકારને ખોટી રીતે ખેડૂત બની ખરીદાયેલા સેગવી ગામની જમીન ખાલસા કરવાની રજૂઆત કરી છે. જોકે, સ્થાનિક કક્ષાએથી હજુ સુધી તેમની ફરિયાદ મામલે કોઇ પગલાં ભરાયા નથી. ત્યારે હવે તેમના દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.